Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વોશિંગ્ટન- સિક્કીમ સરહદે ડોકલામ વિસ્તારમાં ચાલી રહેલા ભારત-ચીન ગતિરોધ ઉપર અમેરિકા પણ નજર રાખી રહ્યું છે. સાથે જ અમેરિકાએ ભારત અને ચીનને ડોકલામ ગતિરોધને જલદી પુરો કરવા સલાહ આપી છે. અમેરિકાએ કહ્યું કે, ભારત અને ચીન ચર્ચા દ્વારા આ વિવાદનું સમાધાન લાવે.

અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા હેદર નોટે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આ એવી સ્થિતિ છે જેના ઉપર અમેરિકા પણ બારીકાઈથી નજર રાખી રહ્યું છે. કારણ કે અમેરિકા બંને દેશ સાથે સુમેળભર્યા સંબંધો ઈચ્છે છે. બંને દેશ પરમાણુ શક્તિ સંપન્ન રાષ્ટ્ર છે અને એશિયામાં બંને દેશ પોતાનું આગવું મહત્વ ધરાવે છે.

આપને જણાવી દઈએ કે, આ અગાઉ અમેરિકન રાજદૂત રીચર્ડ વર્મા અને અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ ડોકલામ વિવાદ માટે સીધી રીતે ચીનને જવાબદાર ગણાવી ચુક્યા છે. ભારત-અમેરિકા સંબંધોને લઈને અમેરિકી પ્રસાશને જણાવ્યું કે, ઓબામા સરકારના અંતિમ ત્રણ વર્ષો દરમિયાન ભારત અને અમેરિકાના સંબંધો વધુ ગાઢ થયાં છે. જેનો શ્રેય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ઓબામાને જાય છે.

અમેરિકી પ્રસાશને જણાવ્યું કે, અમને આશા છે કે, ભારત અને અમેરિકાના ઉષ્માપૂર્ણ સંબંધો વધુ ગાઢ બનશે. ડોકલામ વિવાદ પર અમેરિકન સાંસદ કૃષ્ણમૂર્તિએ ચીન ઉપર આરોપ લગાવતા જણાવ્યું કે, ચીને ભારતની ઉશ્કેરણી કરવા આ પ્રકારનું પગલું ભર્યું છે. જેના લીધે બંને દેશ વચ્ચે વાતાવરણ તંગ થયું છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS