Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

સૂરત – શહેરની પોલીસે નકલી ચલણી નોટોના એક મોટા કૌભાંડને ખુલ્લું પાડવામાં આજે સફળતા મેળવી છે.

પોલીસે રૂ. 40.73 લાખની કિંમતની નકલી નોટો જપ્ત કરી છે અને ચાર જણની ધરપકડ કરી છે, જેઓ નકલી નોટો છાપતા હતા.

પોલીસે 100, 500 અને 2000ના મૂલ્યની નકલી ચલણી નોટો જપ્ત કરી છે.

ચારેય આરોપીને પોલીસે શહેરના મજૂરાગેટ વિસ્તારમાંથી પકડ્યા છે.

સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માએ આપેલી સૂચનાને પગલે સુરત શહેર એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર. ચૌધરી તથા એસ.ઓ.જી. શાખાના પોલીસજવાનો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આર.આર. ચૌધરી, પોલીસ ઈન્સ્પેક્ટર એ.પી. બ્રહ્મભટ્ટ, એએસઆઈ દલસુખભાઈ ઉકડભાઈ, એએસઆઈ મોહમ્મદ મુનાફ ગુલામ રસુલ, હેડ કોન્સ્ટેબલો જનકસિંગ ભગવાનસિંગ, અનિરુદ્ધસિંહ ચતુરદાન, અજયભાઈ કાશીનાથભાઈ, કોન્સ્ટેબલો અશોકભાઈ નારણભાઈ, પ્રતિકભાઈ લક્ષ્મણભાઈ, મયૂરદાન અમીરદાન, મહેન્દ્રસિંહ દિલીપસિંહ, રાજેશ પિતામ્બરભાઈ, યોગેશ કંસારા, હિરેન નાઓએ ચાર આરોપીને પકડ્યા હતા.

પેટ્રોલિંગ દરમિયાન અનિરુદ્ધસિંહ ચતુરદાન અને અશોકભાઈ નારણભાઈને બાતમી મળી હતી કે નકલી નોટો બનાવવાનું કૌભાંડ ચલાવતા અને હેરાફેરી કરતા ત્રણ ઈસમ એક્ટિવા મોપેડ પર ઉધના દરવાજા થઈ મજૂરાગેટ તરફ જવાના છે. તે બાતમીના આધારે પોલીસ ઈન્સ્પેક્ટરો ચૌધરી તથા બ્રહ્મભટ્ટ અન્ય જવાનોની સાથે જૂની સબ જેલના મેઈન ગેટની સામે છૂટાછવાયા વોચમાં ગોઠવાઈ ગયા હતા. બાતમીવાળી મોપેડ ઉપર ત્રણ સવારીમાં, મળેલા વર્ણન અનુસારના ત્રણ ઈસમ દેખાયા કે એમને પકડી લેવામાં આવ્યા હતા.

પકડાયેલાઓના નામ છે – અજયકુમાર હસમુખભાઈ પટેલ (ઢોડીયા) ઉ.વ. 32, રહેવાસી અડાજણ, સુરત, બાબુલાલ ઉર્ફે બબલુ મહાદેવ વાનખેડે રહેવાસી અકોલા (મહારાષ્ટ્ર) અને વાસુ ઉર્ફે બંગાલી કાશીનાથ કર્મકર (33), રહેવાસી હુગલી (પશ્ચિમ બંગાળ).

ત્રણેય આરોપીની મોપેડની ડીકીમાંથી રૂ. 500ના મૂલ્યની 1906 બનાવટી ચલણી નોટ (રૂ. 9 લાખ 53 હજાર), તથા રૂ. 2000ની 791 નોટ (રૂ. 25 લાખ 35 હજાર) જપ્ત કરવામાં આવી હતી.

આ ત્રણેય આરોપીએ બનાવટી ચલણી નોટો રવિભાઈ અશોક ગાંધી (રહેવાસી પાંડસરા ગામ, સુરત) પાસેથી મેળવી હોવાનું કહ્યું હતું.

ત્યારબાદ પોલીસો આ ત્રણેય આરોપી સાથે રવિભાઈને ત્યાં ત્રાટક્યા હતા અને રવિની ધરપકડ કરી હતી તથા એની પાસેથી રૂ. 100, 500 તથા 2000ના મૂલ્યની 2,236 નકલી ચલણી નોટો (રૂ. 15 લાખ 38 હજાર) તેમજ લેપટોપ, કલર પ્રિન્ટર, બનાવટી નોટો છાપવા માટેની અન્ય સામગ્રી કબજે કરી હતી.

સૂત્રધાર રવિ ગાંધી સહેલાઈથી પૈસા કમાવાની લાલચે તથા પોતાની પર રૂ. 70-80 લાખનું દેવું થઈ જતા આવી ગુનાઈત પ્રવૃત્તિ તરફ વળ્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS