Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બેંગલુરુ – ગઈ કાલે અહીં વરસાદના વિઘ્નવાળી આઈપીએલ-10 એલિમિનેટર મેચમાં ડકવર્થ/લૂઈસ (D/L) મેથડ પ્રમાણે લાવવામાં આવેલા પરિણામમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ગયા વર્ષની ચેમ્પિયન ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદને 7-વિકેટથી પરાજય આપ્યો હતો.

હૈદરાબાદ ટીમે પોતાના હિસ્સાની 20 ઓવરમાં 7 વિકેટના ભોગે 128 રન કર્યા હતા. ત્યારબાદ વરસાદ તૂટી પડ્યો હતો અને કોલકાતાનો દાવ સમયસર શરૂ કરી શકાયો નહોતો. કોલકાતાને છેવટે મધરાત બાદ છેક 1.30 વાગ્યે દાવ લેવાનું થયું હતું અને અમ્પાયરોએ D/L મેથડ પ્રમાણે એને 6 ઓવરમાં 48 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કોલકાતાએ 5.2 ઓવરમાં 3 વિકેટના ભોગે 48 રન કરીને મેચ જીતી લીધી હતી.

કોલકાતાનો કેપ્ટન ગૌતમ ગંભીર 32 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ઉથપ્પા 1 રન, ક્રિસ લીન 6 અને યુસુફ પઠાણ ઝીરો પર આઉટ થયો હતો. ગંભીરે 19 બોલમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે જીત માટે જરૂરી રન ઝૂડી કાઢ્યા હતા.

કોલકાતા નાઈટ રાઈડર્સ હવે 19 મેએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જ ક્વોલિફાયર-2 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે. પહેલી ક્વોલિફાયર મેચમાં મુંબઈનો રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ સામે પરાજય થયો હતો. ક્વોલિફાયર-2 મેચમાં જે ટીમ જીતશે એ 21મીએ હૈદરાબાદમાં રમાનાર ફાઈનલ મેચમાં પુણે સામે રમશે.

ગઈ કાલની મેચમાં કોલકાતાના ફાસ્ટ બોલર નેથન કુલ્ટર-નાઈલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો જેણે હૈદરાબાદની 3 વિકેટ ઝડપી હતી. હૈદરાબાદનો કેપ્ટન ડેવીડ વોર્નર 37 રન સાથે ટીમનો ટોપ સ્કોરર હતો. કેન વિલિયમ્સને 24, વિજય શંકરે 22 રન કર્યા હતા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS