Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

પલ્લેકલ- શ્રીલંકા સામેની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે ભારતે 6 વિકેટ ગુમાવી 329 રન બનાવી લીધા છે. દિવસના અંતે ભારત તરફથી રિદ્ધિમાન સાહા 13 અને હાર્દિક પંડ્યા 1 રને નોટઆઉટ રહ્યાં છે. ભારત તરફથી શિખર ધવને સૌથી વધુ 119 રન જ્યારે લોકેશ રાહુલે 85 રનની ઇનિંગ રમી હતી.

બન્ને ઓપનર વચ્ચે પ્રથમ વિકેટ માટે 188 રનની ભાગીદારી નોંધાઈ હતી. શ્રીલંકા તરફથી પુષ્પકુમારે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે સંદાકને 2 વિકેટ અને ફર્નાન્ડોએ એક વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે, ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં ભારત પહેલેથી જ  2-0ની લીડ મેળવી ચુક્યું છે.

સારી શરુઆતને આગળ ન વધારી શક્યું ભારત

ભારતની શરૂઆત ખુબ મજબૂત થઇ હતી. ભારતની પ્રથમ વિકેટ લોકેશ રાહુલના રુપમાં ગઈ હતી. લોકેશ રાહુલ 85 રને પુષ્પકુમારની ઓવરમાં કરુણારત્નેને કેચ આપી બેઠો હતો. આ પહેલા લોકેશ રાહુલ અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે 188 રન જોડ્યા હતા. ભારતની બીજી વિકેટ શિખર ધવનના રુપમાં પડી હતી. શિખર ધવન 119 રને પુષ્પકુમારનો શિકાર બન્યો હતો. આ દરમિયાન શિખર ધવને તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી નોંધાવી હતી.

ત્યારબાદ મેદાન પર આવેલો ચેતેશ્વર પૂજારા તેની યોગ્યતા પ્રમાણે રમત બતાવી શક્યો ન હતો અને ફક્ત 8 રન બનાવી કેચ આઉટ થયો હતો. અજિંક્ય રહાણે પણ વ્યક્તિગત 17 રને આઉટ થયો હતો. આમ ભારતે 264 રને ચોથી વિકેટ ગુમાવી હતી. જોકે કેપ્ટન વિરાટ કોહલીએ સ્કોરને આગળ વધાર્યો હતો અને ટીમને વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. કોહલીએ 42 રનનું યોગદાન આપ્યું હતું. દિવસની અંતિમ વિકેટ આર. અશ્વીનની પડી હતી. અશ્વિને 31 રન બનાવ્યા હતા.

આ પહેલા ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતની ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો હતો. સસ્પેન્ડેડ રવિન્દ્ર જાડેજાની જગ્યાએ ટીમમાં કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રણ ટેસ્ટની આ સિરીઝમાં ભારત 2-0થી આગળ છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS