Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જામનગર –  જામનગર જિલ્લામાં અનરાધાર વરસાદને કારણે દરેડ ગામની નદીમાં આવેલા પૂરનાં પાણી ખોડિયાર માતાનાં મંદિરમાં ઘૂસી ગયા હતા. એ ઘટનાની તસવીરો અને વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયા છે. જામનગરના કલેક્ટરે જાણકારી આપી છે કે નદીમાં પૂર વિશે કાંઠે રહેનારાઓને અગાઉથી જાણ કરી દેવાતાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

શનિવારે રાતના અહેવાલો અનુસાર, ગુજરાતમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદને કારણે લોકો ખૂબ તકલીફમાં મૂકાઈ ગયા હતા.

ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યના 124 ગામડાંઓમાં વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો, 62 માર્ગોને કામચલાઉ બંધ કરી દેવા પડ્યા હતા અને 3,500થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં જુદા જુદા સ્થળોએ વરસાદી ઘટનાઓમાં થયેલા મરણનો આંક 9 પર પહોંચ્યો છે. ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લાઓમાં મરણ થયાં છે.

13 ડેમ ઓવરફ્લો થવા ઉપરાંત બીજાં કેટલાક બંધ પણ છલકાવાની તૈયારીમાં હતા અથવા એમાંથી પૂરનું પાણી છોડવામાં આવ્યું હતું.

પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાઈ ગયેલા લોકોને ઉગારવા માટે નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (NDRF)ના જવાનોની મદદ લેવામાં આવી હતી.

ધ્રાંગધ્રા નજીકના ગામતળમાં પૂરમાં ફસાઈ ગયેલા ચાર જણને ભારતીય હવાઈ દળના MI-17V5 હેલિકોપ્ટર દ્વારા ઉગારવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદી પાર કરતી વખતે ફસાઈ ગયેલા ત્રણ જણને સ્થાનિક નગરપાલિકા ટીમના સભ્યો તથા NDRF જવાનોએ મહામહેનતે ઉગારી લીધા હતા.

જામનગર જિલ્લામાં, દરેડ ગામની નદીમાં પૂર આવતાં પાણી ખોડિયાર માતાનાં મંદિર તથા એક સરકારી શાળાના મકાનમાં ઘૂસી ગયા હતા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS