Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

લખનઉ- ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરવા છતાં કોંર્ગેસને રાજ્યમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. જેના લીધે કોંગ્રેસ પાર્ટી સહિત UP ચૂંટણીની રણનીતિ ઘડનારા પ્રશાંત કિશોરને પણ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને ફક્ત 7 બેઠક મળી છે, જે અત્યાર સુધીનું કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન છે. આવા ખરાબ પરાજય બાદ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ કાર્યકર્તાઓના ટાર્ગેટ પર આવી ગયાં છે. લખનઉમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે, ‘સ્વયંભૂ ચાણક્ય પ્રશાંત કિશોરને શોધી લાવનારને રુપિયા પાંચ લાખનું ઈનામ આપવામાં આવશે.’

આ પોસ્ટર યુપી કોંગ્રેસ કમિટીના સચીવ રાજેશ સિંહે લગાવડાવ્યું છે. જોકે તેમની આવી હરકતોને કારણે તેમને કોંગ્રેસ પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નવા ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્યો અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે સાથે મળીને આ પ્રકારનો નિર્ણય લીધો હતો.

પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ થવા છતાં રાજેશ સિંહે કહ્યું કે, ‘મેં જે પણ કહ્યું તેના અંગે મને કોઈ જ અફસોસ નથી, કારણકે પ્રદેશમાં કોંગ્રેસને જીત અપાવવાની જવાબદીરી પ્રશાંત કિશોરની હતી, અમે પાર્ટી માટે ઈમનદારીથી કાર્ય કર્યું છે અને દિવસરાત એક કરીને કાર્ય કર્યું છે. અમારી મહેનતને અવગણીને પ્રશાંત કિશોર ઉપર વિશ્વાસ કરવામાં આવ્યો, જેનું પરિણામ પાર્ટીને આવા શરમજનક પરાજયથી ચુકવવું પડ્યું.’

વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ પ્રશાંત કિશોર લાઈમ લાઈટમાં આવ્યાં હતાં. મહત્વનું છે કે, 2014માં ભાજપને જીતાડવામાં પ્રશાંત કિશોરની રણનીતિએ મોટો ભાગ ભજવ્યો હતો. જોકે ત્યાર બાદ પીકે ભાજપ સાથે છેડો ફાડી બિહાર ચૂંટણી દરમિયાન નીતિશ કુમાર સાથે જોડાયાં અને ભાજપને બિહારમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બે વર્ષ બાદ એટલે કે 2017માં યુપી સહિતના પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાની સ્થિતિ મજબૂત કરવા પીકેને પોતાના મુખ્ય રણનીતિકાર બનાવ્યા હતા. કોંગ્રેસ પંજાબ જીતવામાં તો સફળ રહી પરંતુ યુપી અને ઉત્તરાખંડના પરિણામ કોંગ્રેસ માટે ઘણા ભયાનક આવ્યાં. તો મણિપુર અને ગોવામાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તો બની પરંતુ સત્તાસ્થાને પહોંચી શકી નહીં અને ભાજપે જોડતોડની નીતિ અપનાવી સત્તા મળવી લીધી.

આધુનિક ટેકનિકના ઉપયોગના આગ્રહી પ્રશાંત કિશોરને વર્ષ 2015માં બિહાર સરકારે કેબિનેટ પ્રધાનનો દરજ્જો આપ્યો હતો. જોકે પીકે જાહેર જનતાસમક્ષ બહુ ઓછા જોવા મળે છે અને પ્રેસ કોન્ફરન્સ તેમજ અન્ય માધ્યમથી પાર્ટી નેતાઓના સંપર્કમાં રહે છે. યુપી ઈલેક્શનમાં પીકે સક્રિયરુપે પ્રિયંકા ગાંધીને પ્રચારમાં લાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં. જોકે પ્રશાંત કિશોરે પોતાના બચાવમાં કહ્યું કે, કોંગ્રેસે તેની રણનીતિ અને સલાહનો સો ટકા અમલ કરવાથી ઈન્કાર કર્યો હતો, જેનું પરિણામ પાર્ટીને ભોગવવું પડ્યું.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS