Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ઈસ્લામાબાદ- પ્રાચીન સિંધુઘાટી સભ્યતાના પ્રખ્યાત નગર અને અખંડ ભારતની જગવિખ્યાત ઓળખ એવા મોહેન્જો દરોના અવશેષ નજીકના ભવિષ્યમાં નામશેષ થઈ શકે છે. પાકિસ્તાન સરકારે આ અવશેષોને ફરીવાર માટીમાં દફન કરવાનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઈએ કે, આ શહેર 5 હજાર વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના અંશ છે. અને છેલ્લાં ઘણા સમયથી તેના અસ્તિત્વ સામે જોખમ ઉભું થયું છે. મોહેન્જો દરોના અવશેષને બચાવનારી ટીમના પુરાતત્વ વિભાગના સભ્યોએ પણ નિર્ણય કર્યો છે કે, આ અવશેષોને ફરીવાર જમીનમાં દફન કરવા પડશે.

આ અંગે પુરાતત્વ વિભાગનું કહેવું છે કે, આ વિસ્તારમાં હવે ખોદકામ અટકાવી દેવું જોઈએ અને જે વિસ્તારમાં પહેલેથી જ ખોદકામ કરવામાં આવ્યું છે તેને પણ દાટી દેવું જોઈએ. આ પ્રાચીન અવશેષોની જાળવણી શક્ય નહીં હોવાથી તેને ફરીવાર દાટી દેવું જ યોગ્ય નિર્ણય ગણાશે એમ પુરાતત્વ વિભાગનું માનવું છે. અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને શોધકર્તા રિચર્ડ મિડોએ જણાવ્યું કે, અવશેષોને દાટી દેવા એજ તેને બચાવવાનો એકમાત્ર ઉપાય છે.

મોહેન્જો દરોની સૌથી પહેલાં વર્ષ 1922માં ભારતીય પુરાતત્વ સંસ્થાનના એક અધિકારી રાખાલદાસ બેનર્જીએ શોધ કરી હતી. ત્યારબાદ 1947માં દેશના વિભાજન સમયે આ વિસ્તાર પાકિસ્તાનના સિંધપ્રાંતમાં જતો રહ્યો હોવાથી ભારત તેના પર કોઈ વધુ રીસર્ચ કરી શક્યું ન હતું. જોકે ત્યારબાદના 50 વર્ષોમાં અહીં તબક્કાવાર રીતે ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ખોદકામ દરમિયાન અહીં તામ્રયુગના શહેરના અવશેષ પણ મળી આવ્યાં હતાં. હડપ્પા સંસ્કૃતિના અન્ય શહેરોની જેમ મોહેન્જો દરો પણ વાસ્તુકલાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ શહેરોને જે સુનિયોજીત રીતે વસાવવામાં આવ્યાં હતાં તેની નકલ કરવી આધુનિક સભ્યતાના ઈજનેરો માટે પણ ઘણી મુશ્કેલ બાબત છે.

આ શહેર હડપ્પા સભ્યતાનું પ્રતીક છે. સિંધુ નદીની આસપાસ વિકાસ પામેલી આ સભ્યતા ઈસુના 2500 વર્ષ પહેલાં તેની ચરમસીમા પર હોવાનું માનવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે આશરે 1900 વર્ષ ઈસાપૂર્વ તેનો અંત આવ્યો હોઈ શકે છે. જોકે આ સંસ્કૃતિ ક્યા કારણોથી નાશ પામી તે અંગે કોઈ નક્કર પુરાવા મળી શક્યાં નથી. દરેક ઈતિહાસકાર તેની પાછળ વિવિધ તર્ક જણાવી રહ્યાં છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS