Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બિજીંગ- આતંકવાદના મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચ પર હાલ ભલે ચીન પાકિસ્તાનની તરફદારી કરતુ આવ્યું હોય, પરંતુ પાક સમર્થિત આતંકી ગતિવિધિથી ચીનની મુશ્કેલી પણ વધી રહી છે. જેથી ચીને પોતાના જીગરી દોસ્ત એવા પાકિસ્તાનને સ્પર્શતી પોતાની સરહદોને સીલ કરવાનો નિર્ણય લીધો છે.

ચીની સમાચાર સંસ્થા શિનહુઆ ન્યૂઝ દ્વારા શિનજિયાંગ સરકારના પ્રમુખને ટાંકીને કહેવામાં આવ્યું કે, ‘વર્ષ 2017માં દેશમાં આતંકવાદીઓના પ્રવેશને રોકવા માટે ચીન-પાકિસ્તાન બોર્ડરને સીલ કરવામાં આવશે.’

એવું માનવામાં આવી રહ્યું છે કે ચીને આ પગલું ભરીને આતંકવાદને રોકવામાં અસફળ રહેનાર પાકિસ્તાન પ્રતિ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. શિનજિયાંગ પ્રાંતના નેતાઓનું કહેવું છે કે આતંકવાદી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં જઈને ટ્રેનિંગ મેળવે છે અને પછી અહીં આવી આતંક ફેલાવે છે.

તાજેતરમાં ચીન અને પાકિસ્તાનના વિદેશપ્રધાનની બેઠક મળી હતી. જેમાં બંને દેશના પ્રધાનોએ મિત્રતાના ગીતો ગાયા હતા. પરંતુ શિનજિયાંગ પ્રાંતમાં પાકિસ્તાન પ્રરિત આતંકવાદના કારણે ચિંતા સતત વધી રહી છે. સ્થાનિક નેતાઓથી લઈને સુરક્ષા એજન્સીઓનું સ્પષ્ટપણે માનવું છે કે અહીંના આતંકવાદી જૂથોનું પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં કાર્યરત તાલિબાન આતંકવાદીઓ સાથે કનેક્શન છે. ચીનનો શિનજિયાંગ પ્રદેશ દેશમાં સૌથી વધુ આતંકી હુમલાગ્રસ્ત વિસ્તારમાં આવે છે. ગત 28  ડિસેમ્બરના રોજ થયેલા હુમલામાં પાંચ લોકોના મોત નિપજ્યા હતા.

ભારત હંમેશાથી સારા અને ખરાબ આતંકવાદ વચ્ચે ફરક કરવાનો વિરોધ કરતો આવ્યો છે. જેની પાછળ આવું પણ એક કારણ છે. આતંકવાદ ભસ્માસુરની જેમ પોતાને પાષનારને પણ બાળી નાખે છે. ત્યારે આતંકવાદ એ આતંકવાદ જ હોય છે તે બાબત ચીન જેટલું જલદી સમજે તેટલું તેના ભલા માટે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS