Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બિજીંગ- ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવમાં હવે ચીની મીડિયા તરફથી વધુ એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોતાના નિવેદનમાં ચીની મીડિયાએ જણાવ્યું છે કે, ભારતમાં સતત વિદેશી રોકાણ વધી રહ્યું છે, જે ભારતના આર્થિક વિકાસમાં મદદગાર સાબિત થઈ રહ્યું છે. તો બીજી તરફ ચીન ભારત સાથે ટકરાવનો માહોલ ઉભો કરીને પોતાનું જ નુકસાન કરી રહ્યું છે. ભારત સાથે ઘર્ષણનો માહોલ દૂર કરી ચીને પોતાના વિકાસ મોડેલ પર ધ્યાન આપવું જોઈએ.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના જમાવ્યા અનુસાર ભારતમાં સતત વધી રહેલું વિદેશી રોકાણ ભારતની પ્રગતિ અને વિદેશી રોકાણકર્તાઓનો ભારત પ્રત્યેનો વિશ્વાસ દર્શાવી રહ્યો છે. ચીને ભારતની પ્રગતિમાંથી શીખ લઈ તેનો મુકાબલો કરવા તૈયાર રહેવું જોઈએ. અને નવા વિકાસ મોડેલ પર કામ કરવું જોઈએ. વધુમાં ગ્લોબલ ટાઈમ્સે પોતાના લેખમાં જણાવ્યું કે, વિદેશી રોકાણની મદદથી ભારત પોતાની આર્થિક તકલીફો સરળતાથી દૂર કરી શકે છે. અને એશિયામાં ઝડપથી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ડોકલામ મુદ્દે ભારત અને ચીન વચ્ચે છેલ્લાં કેટલાક દિવસોથી તણાવનો માહોલ છે. આ સમય દરમિયાન ચીન તરફથી સતત ભારત માટે ઉશ્કેરણીજનક નિવેદનો કરવામાં આવ્યા છે. આ પહેલાં ચીનના એક સરકારી અખબારે ભારત માટે ધમકીભર્યા શબ્દોમાં લખ્યું હતું કે, પરિસ્થિતિ વધુ ગંભીર બને અને ભારતને ભયાનક પરિણામ ભોગવવા પડે તે પહેલા ભારતે ડોકલામમાંથી પોતાની સેના પરત બોલાવી લેવી જોઈએ. કારણકે ચીન પોતાની ક્ષેત્રીય સંપ્રભુતા સાથે કોઈ સમાધાન કરશે નહીં.

જોકે હવે ચીની મીડિયાના સૂર બદલાયેલા જોવા મળી રહ્યાં છે અને તે ચીન સરકારને ભારત સાથેના મતભેદ ભૂલીને પોતાના વિકાસ મોડેલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવી રહ્યું છે. ચીની મીડિયાની આ ડાહીડાહી વાતોમાં વાસ્તવિકતા છે અથવા ડ્રેગનની નવી કોઈ ચાલ એ તો સમય જણાવશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS