Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- તિબેટના આધ્યાત્મિક ધર્મગુરુ અને વર્ષોથી ભારતમાં આશરો લઈને રહેતા દલાઈ લામાએ કહ્યું છે કે, ભારત અને ચીન ઈચ્છવા છતાં એકબીજાથી દૂર નહીં જઈ શકે. બંનેએ હમેશા પાસે જ રહેવાનું છે. જેથી લડાઈ એ બંને દેશ વચ્ચે કોઈ સમાધાન હોઈ શકે નહીં. વધુમાં દલાઈ લામાએ જણાવ્યું કે, ડોકલામ મુદ્દો એ કોઈ મોટી સમસ્યા નથી. ઘણીવાર બન્ને દેશ એકબીજા માટે કઠોર ભાષાનો ઉપયોગ કરે છે પણ આખરે તો બંનેએ પ્રગતિ માટે ‘હિંદી-ચીની ભાઈભાઈ’ના નારાને અનુસરવું એજ યોગ્ય રસ્તો છે.

એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા દલાઈ લામાએ કહ્યું કે, 1962ના યુદ્ધમાં ચીનની સેના બોમડિલા સુધી પહોંચી ગઈ હતી, તેમ છતાં તેણે અમુક વિસ્તાર ખાલી કરીને પરત જવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલમાં સિક્કીમના ડોકલામ સેક્ટરમાં ભારત અને ચીન વચ્ચે આશરે બે મહિનાથી ગતિરોધ ચાલી રહ્યો છે. જેમાં ચીન ભારતને પોતાના સૈનિકો પરત બોલાવી લેવા દબાણ કરી રહ્યું છે જ્યારે પોતે ત્યાંથી ખસવા તૈયાર નથી. જેથી આ મુદ્દે બન્ને દેશ વચ્ચે વાતાવરણ ગરમાયેલું છે.

આપને જણાવી દઈએ કે, ડોકલામ વિસ્તાર એ ભારત, ચીન અને ભૂટાન સરહદે ટ્રાઈ જંક્શન ઉપર આવેલો ભૂભાગ છે. જેના ઉપર ચીન પોતાનો દાવો કરે છે જ્યારે ભૂટાન ડોકલામને પોતાનો હિસ્સો ગણાવે છે. ચીન ભારતને એવુ દર્શાવવા પ્રયાસ કરે છે કે, ડોકલામને લઈને ચીન-ભૂટાન વચ્ચે કોઈ જ વિવાદ નથી. ડોકલામ મુદ્દે ચીની વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, જ્યાં સુધી એક પણ ભારતીય સૈનિક ડોકલામ વિસ્તારમાં છે ત્યાં સુધી ચીન ભારત સાથે ચર્ચા નહીં કરે. ભારતે ડોકલામ વિવાદનો દ્વિપક્ષીય રાજકીય ઉકેલ લાવવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં બન્ને દેશોએ સેના પરત બોલાવવાનોપ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને ચીને નામંજૂર કર્યો છે.

હવે જ્યારે ચીન પોતાની સેના હટાવવા નથી માગતુ અને ભારત ઉપર સૈનિકો ખસેડવા દબાણ કરી રહ્યું છે આવા સંજોગોમાં દલાઈ લામા દ્વારા ફરી એકવાર ‘હિંદી-ચીની ભાઈ ભાઈ’ના નારાને અનુસરીને 1962ના ઈતિહાસનું પુનરાવર્તન થાય તો નવાઈ નહીં.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS