Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વોશિંગ્ટન – ચીનને ધ્યાનમાં રાખીને ભારત તેના અણુ સરંજામને આધુનિક સ્વરૂપ આપી રહ્યું છે અને ભારતની અણુ વ્યૂહરચના, જે પરંપરાગત રીતે પાકિસ્તાન પર કેન્દ્રિત થયેલી હોય છે તેમાં હવે પડોશના સામ્યવાદી રાષ્ટ્ર ચીનને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું હોય એવું લાગે છે, એવું અમેરિકાના બે અણુ નિષ્ણાતોનું કહેવું છે.

ડિજિટલ જર્નલ ‘આફ્ટર મિડનાઈટ’ના જુલાઈ-ઓગસ્ટના અંકમાં પ્રસિદ્ધ એક લેખમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ભારત એક એવી મિસાઈલ બનાવી રહ્યું છે જે દક્ષિણ ભારતમાં તેના મથકમાંથી આખા ચીનને ટાર્ગેટ બનાવી શકશે.

બે અમેરિકન અણુ નિષ્ણાતો – હેન્સ એમ. ક્રિસ્ટન્સન અને રોબર્ટ એસ. નોરિસે તે લેખ લખ્યો છે જેનું શિર્ષક છે – ઈન્ડિયન ન્યુક્લિયર ફોર્સીસ 2017.

આ નિષ્ણાતોએ એમ પણ લખ્યું છે કે ભારત 150-200 અણુશસ્ત્રો માટે આવશ્યક પ્લુટોનિયમનું ઉત્પાદન કરે એવો અંદાજ હતો, પણ એણે માત્ર 120-130 અણુશસ્ત્રો માટેનું જ પ્લુટોનિયમ બનાવ્યું છે.

આ બંને નિષ્ણાતે એમ પણ લખ્યું છે કે ભારતની અણુ વ્યૂહનીતિ અત્યાર સુધી પાકિસ્તાન પર કેન્દ્રિત હતી, પણ હવે ભરાત જે રીતે અણુ ક્ષેત્રે આધુનિક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે તે જોતાં એવું લાગે છે કે એણે ચીન સાથે પોતાના ભાવિ વ્યૂહાત્મક સંબંધને મહત્વ આપવાનું વધારી દીધું છે.

આ નિષ્ણાતોએ એવી નોંધ લીધી છે કે ભારત અનેક નવી અણુશસ્ત્ર સિસ્ટમને આધુનિક સ્વરૂપ આપી રહ્યું છે. ભારત પાસે હાલ સાત અણુસક્ષમ સિસ્ટમ્સ છે. આમાં બે વિમાન, ચાર લેન્ડ-બેઝ્ડ મિસાઈલ અને એક સામુદ્રિક બેલિસ્ટિક મિસાઈલ છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS