Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ માટે વિશેષ મહત્વ ધરાવતા લગ્નના કાયદાને આખરે મંજૂરી આપી દેવામાં આવી છે. પાકિસ્તાનના પ્રેસિડન્ટ મમનૂન હુસેને નવા કાયદાને સત્તાવાર રીતે લાગુ કરવા આદેશ આપી દીધો છે. નવા નિયમ પ્રમાણે પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓને લગ્નની કાયદાકીય મંજૂરી મળશે. સિંધ પ્રોવિન્સને બાદ કરતાં સમગ્ર પાકિસ્તાનમાં આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે સિંધ પ્રાંતમાં અલગ મેરેજ એક્ટ કાર્યરત છે.

પાકિસ્તાન પીએમઓ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, પીએમ નવાઝ શરીફની સલાહ પર હિન્દુ મેરેજ એક્ટ 2017ને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. આ કાયદા પાછળનું ધ્યેય હિન્દુઓના લગ્ન, તેમના પરિવાર અને તેમના અધિકારની રક્ષા કરવાનું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ કાયદો પાકિસ્તાનમાં રહેતા હિંદુઓના લગ્નના રિવાજ પૂરા કરવામાં મદદ કરશે. બીજી તરફ પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફે કહ્યું કે તેમની સરકાર પાકિસ્તાનમાં વસતા લઘુમતી સમુદાયના અધિકારો જળવાય તે અંગે પુરા પ્રયાસ કરશે.

હિન્દુ મેરેજ એક્ટમાં શું છે વિશેષ?

પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓને પુનઃ લગ્નની મંજૂરી મળી શકશે. ઉપરાંત લગ્નના 15 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત થઇ જશે. જો પતિપત્ની એક વર્ષ કે વધુ સમયથી અલગ રહેતા હોય અને સાથે રહેવા ન  ઈચ્છતા હોય તો છૂટછેડા લઈ શકશે. પાકિસ્તાનમાં હિન્દુ વિધવાને પતિના મૃત્યુના 6 મહિના બાદ ફરીથી લગ્ન કરવાનો અધિકાર મળશે. જો કોઈ હિન્દુ વ્યક્તિ પ્રથમ પત્ની હયાત હોય અથવા છૂટાછેડા ન આપ્યા હોય અને બીજા લગ્ન કરે તો તેને દંડનીય અપરાધ ગણવામાં આવશે. કાયદાના ઉલ્લંઘન બદલ 6 મહિના કેદની સજા અને પાંચ હજાર રૂપિયાના દંડની પણ જોગવાઈ છે.

બળજબરીથી ધર્માંતરણ પર અંકુશ આવશે

પાકિસ્તાનમાં છેલ્લાં ત્રણ વર્ષથી હિન્દુ મેરેજ એક્ટ અંગે કામ કરતા રમેશ કુમાર વાંકવાણીએ જણાવ્યું કે, આ પ્રકારના કાયદાથી બળજબરીથી કરાવાતા ધર્માંતરણ પર અંકુશ આવશે અને લગ્ન પછી હિન્દુ સમાજમાં સુવ્યવસ્થિતતા જળવાઈ રહશે. મહત્વનું છે કે, અત્યાર સુધી  હિન્દુ મહિલાઓ માટે તેમના લગ્ન થઈ ગયાં હોવાનું સાબિત કરવું ઘણું મુશ્કેલ હતું.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS