Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– વિધાનસભા ચૂંટણી ભલે નવેમ્બરમાં આવે પણ ગુજરાતના રાજકીય જગતમાં તો ક્યારનું ચૂંટણીનું કમઠાણ મંડાઇ ગયું છે. કોંગ્રેસના વિધાનસભા નેતા શંકરસિંહ વાઘેલા પોતાના 37 સમર્થક ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાવા જઇ રહ્યાંની અફવાઓનું બજાર ગરમાગરમ છે અને બીજીબાજુ રાજ્યસભાની ત્રણ બેઠકોના સાંસદોનો આગામી ઓગસ્ટમાં કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો હોવાના અંકોડા મેળવી કેટલાક જાણકારો નવી થિયરી બજારમાં ઊતારી રહ્યાં છે. જે મુજબ શંકરસિંહ વાઘેલાએ ભાજપે ઓફર કરેલી રાજ્યપાલ પદની ઓફર ઠુકરાવીને રાજ્યસભા લડવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું બહાર આવી રહ્યું છે.

આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસની આજે અમદાવાદની સોળ બેઠકના ઉમેદવાર સંગઠન માટે સહપ્રભારી બેઠક યોજાઇ રહી છે. જીપીસીસી ખાતેની આ બેઠકમાં એઆઈસીસીના મંત્રી અને ઉત્તર ગુજરાતનાં સહપ્રભારી વર્ષા ગાયકવાડ હાજર રહેશે.કોંગ્રેસની આંતરિક ખેંચતાણ વચ્ચે શંકરસિંહ વાઘેલાની પડદાની ઓઠે રાજ્યસભા બેઠકનો ખેલ પાડવાની રણનીતિ હોઇ શકે છે.

ગુજરાતના રાજ્યસભા સાંસદો અહેમદ પટેલ, સ્મૃતિ ઇરાની અને દિલીપ પંડ્યાની ખાલી પડનારી બેઠક માટે ચૂંટણીનું જાહેરનામું બહાર પડી ગયું છે. 8મી જૂનનાં રોજ ચૂંટણી યોજાવાની છે. જોકે રાજ્યસભાની ત્રણ બેઠકો  પર ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 1લી જૂનનાં રોજ  માત્ર ત્રણ ઉમેદવારો મેદાનમાં રહે તો તમામ બિનહરિફ વિજેતા બની જશે. વિધાનસભાનાં 182 ધારાસભ્યોનાં સંખ્યાબળ પ્રમાણે બે ભાજપને અને એક બેઠક કોંગ્રેસને મળે.

રાજયસભાની ચૂંટણી માટે મતદાન કરવામાં આવે એવી ધટના સામાન્યરીતે બનતી નથી. કારણકે સંખ્યાબળને નજર સમક્ષ રાખીને ઉમેદવારો ઉતારવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે રાજ્યસભાની ચૂંટણી રસાકસીભરી બને તેવી સંભાવના છે કારણકે કોંગ્રેસમાં કમઠાણ છે. કોંગ્રેસ પાસે 57 ધારાસભ્યો હોવાથી અહેમદ પટેલને ઊની આંચ આવે તેમ નથી પણ જો શંકરસિંહ વાઘેલા પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસને ગુડબાય કરી દે તો અહેમદ પટેલ માટે રાજ્યસભા બેઠક જીતવી મુશ્કેલ છે. ત્યારે પ્રેશરની રાજનીતિ અપનાવી વાઘેલાએ પોતાનું ધાર્યું કરાવવા રણનીતિ કરી હોવાનું રાજકીય સૂત્રોનું માનવું છે. વાઘેલા પોતાના 20થી વધુ સમર્થકો સાથે પણ ભાજપમાં જાય તો તેમના હાથમાં બંને હાથમાં લાડુ હોવાનું કહેવાઇ રહ્યું છે. વાઘેલાને ભાજપે જે ઓફર આપી હોવાનું સાંભળવા મળી રહ્યું છે તે પ્રમાણે રાજયપાલ પદ અને તેમના પુત્ર મહેન્દ્ર વાઘેલાને વિધાનસભા ટિકીટ ઉપરાંત પ્રધાનપદાંની ઓફર કરવામાં આવી છે. જોકે સૂત્રો પ્રમાણે વાઘેલાએ રાજ્યપાલ પદ ઓફર ઠુકરાવી સક્રિય રાજકારણમાં રહેવાનો મનસૂબો જાહેર કરી રાજ્યસભા ચૂંટણી તરફ આંગળી ચીંધી રહ્યાં છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS