Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બેંગાલુરુ- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગાલુરુમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથને ગ્રાઉન્ડ અમ્પાયરે LBW આઉટ આપ્યા બાદ  સ્મિથ અમ્પાયરના નિર્ણય સાથે સહમત થયો ન હતો અને તેણે ડ્રેસિંગ રૂમ તરફ ઇશારો કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, DRS લેવા માટે પેવેલિયનમાં બેઠેલા સાથી પ્લેયર્સ પાસેથી ક્લૂ લેવો એ ક્રિકેટના નિયમની વિરુદ્ધ છે. આ મામલે સ્ટિવ સ્મિથની આલોચના પણ થઈ છે અને આ ઘટના બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ વચ્ચે પણ વિવાદ વધી ગયો છે. BCCI ભારતીય ટીમની સાથે ઉભી છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયન બોર્ડ અને કોચ સ્મિથના બચાવમાં આવ્યા છે.

શું છે DRS અને સ્મિથનો વિવાદ ?

સ્ટીવ સ્મિથના DRS અંગેનો વિવાદ સામે આવ્યા બાદ BCCI ટીમ ઈન્ડિયાના સમર્થનમાં આવી છે. જોકે પોતાની ભૂલ કેમેરામાં સ્પષ્ટ રીતે પકડાઈ જતા ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્મિથે પણ આ અંગે પોતાની ભૂલ હોવાની વાત સ્વીકારી છે. સ્મિથે બેંગલુરુ ટેસ્ટના ચોથા દિવસે  DRS મામલે ડ્રેસિંગ રુમ પાસે મદદ લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગ્રાઉન્ડ અમ્પાયર નાઇજેલ લાંગે તેને આમ કરવાથી રોક્યો હતો ત્યારબાદ સ્મિથ સાથે તેનો વિવાદ પણ થયો હતો.

વિરાટે લગાવ્યા સ્મિથ પર આરોપ

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મેચ પુરી થયા બાદ પત્રકાર પરિષદમાં સ્મિથ પર કેટલાક આરોપ લગાવ્યા હતા. વિરાટના આરોપોથી ઓસ્ટ્રેલિયા છંછેડાયુ હતું અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ જેમ્સ સદરલેન્ડ અને કોચ ડેરેન લેહમેને ભારતીય કેપ્ટનના નિવેદનને અપમાનજનક ગણાવ્યુ હતું.

BCCIએ આ મામલે શું કહ્યું ?

BCCIએ તેના એક નિવેદનમાં જણાવ્યું છે કે, ઘટનાનો વીડિયો જોયા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડ પૂરી રીતે ટીમ ઈન્ડિયા અને કેપ્ટન વિરાટનું સમર્થન કરે છે.  BCCI એ કહ્યું કે, વિરાટ કોહલી અનુભવી અને પરિપકવ ક્રિકેટર છે અને મેદાન ઉપર તેનો વ્યવહાર અનુકરણીય રહે છે. કોહલીના આ પગલાને ગ્રાઉન્ડ અમ્પાયર નાઇજલે લાંગનું પણ સમર્થન હતું, જે સ્મિથને મદદ લેવાથી રોકવા માટે દોડ્યા હતા. BCCIએ કહ્યું કે, ICCએ આ મામલે ધ્યાન રાખવું જોઇએ કે સ્ટીવ સ્મિથે ખુદ પત્રકાર પરિષદમાં એ વાતનો સ્વીકાર કર્યો છે કે, તે કેટલીક ક્ષણ માટે નિયમ ભૂલી ગયો હતો. વધુમાં BCCIએ જણાવ્યું કે, અમે આશા રાખીએ છીએ કે સિરીઝની બાકીની મેચ ખેલદિલી સાથે રમવામાં આવશે.

મહત્વનું છે કે, આ સમગ્ર મામલે પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઇકલ ક્લાર્કે પણ પોતાના દેશના ખેલાડીને વિશ્વાસઘાતી ગણાવ્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS