Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરુ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે આ પહેલા ડોકલામ મુદ્દે ચીન સાથે ચાલી રહેલો ગતિરોધ અને અમરનાથ યાત્રીઓ પર થયેલા આતંકી હુમલા મુદ્દે વિપક્ષને વિશ્વાસમાં લેવા પ્રયાસ કર્યો છે. પીએમ મોદીની આગેવાનીમાં સરકારે તમામ વિપક્ષી દળોની બેઠક બોલાવી હતી. જેમાં દરેક પાર્ટીને ચીન સાથેના વિવાદ અને અમરનાથ યાત્રીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ બેઠક દરમિયાન વિપક્ષોએ પણ દેશની અખંડતાને લઈને સરકારનો સહયોગ આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ત્રણ કલાકથી વધારે ચાલેલી આ બેઠકમાં ગૃહસચિવે અમરનાથ યાત્રીઓ પર થયેલા આતંકી હુમલાને લઈને વિસ્તારથી માહિતી આપી હતી. જેમાં જણાવવામાં આવ્યું કે, હુમલો કેવી પરિસ્થિતિમાં કરવામાં આવ્યો અને યાત્રીઓની સુરક્ષા માટે નવી ગાઈડ લાઈન કેવા પ્રકારની રહેશે તે અંગે પણ માહિતી આપવામાં  આવી હતી.

અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલા અંગે કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે સરકારને જણાવ્યું કે, આ હુમલાની કશ્મીરના તમામ લોકોએ નિંદા કરી છે અને અફસોસ પણ વ્યક્ત કર્યો છે. જોકે ગુલામનબી આઝાદે જણાવ્યું કે, કશ્મીર મુદ્દાનું સમાધાન લાલવવા પાકિસ્તાન સાથે વાતચીતનો માર્ગ બંધ કરવો જોઈએ નહીં. તેમનું માનવું છે કે, કશ્મીર સમસ્યાનું સમાધાન બંદુકથી શક્ય નથી. ચર્ચા એક માત્ર વિકલ્પ છે.

તો બીજી તરફ ચીન સાથે ચાલી રહેલા ડોકલામ સરહદ ગતિરોધ અંગે વિદેશ સચિવ એસ. જયશંકર પ્રસાદે તમામ પક્ષોને માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ડોકલામ સરહદ વ્યુહાત્મક રીતે ભારત માટે ઘણી મહત્વની છે. અહીં ચીનની ઘુસણખોરી ભારત માટે ખતરનાક પુરવાર થશે.

આ તકે તમામ વિપક્ષોએ સરકારને આશ્વાસન આપ્યું હતું કે, દેશની અખંડતા સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે અને વિપક્ષ સરકારનો સહયોગ કરશે. જોકે, કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોએ સરકારને સલાહ આપી કે, ચીન સાથેના સરહદને લઈને ચાલી રહેલા ગતિરોધને સરકારે રાજકીય કૂટનીતિથી દુર કરવા પ્રયાસ કરવો જોઈએ.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS