Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

દુબઈ – ભારતના સ્પિનરો – રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના રેન્કિંગ્સમાં સંયુક્તપણે નંબર-1 બન્યા છે.

ટેસ્ટ ક્રિકેટમાં બોલરોના રેન્કિંગ્સમાં અશ્વિન અને જાડેજા નંબર-વન બનતાં આ પહેલો જ એવો પ્રસંગ છે કે કોઈ સ્પિનર જોડી પહેલા નંબરે આવી છે.

બીજી બાજુ, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને નિરાશા સાંપડી છે. બેટ્સમેનો માટેના રેન્કિંગ્સમાં એ ત્રીજા સ્થાને ધકેલાઈ ગયો છે. આનું કારણ છે ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણાની સિરીઝની પહેલી બે મેચમાં કોહલીનો નબળો બેટિંગ દેખાવ.

જાડેજાએ બેંગલુરુમાં રમાઈ ગયેલી બીજી ટેસ્ટ મેચ, જે ભારત 75 રનથી જીત્યું હતું, એમાં પહેલા દાવમાં 63 રનમાં ઝડપેલી છ વિકેટે એને રેન્કિંગ્સમાં છલાંગ અપાવીને ટોપ રેન્ક પર બેસાડી દીધો છે. કારકિર્દીમાં આ પહેલી જ વાર જાડેજા નંબર-વન સ્થાને આવ્યો છે.

કોઈ બે બોલર રેન્કિંગ્સમાં પહેલા સ્થાને આવ્યા હોય એવો પ્રસંગ છેલ્લે 2008ના એપ્રિલમાં બન્યો હતો જ્યારે ડેલ સ્ટેઈન અને મુથૈયા મુરલીધરન ટોપ સ્થાને આવ્યા હતા.

જાડેજાની જેમ અશ્વિને પણ બીજી ટેસ્ટમાં તરખાટ મચાવ્યો હતો. એણે બીજા દાવમાં 41 રનમાં છ વિકેટ ઝડપી હતી. આ બંને બોલરના જોરદાર દેખાવે ભારતને બીજી ટેસ્ટ મેચ જીતવામાં અને ચાર મેચોની સિરીઝ 1-1થી સમાન કરવામાં મદદ કરી હતી.

ચેન્નાઈનિવાસી અશ્વિને મહાન સ્પિનર બિશનસિંહ બેદીના 266 વિકેટના આંકને પાર કરી દીધો છે. 269 વિકેટ સાથે અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો પાંચમા નંબરનો બેસ્ટ બોલર બન્યો છે.

કોહલી પહેલા બીજા નંબર પર હતો, પણ હવે એ ત્રીજા સ્થાને ધકેલાઈ ગયો છે અને ઈંગ્લેન્ડનો જૉ રૂટ એની જગ્યાએ બીજા નંબર પર પહોંચી ગયો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS