Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બિજીંગ- ચીને ચોખ્ખા શબ્દોમાં અમેરિકાને ધમકી આપતાં કહ્યું છે કે વન ચાઈના પોલિસીને ખતમ કરવાનો પ્રયત્ન કરાશે તો તેનોબદલો જરૂર લેવામાં આવશે. તાજેતરમાં તાઇવાનના રાષ્ટ્રપતિના અમેરિકાના પ્રવાસ અને હ્યુસ્ટનમાં તેમના રોકાણને લઈને ચીન ખીજવાયું છે. ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલ એક એડિટોરીયલમાં અમેરિકાને ઉલ્લેખીને કહેવામાં આવ્યું કે ‘અમેરિકા તાઇવાનના રાષ્ટ્રપતિ સાય ઇંગ વનને આવકાર ન આપે અને વન ચાઇના પોલિસી અંગે કોઈ બેઠક ન કરે અન્યથા ભવિષ્યમાં તેના પરિણામ ભોગવવા પડશે.’

તાઇવાનના રાષ્ટ્રપતિ હાલ અમેરિકાના પ્રવાસે છે અને જ્યાં તેમણે અચાનક જ વરિષ્ઠ રિપબ્લિકન નેતા સાથે મુલાકાત યોજી હતી. આ અહેવાલો બાદથી ચીનના ભવાં ખેંચાયા છે.  મધ્ય અમેરિકાના પ્રવાસ પર રહેલા સાય ઇંગ વનનું હ્યૂસટનમાં અચાનક રોકાવું ચીનને જરા પણ પસંદ ન આવ્યું હોય તેમ લાગી રહ્યું છે.

આ દરમિયાન ટેક્સાસના ગવર્નર ગ્રેગ અબૉટે એક ફોટો ટ્વીટ કર્યો હતો જેમાં બંને વચ્ચે બેઠક યોજાઈ હોવાનું દેખાતું હતું. તેમજ સાયે ટેક્સાસના સેનેટર ટેડ ક્રૂઝ સાથે પણ મુલાકાત કરી હોવાના અહેવાલ આવ્યા છે. જે બાદ ગ્લોબલ ટાઇમ્સમાં છાપવામાં આવ્યું કે, ‘વન ચાઇના પોલિસી માટે પોતાનું વલણ દ્રઢ રાખવા માટે ચીને અમેરિકાના રાષ્ટ્રપતિને વિનંતી નથી કરી અને કરશે પણ નહીં, પરંતુ અમેરિકન રાષ્ટ્રપતિનું કર્તવ્ય છે કે તેઓ ચીન-અમેરિકાના સંબંધોને યથાયોગ્ય ટકાવી રાખે તથા એશિયા પ્રશાંતની હાલની સ્થિતિનું સમ્માન કરે.

આ એડિટોરીયલમાં વધુમાં લખવામાં આવ્યું કે, ‘જો ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ વન ચાઇના પોલિસીને ખત્મ કરશે તો ચીનના નાગરિકો જ સરકાર પાસે આનો બદલો લેવાની માગ કરવામાં આવશે, કોઈપણ સંજોગોમાં ચીન આ મુદ્દે જોડતોડ કરવા માગશે નહીં.’

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ચૂંટણી જીત્યા બાદ તાઈવાનના રાષ્ટ્રપતિને ફોન કરીને વર્ષોથી આ મુદ્દે અમેરિકાના ચીન તરફી વલણને નકારી કાઢ્યું હતું. તેમજ તેમણે પદ ગ્રહણ બાદ તાઇવાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાતની સંભાવનાઓ પણ પ્રગટ કરી હતી. નોંધનીય છે કે અત્યાર સુધીના કોઈપણ અમેરિકન રાષ્ટ્રપતિએ તાઇવાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી આ મુદ્દે વાતચીત કરવા તૈયારી દર્શાવી નહોતી.

ત્યારે અમેરિકન સેનેટર ટેડ ક્રૂઝનું કહેવું છે કે તાઈવાનના રાષ્ટ્રપતિ સાયના અમેરિકાન પ્રવાસને ધ્યાને લઈને ચીન દૂતાવાસ દ્વારા અમેરિકન સાંસદોને ખાસ પત્ર લખીને સાય સાથે મુલાકાત ન કરવા જણાવવામાં આવ્યું છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS