Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે હાલમાં જ છત્તીસગઢ રાજ્યના સુકમા જિલ્લામાં માઓવાદી નક્સલવાદીઓએ કરેલા હુમલામાં માર્યા ગયેલા અર્ધલશ્કરી દળ CRPFના 12 જવાનોનાં પરિવારજનો માટે રૂ. 1.08 કરોડની રકમ દાનમાં આપી છે.

આ રકમમાંથી પ્રત્યેક શહીદ જવાનના પરિવારને 9-9 લાખ રૂપિયા મળશે.

‘જોલી એલએલબી 2’ અભિનેતા શહીદ જવાનોનાં પરિવારજનોને આર્થિક મદદ કરવા માટે જાણીતો છે. ભૂતકાળમાં પણ એ ઘણીવાર શહીદોનાં પરિજનોને મદદ કરી ચૂક્યો છે.

ગઈ 11 માર્ચે સુકમા જિલ્લામાં માઓવાદીઓના હુમલામાં સીઆરપીએફના જવાનો શહીદ થયાના સમાચાર જાણ્યા બાદ તરત જ અક્ષયે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો અને પ્રત્યેક શહીદ જવાનના પરિવારના બેન્ક એકાઉન્ટ નંબર આપવાની વિનંતી કરી હતી, કારણ કે પોતે એ દુઃખીજનોને રકમ દાનમાં આપવા માગતો હતો.

ગૃહ મંત્રાલયે અક્ષયની વિનંતીનો સ્વીકાર કરીને સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ને આદેશ આપ્યો હતો કે તે શહીદ જવાનોનાં પરિવારોના ઉચિત બેન્ક એકાઉન્ટ નંબર શેર કરે.

બેન્ક એકાઉન્ટ્સની વિગત મળી ગયા બાદ અક્ષયે ગયા બુધવારે એ પ્રત્યેક પરિવારના ખાતામાં રૂ. 9-9 લાખ ટ્રાન્સફર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે સીઆરપીએફના 12 જવાનો છત્તીસગઢમાં માઓવાદીઓ નક્સલવાદી પ્રવૃત્તિગ્રસ્ત સુકમા જિલ્લામાં પેટ્રોલિંગની ફરજ પર હતા ત્યારે ગઈ 11 માર્ચના શનિવારે કરાયેલા હુમલામાં તેઓ માર્યા ગયા હતા.

શહીદ થયેલા જવાનો છેઃ ઈન્સ્પેક્ટર જગજિત સિંહ, આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટરો એચ.બી. ભટ્ટ અને નરેન્દ્રકુમાર સિંહ, હેડ કોન્સ્ટેબલ્સ જગદીશ પ્રસાદ વિશ્નોઈ અને પી.આર. મિન્ડે તથા કોન્સ્ટેબલો મંગેશલાલ પાંડે, રામપાલ સિંહ યાદવ, ગોરખનાથ, નંદકુમાર પત્રા, સતિષકુમાર વર્મા, કે. શંકર અને સુરેશ કુમાર.

સીઆરપીએફ દ્વારા એક નિવેદનમાં કહ્યું છે કે અક્ષય કુમારની આ મદદ એની દેશભક્તિ તથા દેશ પ્રતિ, ખાસ કરીને સીઆરપીએફ પ્રતિ લાગણી દર્શાવે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS