Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

amc( ઊર્વીશ પટેલ )

અમદાવાદ- રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા માટે ઈમ્પેક્ટ ફી લેવામાં આવે છે. ઓગસ્ટમાં અમલી બનાવવામાં આવેલી ઈમ્પેક્ટ ફીની યોજનામાં ઘણા નિયમોનું વર્ષ 2013માં ગુજરાત વિધાનસભામાં ખાસ બિલ રજૂ કર્યા બાદ સરળ બનાવવામાં આવ્યું હતું. જે પછી દર 6 મહિના સુધી યોજનાને લંબાવવામાં આવી હતી. ઈમ્પેક્ટ-ફીની યોજના અંતર્ગત મળેલી અરજીઓ પૈકીની 1 લાખથી વધુ અરજીઓ નામંજૂર કરવામાં આવી છે, તો બીજી તરફ આ યોજનાથી કોર્પોરેશનને અત્યાર સુધીમાં કુલ રૂ. 3,04,33,05,041ની આવક થઈ છે.

ઉલ્લેખનીય છે કે, ઈમ્પેક્ટ-ફીની યોજનાની જાહેરાત સમયે અમદાવાદમાં અંદાજિત 5 લાખથી વધુ બાંધકામો ગેરકાયદે હતા. જે પૈકી 2,43,105 અરજદારોએ ઈમ્પેક્ટ ફી માટે અરજી કરી હતી. એક રીતે જોવા જઈએ તો આ યોજનાનો લાભ મેળવવા માત્ર 50 ટકા જેટલા લોકોએ અરજીઓ કરી છે. જે પૈકી 1,25,630 અરજીઓને મંજૂર કરવામાં આવી છે. બીજી તરફ કોર્પોરેશનને મળેલી અરજીઓ પૈકીની 1,00,507 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે.

કોર્પોરેશને આ યોજનાથી ગેરકાયદે બાંધકામોને કાયદેસર માન્યતા આપવાના પ્રયત્નો કર્યા છે. જોકે ઘણા લોકોએ આ યોજનાનો લાભ લેવા અરજી સુદ્ધાં કરી નથી. જેને કારણે કોર્પોરેશન માટે હજુ શહેરમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ઊભોનો ઊભો જ છે. ઘણી અરજીઓ નામંજૂર કરવા પાછળ તંત્રની ઉદાસીનતા પણ જણાઈ રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીડીઓ રાજેશ પટેલ chitralekha.com સાથે વાત કરતાં કહે છે કે, ઈમ્પેક્ટ ફીમાં ઘણા લોકોમાં આ યોજનાને લઈને જાગૃતિ ન હોય તેવું લાગી રહ્યું છે. શહેરના ગેરકાયદે બાંધકામો કરતાં ઘણા ઓછા લોકોએ અરજી કરી છે. અરજી નામંજૂર થવાના મોટા ભાગના કારણોમાં કટઓફ ડેટ પછીનું બાંધકામ, સરકારી જમીનમાં બાંધકામ વગેરે જેવા કારણો મુખ્ય છે. ઈમ્પેક્ટ ફીનો ચાર્જ એરિયા ઓફ કન્સ્ટ્રક્શન મુજબ લેવામાં આવે છે.

Dinesh sharma congressકોંગ્રેસના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ chitralekha.com સાથે વાત કરતાં કહ્યું કે, ઈમ્પેક્ટ ફીના મામલે તંત્રને કોઈ રસ જ નથી. બીજી તરફ મંજૂર થયેલી અરજીઓમાં કેટલાક એવા પણ છે કે જેઓએ કટ ઓફ ડેટ પછીનું બાંધકામ હોય અને નોટિસ પણ મળી હોય તેમ છતાં તેવી અરજીઓનો સમાવેશ મંજૂર કરેલી અરજીઓમાં કરાયો છે. અને ઘણા એવા પણ અરજદારો છે કે જેમની અરજીઓને મંજૂર કરી શકાય તેમ છે તેમ છતાં મંજૂર કરવામાં આવી નથી. જો તંત્ર ધારે તો તેઓનો સમાવેશ ઈમ્પેક્ટમાં કરી શકે તેમ છે, છતાં કરતું નથી માટે ભાજપની સત્તાધારી પાંખને ઈમ્પેક્ટ ફીમાં કોઈ રસ જ ન હોય તેવું જણાઈ રહ્યું છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS