Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

પણજી- પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપ માટે અચાનક જ ગોવાની ચૂંટણી પણ અતી મહત્વની થઈ ગઈ છે. તેની પાછળનું કારણ છે કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં સરકાર સાથે રહેલી શિવસેના આ વખતે ભાજપ વિરૂદ્ધ મહાગઠબંધન બનાવી ગોવા ચૂંટણીમાં લડવા જઈ રહી છે. તેમજ હાલની ગોવા સરકારમાં ભાજપનો સહયોગી પક્ષ મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી પણ આ ગઠબંધનમાં સામેલ થયો છે.

શિવસેનાએ કરેલી જાહેરાત પ્રમાણે તેઓ મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી(MGP) અને ગોવા સુરક્ષા મંચ સાથે મળીને મહાગઠબંધનમાં ગોવાની ચૂંટણીમાં ઝંપલાવશે. તેમજ ગોવાની 40માંથી 35 બેઠકો પર ચૂંટણી લડશે અને મહાગઠબંધનના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર MGPના સુદિન ધવલિકર રહેશે.

ગઠબંધન અંગે વધુ માહિતી આપતા ધવલિકરે જણાવ્યું કે ‘શિવસેના સાલીગાંવ, થિવિમ, મોરમુંગાવ અને કુંકોલિમ એમ ચાર બેઠક પર ચૂંટણી લડશે. ગોવા સુરક્ષા મંચ પણજી સહિતની છ બેઠકો પર ચૂંટણી લડશે. તેમજ બાકી બચતી બધી 25 બેઠકો પર મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી ચૂંટણીમાં ઝંપલાવશે.’

તાજેતરમાં RSSમાંથી બળવો કરીને છૂટા પડેલા અને ગોવા સુરક્ષા મંચ રચનારા સુભાષ વેલિંગકરે જણાવ્યું કે, ‘અમે ગોવામાં સરકાર રચ્યા બાદ પહેલું અને મહત્વનું કામ એ કરશું કે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોને મળનારી સરકારી ગ્રાન્ટને દૂર કરીશું. કેમ કે બાળકોને ઇંગ્લિશમાં ભણતર આપવું તે વૈશ્વિક નિયમ પોતાની માતૃભાષામાં અભ્યાસની તદ્દન વિરુદ્ધ છે. તેમજ અપ્રાકૃતિક પણ છે.’

‘ગઠબંધનના સુચારૂ વ્યવસ્થાપન માટે દરેક પક્ષોના સભ્યોની બનેલી એક કોર્ડિનેશન કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી મહાગઠબંધનના બધા જ પક્ષો વચ્ચે સંકલનનું કામ કરશે.’ તેમ વેલિંગકરે જણાવ્યું હતું. ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે, ‘ગઠબંધનના બધા જ પક્ષો એકસાથે મળીને એક મિનિમમ પ્રોગ્રામ નક્કી કરશે. જેના આધારે સરકાર બનતા કામની પ્રાથમિકતા નક્કી કરવામાં આવશે.’

જ્યારે શિવસેનના સંજય રાઉતે કહ્યું કે, ‘શિવસેના હંમેશા પોતાની સહાયક પાર્ટીની આમાન્ય રાખે છે. ભાજપે મહારાષ્ટ્રમાં વર્ષો જૂના ગઠબંધનને વધુ લાભ લેવાની આશાએ તોડ્યું હતું. હવે તેને તેનું પરિણામ ભોગવવું પડશે.’

ઓપીનીયન પોલમાં ભાજપ માટે ગોવા જીતનું રાજ્ય દેખાડવામાં આવ્યું હતું. પરંતુ હવે આ નવા મહાગઠબંધનના કારણે ભાજપને કેટલુંક નુકસાન જઈ શકે છે. તેમજ જો આ મહાગઠબંધન અહીં સફળ થાય છે તો મહારાષ્ટ્રમાં પણ ભાજપ માટે ખતરાની નિશાની બની શકે છે. જેના કારણે ગોવાની ચૂંટણી ભાજપ માટે હવે ખૂબ મહત્વની બની જશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS