Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

કરાચી (પાકિસ્તાન) – પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલી લાલ શાહબાઝ કલંદર દરગાહ ખાતે ગુરુવારે રાતે કરાયેલા ભયાનક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટે ઓછામાં ઓછા 75 જણનો ભોગ લીધો હતો.

દક્ષિણ પાકિસ્તાનના સિંધ પ્રાંતના સેહવાનમાં આવેલી આ દરગાહમાં ધડાકો થયો હતો એ સમયે ત્યાં લોકો મોટી સંખ્યામાં હાજર હતાં. તેઓ લાલ સાઈ, ઝૂલેલાલ, મસ્ત કલંદરના નામોથી મશહૂર સૂફી સંત લાલ શાહબાઝ કલંદરની દરગાહમાં ધાર્મિક વિધિ માટે એકત્ર થયા હતા. આ દરગાહ સુપ્રસિદ્ધ સુફી ફિલસુફ અને કવિ સૈયદ મુહમ્મદ ઉસ્માન મરવંદી (લાલ શાહબાઝ કલંદર)ની છે. આ દરગાહ ખાસ કરીને કવ્વાલી કાર્યક્રમોને કારણે પાકિસ્તાન જ નહીં, પણ પડોશના અફઘાનિસ્તાનમાં પણ જાણીતી છે. કહેવાય છે કે સૂફી કવિ અમીર ખુસરોએ બાબા લાલ શાહબાઝ કલંદરના માનમાં જ દમાદમ મસ્ત કલંદર ગીત લખ્યું હતું. આ ગીત દુનિયાભરમાં પ્રચલિત થયું છે. આને કારણે લાલ શાહબાઝની દરગાહનું મહત્વ વધ્યું છે.

કોણ હતા દમાદમ મસ્ત કલંદરવાળા બાબા લાલ શાહબાઝ? આ છે, દરગાહનો ઈતિહાસ…

12મી સદીમાં થઈ ગયેલા લાલ શાહબાઝ કલંદર સિંધી કોમના હતા. એમનું મૂળ નામ સૈયદ મુહમ્મદ ઉસ્માન મરવંદી હતું. એમનો જન્મ 1177માં થયો હતો. તેઓ સામાન્ય રીતે લાલ રંગનો પોશાક પહેરતા હતા એટલે લોકોમાં લાલ તરીકે પ્રખ્યાત થયા હતા. તેઓ ઉમદા સ્વભાવના અને માયાળુ હતા. તેઓ પીર સૈયદ હસન કબીરુદ્દીનના પુત્ર હતા અને એમનો જન્મ ઈરાનના મારવાંડમાં થયો હતો. એમના પૂર્વજો બગદાદથી ઈરાનના મશદમાં ગયા હતા. ત્યાંથી અફઘાનિસ્તાનના મરવાંદ ગયા હતા જ્યાં દમાદમ મસ્ત કલંદરવાળા બાબા (લાલ શાહબાઝ)નો જન્મ થયો હતો.

લાલ શાહબાઝ બાદમાં સેહવાન (હાલ પાકિસ્તાન)માં આવીને વસ્યા હતા જ્યાં એમનો દેહાંત થયો હતો અને ત્યાં જ એમને દફનાવવામાં આવ્યા હતા.

કહેવાય છે કે લાલ શાહબાઝ 1196માં સિંધ પ્રાંતમાં ગયા હતા અને 1251ની આસપાસના સમયગાળામાં સેહવાન પહોંચ્યા હતા. ત્યાં એમણે એક સભાસ્થળ બનાવ્યું હતું અને લોકોને ધાર્મિક જ્ઞાન આપ્યું હતું. એવું પણ કહેવાય છે કે 1300ની સાલમાં એમનું નિધન થયું હતું અને તેઓ 151 વર્ષ સુધી જીવ્યા હતા.

તેઓ વિદ્વાન, ધર્મજ્ઞાની હતા. તેઓ પખ્તુન, પર્શિયન (ફારસી), તૂર્કી, અરેબિક, સિંધી અને સંસ્કૃત ભાષાનાં અચ્છા જાણકાર હતા.

સિંધ પ્રાંતમાં રહેતા હિન્દુઓમાં પણ તેઓ લોકપ્રિય હતા અને તેઓ એમને સિંધીઓનાં દેવતા ઝુલેલાલનાં અવતાર તરીકે ગણતા હતા. સિંધીઓનાં લોકપ્રિય ધાર્મિક ગીત ‘દમા દમ મસ્ત કલંદર’માં લાલ શાહબાઝ કલંદરના આ કનેક્શનનો ઉલ્લેખ છે.

સમય જતાં હિન્દુ અે મુસ્લિમ સિંધી, બંને કોમનાં લોકોમાં ઝુલેલાલ એમનું ઉપનામ થઈ ગયું.

લાલ શાહબાઝ કલંદરની દરગાહ 1356માં બાંધવામાં આવી હતી. એને સિંધી ‘કાશી-ટાઈલ્સ’, મિરર-વર્ક અને ઈરાનના શાહ રઝા શાહ પહલવીએ દાનમાં આપેલા સોનાનો ઢોળ ચડાવેલા દરવાજાથી સુશોભિત કરવામાં આવી છે.

આ દરગાહમાં લોકો પાકિસ્તાનભરમાંથી તેમજ અફઘાનિસ્તાનમાંથી હજારોની સંખ્યામાં આવે છે. દર ગુરુવારે આ દરગાહમાં શ્રદ્ધાળુઓની વિશેષ ભીડ રહેતી હોય છે.

લાલ શાહબાઝ દરગાહમાં કવ્વાલી, સૂફી ગીત-સંગીતના કાર્યક્રમો નિયમિત યોજાતા હોય છે. એવા એક કાર્યક્રમનો જુઓ આ વિડિયો…


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS