Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ સામે 4-0થી કારમો પરાજય ભોગવનાર ઈંગ્લેન્ડની ટીમ હવે ટીમ ઈન્ડિયા સામે મર્યાદિત ઓવરોની ફોર્મેટની સિરીઝ રમવા માટે સજ્જ થઈ ગઈ છે. એ માટે બેમાંની પહેલી વોર્મ-અપ મેચ તે આવતી કાલે અહીંના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમશે. આ મેચમાં એનો સામનો થશે ઈન્ડિયા-A ટીમ સામે, જેની આગેવાની લેવાનો છે ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુકાની મહેન્દ્ર સિંહ ધોની.

સુકાનીપદ ધોની સંભાળનાર હોવાથી આ મેચ જીતવી ઈંગ્લેન્ડ માટે કોઈ ખાવાના કામ નહીં બને.

ઈન્ડિયા-A ટીમમાં ધોની ઉપરાંત શિખર ધવન, યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા અને આશિષ નેહરા પણ છે. આ પાંચેય ખેલાડી વન-ડે સિરીઝની ટીમ માટે પસંદગી પામી ચૂક્યા છે.

ધોની અને યુવરાજ આ વોર્મ-અપ મેચનો ઉપયોગ મુખ્ય શ્રેણી પૂર્વે થોડીક પ્રેક્ટિસ માટે કરશે જ્યારે હાર્દિક, ધવન અને નેહરાને એમની ફિટનેસ સાબિત કરવાની તક મળશે.

નેહરાને ગયા વર્ષે આઈપીએલ દરમિયાન ગંભીર ઈજા થઈ હતી અને ત્યારથી એ ક્રિકેટના મેદાનથી બહાર રહ્યો હતો.

પંડ્યા અને ધવન ઈજાઓમાંથી સાજા થયા બાદ રણજી ટ્રોફીમાં એમની પોતપોતાની ટીમ વતી મેચો રમ્યા હતા.

35 વર્ષીય ધોની ભારતની મર્યાદિત ઓવરોવાળી મેચોની ટીમોના સુકાનીપદેથી રાજીનામું આપી ચૂક્યો છે. પસંદગીકારોએ એને ઈન્ડિયા-A ટીમનું સુકાન સોંપ્યું છે અને આ છેલ્લી વાર ધોની કોઈ ભારતીય ટીમની આગેવાની લેતો જોવા મળશે.

બ્રેબોર્નમાંની મેચ સંજુ સેમસન, મનદીપ સિંહ, સિદ્ધાર્થ કૌલ, શાહબાઝ નદીમ, કુલદીપ યાદવ અને મોહિત શર્મા જેવા ખેલાડીઓને પણ એમની કાબેલિયત બતાવવાની તક પૂરી પાડશે.

યોન મોર્ગનના નેતૃત્વવાળી ટીમ બેટિંગ તાકાત માટે વખણાય છે

ઈંગ્લેન્ડની ટીમની વાત કરીએ તો, ટીમનું સુકાન ફટકાબાજ બેટ્સમેન ઈયોન મોર્ગન સંભાળી રહ્યો છે અને એની ટીમમાં જૉ રૂટ, બેન સ્ટોક્સ, જોઝ બટલર, જેસન રૉય અને એલેક્સ હેલ્સ જેવા આક્રમક ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડની આ ટીમની બેટિંગ તાકાતની હાલ ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છે.

ઈન્ડિયા-A ટીમઃ મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), શિખર ધવન, મનદીપ સિંહ, અંબાતી રાયડુ, યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, આશિષ નેહરા, મોહિત શર્મા, સિદ્ધાર્થ કૌલ.

ઈંગ્લેન્ડ ટીમઃ ઈયોન મોર્ગન (કેપ્ટન), મોઈન અલી, જોની બેરસ્ટો, જેક બોલ, સેમ બિલીંગ્સ, જોસ બટલર (વિકેટકીપર), લિઆમ ડાઉસન, એલેક્સ હેલ્સ, લિઆમ પ્લન્કીટ, આદિલ રશીદ, જૉ રૂટ, જેસન રૉય, બેન સ્ટોક્સ, ડેવિડ વિલી અને ક્રિસ વોક્સ.

આ મેચ બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે. બીજી અને છેલ્લી પ્રેક્ટિસ મેચ, જે 12 જાન્યુઆરીએ બ્રેબોર્ન સ્ટેડિયમમાં જ રમાવાની છે, તે સવારે 9 વાગ્યાથી શરૂ થશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS