Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ન્યૂ યોર્ક – અમેરિકાના 45મા પ્રમુુખ તરીકેચૂંટાઈ આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આજે પહેલી જ વાર પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી અને સ્વયં તેમજ પોતાના ચૂંટણી પ્રચારના રશિયા સાથેના કથિત જોડાણ વિશેના નકલી સમાચારોને વખોડી કાઢ્યા હતા.

ટ્રમ્પ હાઉસ ખાતે યોજેલી પત્રકાર પરિષદમાં ટ્રમ્પે ન્યૂ યોર્ક ટાઈમ્સ અખબારની પ્રશંસા કરી હતી, જેણે એ સમાચાર છાપ્યા નહોતા, કારણ કે તે અખબારે એ સમાચારની સચ્ચાઈ વિશે સવાલ ઉઠાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના વિદાય લેનાર પ્રમુખ બરાક ઓબામાએ એવો આરોપ મૂક્યો છે કે યૂએસ પ્રમુખપદની ચૂંટણીમાં રશિયાના હૅકરોએ ગેરરીતિ આચરી હતી. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના વહીવટીતંત્રે અમેરિકામાં ગયા વર્ષે યોજાઈ ગયેલી પ્રમુખપદની ચૂંટણીનું પરિણામ ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં લાવવા માટે હૅકિંગ કરાવ્યું હતું. એમ કરીને રશિયાએ અમેરિકાની ચૂંટણીમાં અવરોધ ઊભો કર્યો હતો.

પુતિને જોકે આ આક્ષેપોને નકારી કાઢ્યા છે.

તે અહેવાલો બઝફીડ નામના એક વેબ મિડિયાએ બ્રિટિશ ગુપ્તચર સાથે ભૂતકાળમાં સંકળાયેલી એક વ્યક્તિના નામ સાથે  પ્રકાશિત કર્યા હતા. જોકે એ અહેવાલો વિશે વેબ મિડિયાના તંત્રીએ પણ શંકા વ્યક્ત કરી હતી.

પ્રમુખપદની ચૂંટણી દરમિયાન પોતાના વિશે રશિયાએ માહિતી એકઠી કરી હતી એવા મિડિયાના અહેવાલોને ટ્રમ્પે ‘નોનસેન્સ’ કહીને નકારી કાઢ્યા હતા અને કહ્યું કે આ આક્ષેપો કદાચ અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ જ લીક કર્યા છે અને જો તેમણે ખરેખર એવું કર્યું હોય તો એમના રેકોર્ડ પર એક કાળા ડાઘ સમાન બની રહેશે.

ટ્રમ્પે કહ્યું કે, આ બધા નકલી ન્યૂઝ છે. બઘી કાલ્પનિક ને ઉપજાવી કાઢેલી વાતો છે. એવું કંઈ બન્યું જ નહોતું.

ટ્રમ્પે તે છતાં વળતો આરોપ મૂક્યો હતો કે ડેમોક્રેટિક પાર્ટીના કમ્પ્યુટર્સને હેકિંગ કરવામાં રશિયા તથા અન્ય દેશોનો હાથ હતો.

ટ્રમ્પ 9 દિવસ બાદ દેશના પ્રમુખ તરીકેનો કારભાર સંભાળી લેવાના છે.

ટ્રમ્પે આજે એમ પણ કહ્યું કે, પુતિન અને એમના દેશ સાથે અમેરિકા સારા સંબંધો રાખશે તો ઈસ્લામિક સ્ટેટ ત્રાસવાદી સંગઠન સામે લડાઈમાં અમેરિકા માટે ફાયદાકારક બની રહેશે.

આજે ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે અમેરિકાનું નેતૃત્વ અન્ય લોકોના હાથમાં હોય અને મારા હાથમાં હોય એમાં ઘણો ફરક છે. હું પ્રમુખપદે રહીશ એમાં રશિયા અમેરિકાનું ખૂબ માન જાળવશે. રશિયા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પસંદ કરે છે તો તે એક એસેટ છે, લાયાબિલિટી નહીં.

ટ્રમ્પે કહ્યું કે, મારા વહીવટીતંત્રની હેલ્થકેર યોજના ઓબામાના વહીવટીતંત્ર કરતાં ઘણી સસ્તા દરની અને સારી હશે. ઓબામા કેર યોજના સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.

ટ્રમ્પે કહ્યું કે, હું ખૂબ સરસ કેબિનેટની રચના કરીશ. હું અમેરિકામાં અગાઉ કરતાં સૌથી વધારે પ્રમાણમાં નોકરીઓનું નિર્માણ કરાવીશ


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS