Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી મુંબઈ – કેનેડિયન પોપસિંગર જસ્ટિન બીબર એની વર્લ્ડ ટુરના ભાગરૂપે ભારત આવી રહ્યો છે અને 10 મેએ અહીંના ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં કોન્સર્ટનું આયોજન કરવાનો છે.

એને માટે પોલીસે સલામતીનો અત્યંત કડક બંદોબસ્ત કર્યો છે. પોલીસો ડ્રોન દ્વારા દેખરેખ રાખશે.

10 મેનો લાઈવ શો જોવા માટે 45 હજારથી વધારે લોકોનો માનવમહેરામણ ઉમટે એવી ધારણા છે.

નવી મુંબઈના પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ કહ્યું છે કે સ્ટેડિયમ ખાતે સુરક્ષા બંદોબસ્ત તથા ઈમરજન્સી ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે આશરે 500 પોલીસ જવાનો તથા 25 અધિકારીઓ તહેનાત કરાશે.

23 વર્ષીય બીબર આવતીકાલે મંગળવારે કે બુધવારે મુંબઈ પહોંચે એવી ધારણા છે.

બીબર એની પર્પઝ વર્લ્ડ ટુરના એશિયા ચરણ અંતર્ગત ભારત આવી રહ્યો છે. તે આ પહેલી જ વાર ભારતમાં પરફોર્મ કરશે

તે પોતાની આ વર્લ્ડ ટુર એના ચોથા આલ્બમ ‘પર્પઝ’ના પ્રચાર માટે યોજી રહ્યો છે. આ આલ્બમમાં એણે વધુ એડવેન્ચરસ ઈલેક્ટ્રોનિક સાઉન્ડનો પ્રયોગ કર્યો છે.

ભારત ઉપરાંત તે તેલ અવીવ (ઈઝરાયલ) અને દુબઈ પણ જવાનો છે.

પોલીસ કમિશનર નાગરાલેએ વધુમાં કહ્યું છે કે સ્ટેડિયમના તમામ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ્સ ખાતે પોલીસોનો પહેરો રાખવામાં આવશે. સ્ટેડિયમની અંદર, સાદા વસ્ત્રોમાં પણ પોલીસો લોકોની હિલચાલ પર દેખરેખ રાખશે. એક સ્પેશિયલ પોલીસ કન્ટ્રોલ રૂમ તૈયાર કરાયો છે અને એક કમાન્ડ સેન્ટર સાથેની સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ કોન્સર્ટ વખતે પરિસ્થિતિ પર નજર રાખશે.

મુખ્ય શો શરૂ થશે એ પહેલાં આખા સ્ટેડિયમને બોમ્બ ડીટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા ચેક કરવામાં આવશે. સમગ્ર શો દરમિયાન કેમેરા સાથેના ડ્રોન્સ સ્ટેડિયમ ખાતેના પોલીસ કન્ટ્રોલ રૂમને લાઈવ ફીડ્સ આપતાં રહેશે.

શોની આયોજક કંપની વ્હાઈટ ફોક્સ પણ ટોળાને સંભાળવા તથા ટિકિટ ચેકિંગ માટે પોતાની ખાનગી સુરક્ષા એજન્સીઓનાં જવાનોને તહેનાત કરવાની છે. સમગ્ર સિક્યૂરિટી નવી મુંબઈ પોલીસની રહેશે.

આયોજકોએ આશરે 15 હજાર પાર્કિંગ સ્લોટ્સની વ્યવસ્થા કરી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS