Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – ભારતીય જનતા પાર્ટીના પ્રમુક અમિત શાહ આજે અહીં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને બાન્દ્રા (ઈસ્ટ) સ્થિત નિવાસસ્થાન માતોશ્રી ખાતે મળવા ગયા હતા. એ બેઠકમાં ઠાકરેએ રાષ્ટ્રપતિપદની આગામી ચૂંટણીના મુદ્દે પોતાની પાર્ટીનું આક્રમક વલણ અમિત શાહ સમક્ષ પ્રદર્શિત કર્યું હતું.

અમિત શાહે રાષ્ટ્રપતિ પદ માટે ભાજપની આગેવાની હેઠળના એનડીએ જૂથના ઉમેદવારનું નામ જાહેર કર્યું નહોતું, પરંતુ એનડીએના ઉમેદવાર માટે ઠાકરેનો ટેકો માગ્યો હતો. ઉમેદવારની પસંદગીની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ઠાકરેએ જો કે રાષ્ટ્રપતિ પદ માટે એમના બે નામનો પુનરોચ્ચાર કર્યો હતો – આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને કૃષિ-વિજ્ઞાની એમ.એસ. સ્વામીનાથન.

ભાજપે આ નામ વિશે કોઈ વચન આપવાની ના પાડી છે અને કહ્યું છે કે તે આ મામલે ચર્ચા કરવા તૈયાર છે.

ઠાકરેએ અમિત શાહને એવું કહ્યું હોવાનું મનાય છે કે એનડીએના ઉમેદવારને ટેકો આપવો કે નહીં તે વિશે શિવસેના પોતાનો નિર્ણય લે એ પહેલાં ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી દેવી જોઈએ.

અમિત શાહ સાથેની બેઠકમાં શિવસેના વતી ઉધ્ધવની સાથે એમના પુત્ર આદિત્ય તેમજ અમિત શાહ સાથે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ રાવસાહેબ પાટીલ-દાનવે પણ હાજર હતા. આ મીટિંગ લગભગ 75 મિનિટ સુધી ચાલી હતી.

ઉધ્ધવ સાથેની બેઠક રાષ્ટ્રપતિ પદની ચૂંટણી અંગે તમામ રાજકીય પક્ષોમાં સર્વસંમત્તિ મેળવવા ભાજપે ઘડેલી એક વ્યૂહરચનાનો એક ભાગ હતો. ભાજપ તેના સૌથી જૂના સાથી શિવસેનાનો ટેકો મેળવવા પ્રયત્નશીલ છે.

2007 અને 2012ની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં શિવસેનાએ એનડીએથી વિપરીત જઈને કોંગ્રેસના ઉમેવાદરો – અનુક્રમે પ્રતિભા પાટીલ અને પ્રણવ મુખરજીને ટેકો આપ્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS