Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

લંડન – પાકિસ્તાને ગઈ વેળાના વિજેતા ભારતને આજે આંચકો આપીને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ સ્પર્ધા જીતી લીધી છે. અહીંના ઐતિહાસિક ઓવલ મેદાન પર આજે રમાયેલી ફાઈનલ મેચમાં પાકિસ્તાને ભારતને 180 રનથી જબ્બર પછડાટ આપીને આ ટ્રોફી પહેલી જ વાર જીતી છે.

પાકિસ્તાને તેના ઓપનિંગ બેટ્સમેન ફખર ઝમાનની આક્રમક સદી (114 રન)ના જોરે પોતાના હિસ્સાની 50 ઓવરમાં 4 વિકેટે 338 રન કર્યા બાદ તેના બોલરોએ ભારતીય ટીમને 30.3 ઓવરમાં 158 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી.

આજની જીત સાથે સ્પર્ધામાં ગ્રુપ-Bની લીગ મેચમાં ભારતના હાથે 124 રનથી થયેલી જબ્બર હારનો પાકિસ્તાને બદલો લઈ લીધો છે. ભારતનો આજનો પરાજય વન-ડે ક્રિકેટમાં પાકિસ્તાન સામે સૌથી ખરાબ બન્યો છે. અગાઉ, ભારત પાકિસ્તાન સામે 159 રનથી હાર્યું હતું.

મોહમ્મદ અમીર – ભારતની પહેલી 3 વિકેટ પાડી

આજે 339 રનના ટાર્ગેટને ચેઝ કરનાર ભારત તરફથી માત્ર એક જ બેટ્સમેન – હાર્દિક પંડ્યાએ પાકિસ્તાનના બોલરોની ધુલાઈ કરવાની હિંમત બતાવી હતી. એણે માત્ર 43 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 76 રન ફટકારીને ઓવલમાં હાજર દર્શકોનું મનોરંજન કર્યું હતું. અંતે, રવિન્દ્ર જાડેજાની ભૂલને કારણે તે રનઆઉટ થયો હતો. આઉટ થતાં પહેલાં પંડ્યાએ શાદાબ ખાનને 3 બોલમાં 3 સિક્સ અને ફખર ઝમાનને બે બોલમાં બે સિક્સ ફટકારી હતી.

પાકિસ્તાનના ડાબોડી ફાસ્ટ બોલર મોહમ્મદ અમીરે કેપ્ટન વિરાટ કોહલી સહિત પહેલા ત્રણ ભારતીય બેટ્સમેનને સસ્તામાં આઉટ કરીને ભારતીય બેટિંગની કમ્મર તોડી નાખી હતી. અન્ય ફાસ્ટ બોલર હસન અલીએ પણ 3 વિકેટ લીધી હતી. અમીરે રોહિત શર્મા (0), વિરાટ કોહલી (5) અને શિખર ધવન (21)ને આઉટ કર્યા હતા તો હસન અલીના શિકાર હતા મહેન્દ્ર સિંહ ધોની (4), અશ્વિન (1) અને જસપ્રીત બુમરાહ (1). હસન અલી સ્પર્ધામાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.

ફખર ઝમાનને પ્લેયર ઓફ ધ મેચ અને હસન અલીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ઘોષિત કરવામાં આવ્યો હતો. હસન અલીએ કુલ 13 વિકેટ લીધી હતી.

યુવરાજ સિંહ (22) અને કેદાર જાધવ (9)ને આઉટ કરવામાં સફળ થયો હતો સ્પિનર શાદાબ ખાન. જુનૈદ ખાને રવિન્દ્ર જાડેજા (15)ને આઉટ કર્યો હતો.

મોહમ્મદ અમીરે ભારતના દાવની પહેલી જ ઓવરના ત્રીજા બોલે શર્માને આઉટ કર્યો હતો અને ત્યારબાદ ત્રીજી ઓવરમાં કોહલીની વિકેટ પાડીને ટીમ ઈન્ડિયાને આકરો ફટકો માર્યો હતો.

ફખર ઝમાન – 114 રન

એ પહેલાં, પાકિસ્તાને જોરદાર બેટિંગ પરફોર્મન્સ બતાવીને પોતાના હિસ્સાની 50 ઓવરમાં માત્ર 4 વિકેટના ભોગે 338 રનનો પહાડ ખડકી દીધો હતો. પાકિસ્તાનના આ જંગી સ્કોરનો શ્રેય પાકિસ્તાનના બેટ્સમેનોને જાય છે, જેમાં મુખ્ય યોગદાન રહ્યું હતું ડાબોડી બેટ્સમેન ફખર ઝમાનનું – 114 રન. તે ઉપરાંત અઝહર અલીએ 59, મોહમ્મદ હાફીઝે અણનમ 37, બાબર આઝમે 46 અને ઈમાદ વસીમે અણનમ 25 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતની બોલિંગ આજે વામણી પુરવાર થઈ હતી. તેના બે બોલર સખત રીતે ઝૂડાઈ ગયા હતા. એક, ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (10 ઓવરમાં એકેય વિકેટ વગર 70 રન) અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (9 ઓવરમાં એકેય વિકેટ વગર 68 રન). ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ 8 ઓવરમાં 67 રન ખર્ચી દીધા હતા તો મધ્યમ ઝડપી બોલર હાર્દિક પંડ્યાની 10 ઓવરમાં 53 રન ફટકારવામાં આવ્યા હતા. પંડ્યાએ ફખરની વિકેટ મેળવી હતી. કેદાર જાધવે 3 ઓવરમાં 27 રન આપ્યા હતા. એકમાત્ર ભૂવનેશ્વર કુમાર બચી ગયો હતો. એની 10 ઓવરમાં 44 રન લેવામાં આવ્યા હતા. એણે 2 ઓવર મેઈડન નાખી હતી અને શોએબ મલિક (12)ની વિકેટ લીધી હતી.

પાકિસ્તાને 46મી ઓવરમાં 300નો આંક પાર કરી લીધો હતો. ફખર ઝમાને માત્ર ચોથી ઓવરમાં અને 3 રનના વ્યક્તિગત સ્કોર પર મળેલા જીવતદાનનો પૂરેપૂરો લાભ ઉઠાવીને 92 બોલમાં સેન્ચૂરી ફટકારી હતી. તે અંતે 33.1 ઓવરમાં પાકિસ્તાનના 200 રનના સ્કોર પર એ બીજી વિકેટના રૂપમાં આઉટ થયો હતો.

ઝમાને પોતાના 106 બોલના દાવમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યાની બોલિંગમાં એક વધુ ઉંચો ફટકો મારવા જતાં એ રવિન્દ્ર જાડેજાના હાથમાં ઝીલાઈ ગયો હતો.

વાયવ્ય સરહદ પ્રાંતનો વતની ફખર ઝમાન માત્ર ચોથી જ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી રહ્યો હતો. એણે 92 બોલમાં પોતાના 100 રન પૂરા કર્યા હતા. કારકિર્દીમાં આ તેની પહેલી જ સદી છે.

100 રન પૂરા કર્યા બાદ ઝમાને ઘૂંટણભેર થઈ, પોતાની હેલ્મેટ મેદાન પર મૂકી, ઓવલની પિચને માથું અડાડ્યું હતું અને એને ચૂમી પણ ભરી હતી.

આ ઝમાનને દાવની ચોથી ઓવરમાં અને 3 રનના સ્કોર પર જીવતદાન મળ્યું હતું. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ફેંકેલા એક બોલમાં ફખર ઝમાન (3) ફટકો મારવા જતાં વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીને કેચ દઈ બેઠો હતો, પરંતુ રીપ્લે ચેક કરાતાં બુમરાહે નો-બોલ ફેંક્યો હોવાનું માલૂમ પડ્યું હતું અને થર્ડ અમ્પાયરે ઝમાનને નોટઆઉટ જાહેર કર્યો હતો. એ સાથે જ ઝમાન તથા પાકિસ્તાનને મહત્વનું જીવતદાન મળ્યું હતું.

ઓપનિંગ બેટ્સમેનો અઝહર અલી અને ફખર ઝમાને ભારતની બોલિંગને સખત રીતે ઝૂડી કાઢી હતી. છેક 23મી ઓવરમાં અને 128 રનના સ્કોર પર ભારતને પહેલી સફળતા મળી હતી. અઝહર અલી 59 રન કરીને રનઆઉટ થયો હતો. ફખર ઝમાનની લાપરવાહીને કારણે અઝહરને વિકેટ ગુમાવવી પડી હતી. અઝહર શોટ મારીને રન લેવા માટે દોડ્યો હતો, પણ ઝમાન સામો ન દોડતાં બંને બેટ્સમેન નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ભેગા થઈ ગયા હતા. બુમરાહનો થ્રો મળતાં કીપર ધોનીએ બેઈલ્સ ઉડાવી દીધી હતી.

પાકિસ્તાને 18 ઓવરને અંતે 100 રન પૂરા કરી લીધા હતા.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીત્યો હતો અને પાકિસ્તાનને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

ભારતે તેની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. સેમી ફાઈનલમાં બાંગ્લાદેશ સામે રમેલી અને વિજયી બનેલી ટીમને યથાવત્ રાખી હતો. પાકિસ્તાને એક ફેરફાર કર્યો છે. સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવનાર ટીમમાંથી નવોદિત ફાસ્ટ બોલર રુમાન રઈસને પડતો મૂક્યો હતો.

બંને ટીમ નીચે મુજબ હતી
ભારતઃ શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), યુવરાજ સિંહ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, ભૂવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ.

પાકિસ્તાનઃ અઝહર અલી, ફખર ઝમાન, બાબર આઝમ, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, સરફરાઝ એહમદ (કેપ્ટન, વિકેટકીપર), ઈમાદ વસીમ, મોહમ્મદ અમીર, શાદાબ ખાન, હસન અલી, જુનૈદ ખાન.

આ મેચ માટે બ્રિટનમાં વસતા ભારતીય તેમજ પાકિસ્તાની ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્ટેડિયમ આ બંને દેશના ક્રિકેટચાહકોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. ભારતીય લોકો હંમેશની માફક રાષ્ટ્રીય તિરંગા સાથે અને, તિરંગાનાં રંગોવાળા વસ્ત્રો પહેરીને, ચહેરા પર તિરંગાનાં રંગોનાં ચિતરામણ કરીને આવ્યાં હતાં, પરંતુ દિવસને અંતે એમને નિરાશ થવાનો વારો આવ્યો હતો.

આ હાઈ-વોલ્ટેજ જંગ પૂર્વે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ એહમદે અલગ અલગ મંતવ્ય વ્યક્ત કર્યા હતા.

કોહલીએ કહ્યું હતું કે મારી ટીમ વધુ પડતી ઉત્તેજિત થાય એવું હું ઈચ્છતો નથી. જ્યારે સરફરાઝે કબૂલ કર્યું હતું કે અમારી ટીમ આ મેચ માટે ખૂબ રોમાંચિત છે અને સારો દેખાવ કરવા માટે ઉત્તેજિત છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS