Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અસમ- દેશના પૂર્વોત્તર રાજ્યો અસમ, ઓડિશા સહિત અનેક રાજ્યોમાં અતિભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. અસમમાં ભારે વરસાદને કારણે નદીઓનું જળસ્તર વધી રહ્યું છે. અત્યાર સુધી પૂરને કારણે ફક્ત અસમમાં જ 15 લાખથી વધુ લોકો પ્રભાવિત થયાં છે. 400થી વધુ ઘર નષ્ટ થયા છે, તો અનેક ઘર ક્ષતિગ્રસ્ત થતાં લોકો નિરાશ્રિત થયાં છે. ઉત્તરાખંડમાં પણ અતિભારે વરસાદને કારણે તંત્ર હાઈએલર્ટ પર છે.

અસમમાં સ્થિતિ વધારે ગંભીર

અસમના 24 જિલ્લાઓમાં આશરે 15 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. અસમમાં પૂરથી મરનારાઓની સંખ્યા 60ને પાર કરી ગઈ છે. કાઝીરંગા નેશનલ પાર્ક પણ અડધાથી વધુ પાણીમાં ડૂબી ગયો છે. જેના લીધે પાર્કમાં રહેતા રહેતાં પ્રાણીઓને પણ સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. અને 70થી વધુ પ્રાણીઓના મોત થયાં છે. તો બીજી તરફ દુર્લભ પ્રજાતિ ગણાતા એક શિંગડાવાળા ગેંડાના અસ્તિત્વ ઉપર પણ ખતરો ઉભો થયો છે.

ઉત્તરાખંડમાં હાઈ એલર્ટ

ઉત્તરાખંડમાં કુમાઉ ક્ષેત્રમાં વરસાદથી ભૂસ્ખલન થવાને કારણે અનેક મકાનો જર્જરિત થવાને કારણે રહેવા માટે અયોગ્ય થઈ ગયા છે. પિથૌરાગઢના ધારચૂલા વિસ્તારમાં વરસાદી પૂરને કારણે નદીનું જળસ્તર વધી જતા 13 ગામ સંપર્કવિહોણાં થયાં છે. કાલી નદીનું સ્તર ખતરાની સપાટીથી ઉપર વહી રહ્યું છે. દહેરાદૂન, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, બાગેશ્વર સહિત અનેક વિસ્તારોમાં આગામી 24 કલાકમાં હજી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખેતીને થયું નુકસાન

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં નારાયણપુરમ, અન્નાવરમ, કોલ્લીવલાસા સહિત અનેક વિસ્તારોમાં પૂરનો પ્રકોપ સર્જાયો છે. ભારે વરસાદને કારણે અહીંના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેથી ખેતીના પાકને નુકસાન થયું છે. વિજયનગર અને શ્રીકાકુલમમાં ભારે વરસાદને કારણે હાઈવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. પ્રવાસીઓ માર્ગમાં ફસાયા છે. હવામાન વિભાગે આગામી 24થી 48 કલાક દરમિયાન અહીં ભારે વરસાદની આગાહી કરી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS