Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC)એ આજે જણાવ્યું છે કે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના નવા વડા કોચ વિશે નિર્ણય લેવા માટે એને થોડાક વધારે સમયની જરૂર છે.

સૌરવ ગાંગુલી અને વી.વી.એસ. લક્ષ્મણે અહીં પત્રકાર પરિષદમાં આમ જણાવ્યું હતું. એમણે કહ્યું કે સલાહકાર સમિતિએ હેડ કોચ પદ માટે પાંચ ઉમેદવારનો ઈન્ટરવ્યૂ લીધો છે, પરંતુ તેઓ આ અંગે કોઈ નિર્ણય લેતા પહેલાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે વાત કરવા ઈચ્છે છે.

ક્રિકેટ સલાહકાર સમિતિના ત્રીજા સભ્ય છે – સચીન તેંડુલકર.

નવા કોચ અનિલ કુંબલેનું સ્થાન લેશે.

સલાહકાર સમિતિએ રવિ શાસ્ત્રી, વિરેન્દર સેહવાગ, લાલચંદ રાજપૂત, ટોમ મૂડી અને રિચર્ડ પાયબસનો ઈન્ટરવ્યૂ લીધો હતો. સમિતિએ છ ઉમેદવારને ઈન્ટરવ્યૂ માટે પસંદ કર્યા હતા, એમાંના છઠ્ઠા, ફિલ સિમોન્સ ઈન્ટરવ્યૂ માટે હાજર થયા નહોતા.

ગાંગુલીએ કહ્યું કે, નવા કોચની જાહેરાત હાલપૂરતું મોકૂફ રાખવાનું અમે નક્કી કર્યું છે. અમારે એ માટે થોડાક વધારે દિવસોની જરૂર છે અને કેપ્ટન સહિત અમુક વધુ લોકો સાથે વાત કરવાની પણ જરૂર છે. તે પછી જ અમે જાહેરાત કરીશું. હાલને તબક્કે જાહેરાત કરવાની કોઈ ઉતાવળ કરવા જેવું નથી એવું અમને લાગ્યું છે. કોચ તરીકે જેની વરણી કરાશે એ હવે પછીની વર્લ્ડ કપ સ્પર્ધા સુધી એ પદે રહેશે.

ગાંગુલીએ વધુમાં જણાવ્યું કે અમે જેમના ઈન્ટરવ્યૂ લીધા છે એ તમામે સરસ રીતે રજૂઆત કરી હતી. આપણે ત્યાંની સિસ્ટમમાં કોચ શું કરી શકે છે એ તેમણે અમને જણાવ્યું હતું.

ગાંગુલીએ કહ્યું કે, કોહલી અમેરિકાથી પાછો ફરે એ પછી અમે તેની સાથે ચર્ચા કરીશું. અમે ત્રણેય જણ એને જણાવીશું કે ઉમેદવાર કોચો કઈ રીતે કામ કરવા ઈચ્છે છે.

ગાંગુલીએ કહ્યું કે, કોચની પસંદગીની સમગ્ર પ્રક્રિયામાંથી વિરાટ કોહલી દૂર રહ્યો છે. ઈન્ટરવ્યૂની પ્રક્રિયા વખતે કોહલીએ અમને કોઈ પસંદગી કે નામ આપ્યા નહોતા. કેપ્ટન તરીકે એ ક્રિકેટ ટીમનો સૌથી મહત્વનો વ્યક્તિ છે. એના વગર ટીમને ચાલી શકે એમ નથી અને એવું જ અમારી સલાહકાર સમિતિનું પણ માનવું છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS