Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગૉલ – ભારતની ટેસ્ટ ટીમના આધારભુત બેટ્સમેન બનેલા ચેતેશ્વર પૂજારાએ પહેલી જ વાર એનું બેટ બાજુએ મૂકીને હાથમાં માઈક પકડીને ઈન્ટરવ્યૂ લેવાની કામગીરી બજાવી છે. આ ઈન્ટરવ્યૂ એણે પોતાની જ ટીમના સાથી હાર્દિક પંડ્યાનો લીધો છે.

એક ક્રિકેટર દ્વારા બીજા ક્રિકેટરના લેવાયેલા આ ઈન્ટરવ્યૂના સવાલ-જવાબ રસપ્રદ છે. પૂજારાએ હાર્દિક પંડ્યાનો અંગ્રેજીમાં લીધેલા આ ઈન્ટરવ્યૂનો વિડિયો bcci.tv દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. એની ટેક્સ્ટ આવૃત્તિનાં અમુક અંશ આ મુજબ છેઃ

પૂજારાઃ તો તેં ટેસ્ટ ક્રિકેટમાં એન્ટ્રી કરી લીધી છે. દરેક ખેલાડીનું આ સપનું રહેતું હોય છે. એમાંય તેં ફિફ્ટી પણ કર્યા અને એક વિકેટ પણ લીધી. તને કેવી લાગણી થાય છે?

હાર્દિકઃ મને ખૂબ જ ગર્વ થાય છે. યુવા ક્રિકેટર તરીકે દરેકને એવી ઈચ્છા હોય કે પોતે ટેસ્ટ ક્રિકેટ રમે અને અંતે જ્યારે તમને એ મોકો મળે તો ત્યારે ખુશીની લાગણી થાય.

પૂજારાઃ ટેસ્ટ ક્રિકેટમાં એન્ટ્રી મેળવવા તેં કોઈ અલગ પ્રકારની તૈયારી કરી હતી ખરી?

હાર્દિકઃ ઈન્ટરનેશનલ ક્રિકેટર તરીકે તમારે તૈયારીઓમાં બહુ સ્માર્ટ બનવું પડે. એમાંય જો તમારે ત્રણેય ફોર્મેટમાં રમવું હોય તો તમારે તમારાં મનને એ માટે ચેન્જ કરતાં રહેવું પડે.

એમાં ફોર્મેટ ચેન્જ થાય, પણ તમારું કૌશલ્ય એ જ રહે. હું જે રીતે પહેલી ટેસ્ટમાં રમ્યો હતો ત્યારે હું એમ જ સમજતો હતો કે હું જાણે કોઈ વન-ડે મેચ રમી રહ્યો છું. જોકે મેં, બેટિંગ અને બોલિંગ, બંને માટે તૈયારીઓ કરી જ હતી. વન-ડે ક્રિકેટમાં ધીરજ મહત્વનો ભાગ ભજવે છે.

પૂજારાઃ તારા પૂલ શોટ વિશે જણાવ. તું જે રીતે પૂલ કરતો હોય છે એ જોવાનું બહુ ગમે છે… ખાસ કરીને ગંજાવર સિક્સરો.

હાર્દિકઃ પૂલ શોટ્સ માટે તો હું સ્વયં ગર્વ અનુભવું છું, કારણ કે પહેલાં હું પૂલ શોટ્સ બરાબર રમી શકતો નહોતો.

પૂજારાઃ ઓકે, મને જણાવ કે, શોર્ટ-પિચ્ડ બોલરને કોણ વધારે સારી રીતે રમી શકે છે? તું કે હું?

હાર્દિકઃ સ્વાભાવિક રીતે તમે જ પૂજારાભાઈ. તમે કોઈ પણ મેદાન પર એવા શોટ આસાનીથી રમી શકો છો.

પૂજારાઃ શું તું યુવરાજ સિંહની જેમ ક્યારેક એક જ ઓવરમાં છ સિક્સર ફટકારી શકીશ?

હાર્દિકઃ હું છ સિક્સર ફટકારવા વિશે અત્યારે વિચારતો નથી. હું તો ટીમને મારી શું જરૂર છે એ વિશે જ વિચારું છું. મેં ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારી હતી, પણ ક્યારેય ચોથી સિક્સર ફટકારવાની કોશિશ કરી નથી, કારણ કે ટીમ માટે એવી સ્થિતિ સર્જાઈ જ નહોતી. પરંતુ કોઈક દિવસ જો ટીમ માટે જરૂરી લાગશે તો ચોક્કસ છ બોલમાં છ સિક્સર ફટકારવાની ટ્રાય કરીશ.

પૂજારાઃ મને ખાતરી છે કે તું એ કામ કરી શકીશ, કારણ કે યુવરાજ પછી તું જ એવો બેટ્સમેન છે જેનામાં આ કરવાની ક્ષમતા છે.

પૂજારાઃ તારો ફેવરિટ ઓલરાઉન્ડર કોણ છે?

હાર્દિકઃ જેક કેલિસ, કારણ કે એણે દક્ષિણ આફ્રિકા માટે ત્રણેય ફોર્મેટમાં સરસ પરફોર્મ કર્યું છે. એણે ઢગલાબંધ રન કર્યા છે અને ઘણી વિકેટો પણ લીધી છે. બેટિંગમાં વળી એ ત્રીજા નંબરે રમતો હતો, જે વાત નોંધપાત્ર છે.

પૂજારાઃ તેં ક્રિકેટ શીખવાનું કઈ ઉંમરેથી શરૂ કર્યું હતું?

હાર્દિકઃ લગભગ સાડા છ વર્ષનો હોઈશ. એ ઉંમરે મેં મારા ભાઈ કૃણાલની સાથે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. એ વખતે હું લોકોને બહુ પરેશાન કરતો હતો. અત્યારે પણ કરું છું. એ વખતે પ્રેક્ટિસ વખતે હું કૃણાલને બહુ પરેશાન કરતો હતો. એક વખત કિરણ મોરે સરે મને જોયો અને કહ્યું હતું કે, તું અહીંયા તારી શક્તિ શું કામ વેડફી રહ્યો છે, ક્રિકેટ રમવાનું શરૂ કર. અને બસ, ત્યાંથી હું ક્રિકેટ રમતા શીખ્યો હતો.

પૂજારાઃ તું ભારતીય ક્રિકેટ ટીમનો નવો રોકસ્ટાર ખેલાડી છે, કેમ ખરુંને?

હાર્દિકઃ હું રોકસ્ટાર છું એવું હું કહી ન શકું. મને મારા વાળમાં રંગ બદલવાનું, મારી હેરસ્ટાઈલ બદલતા રહેવાનું, જુદી જુદી ટાઈપનાં કપડાં પહેલવાનું બહુ ગમે છે.

પૂજારાઃ ક્રિકેટ ઉપરાંત તારા રસનાં વિષય શું છે?

હાર્દિકઃ મને કાર બહુ ગમે. મને ફિલ્મો જોવી બહુ ગમે. ફિલ્મો કરતાં મને પોપકોર્ન ખાવી વધારે ગમે. મને ચીઝ પોપકોર્ન વધારે ગમે, પણ મને એ થિયેટર સિવાય બીજે ક્યાંય મળતી નથી.

પૂજારાએ હાર્દિકના લીધેલા ઈન્ટરવ્યૂને નીચેની લિન્ક પર ક્લિક કરવાથી જોઈ-સાંભળી શકાશે…


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS