Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ-અસંગઠિત બાંધકામક્ષેત્રમાં કામ કરતાં શ્રમિકો માટે 27 જેટલી કલ્યાણ યોજનાઓ અમલમાં છે. જેમાં ‘ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’માં નોંધાયેલા શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના અવિધિસર શરુ થઇ ચૂકી છે. જોકે આ યોજનાની વિધિવત શરુઆત અમદાવાદમાં 18 જુલાઇએ મુખ્યપ્રધાન વિજય રુપાણી કરાવશે.

શું છે આ યોજના

બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારને કડીયાનાકાના સ્થળ પર જ દૈનિક રુપિયા 10માં રાંધેલું ભોજન આપવામાં આવે છે. અમદાવાદ સહિતના મોટા શહેરોમાં સામાન્ય રીતે વિસ્તારના મોટા સર્કલ પર કડીયાકામ, સુથારીકામ, લાઇટિંગ,પ્લમ્બિંગ,પીઓપી કારીગરો, રંગકામ કરનારા કારીગરો એકઠાં થતાં હોય છે તેમને રોટલી-થેપલાં, શાક, કઠોણ, ભાત, અથાણું જેવી રોજબરોજની પૌષ્ટિક આહારની વાનગીઓ તેમ જ સમયાંતરે સુખડી આપવામાં આવે છે.

રાજ્યમાં આમ તો આ યોજના પ્રાયોગિક ધોરણે જૂન માસમાં જ શરુ થઇ ગઇ છે. જેમાં પ્રથમ તબક્કામાં અમદાવાદ, કલોલ-ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સૂરત, ભાવનગર અને વલસાડના કુલ 83 કડીયાનાકાઓ પર સવારે 7થી 11 વાગ્યા સુધીમાં આ યોજના માટે બનાવાયેલાં વિશેષ બૂથ પરથી કારીગરોના ટિફીનમાં ભરી આપીને વિતરણ કરવામાં આવે છે. જેથી કારીગરો તેમના સમયે ભોજન લઇ શકે છે.

અત્યાર સુધી 5 લાખ શ્રમિકોને મળ્યો લાભ

દૈનિક ધોરણે હાલ અંદાજે 25,000 બાંધકામકર્મીઓને રુપિયા 10માં ભોજન આપવામાં આવી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં પાંચ લાખ જેટલા શ્રમિકો આ યોજનાનો લાભ લઇ ચૂક્યાં હોવાનું જણાવાય છે.

યોજનાને મળેલી સફળતાને લઇ 18 જુલાઇએ અમદાવાદમાં સીએમ રુપાણી જ્યારે અન્ય શહેરોમાં યોજના  સ્થળોએ કેબિનેટપ્રધાનો દ્વારા આ યોજનાનો વિધિવત પ્રારંભ કરાવાશે. મોટા કડીયાનાકાઓ પર ઉદઘાટન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રસ્તુત તસવીર નવા વાડજ સર્કલ પાસેની છે. જે અમદાવાદ શહેરનું શ્રમિકોથી ઉભરાતું મોટું કડીયાનાકું છે.

તસવીર પ્રજ્ઞેશ વ્યાસ

Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS