Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ભૂજ-  વિમુદ્રીકરણનો નિર્ણય લેવાયો એ ગાળાને આવરી લેતા ત્રિમાસિક બાદ કચ્છની બેંકોની થાપણોમાં રૂા. 2900 કરોડનો જંગી ઉછાળો નોંધાયો છે, સાથે કુલ ડિપોઝિટ રૂા. 31,400 કરોડ સુધી પહોંચી ગઇ છે. જો કે બીજી તરફ બિનનિવાસી ભારતીયોની થાપણોમાં ઘટાડો થયો અને અગાઉની તુલનાએ રૂા. 100 કરોડના ઘટાડા સાથે એન.આર.આઇ. ડિપોઝિટ રૂા. 9400 કરોડ પર પહોંચી છે. 31 ડિસેમ્બર બાદ આર.બી.આઇ.ની કચેરીઓમાં જૂનું ચલણ બદલવામાં મોટી સંખ્યામાં વિદેશોમાં વસ્તા કચ્છના લોકા પરેશાન બન્યાં હતાં. બીજી તરફ નોટબંધી બાદ રોકડની થયેલી (અથવા કરાયેલી) અછતને પગલે ફરજિયાત રીતે જ કચ્છમાં પણ કેશલેસ અર્થતંત્રમાં ઉછાળો આવ્યો છે.

બેન્કિંગ વર્તુળોના જણાવ્યાં અનુસાર અગાઉ પાંચ ટકા લોકો જ નેટ બેન્કિંગ કે મોબાઇલ ફોન દ્વારા બેન્કિંગ વ્યવહારો કરતાં હતાં. જે હવે વધીને 15થી 20 ટકા થઇ ગયું છે. કચ્છમાં વિવિધ બેંકોની લગભગ 390 શાખાઓ છે. પેટીએમ, ભીમ એપ કે ખાનગી બેંકોની એપ્લિકેશનો થકી ડિજિટલ બેન્કિંગનું ચલણ હવે વધતું જાય છે. નોટબંધી બાદ કચ્છની બેંકોમાં  કુલ ડિપોઝિટ અગાઉના રૂા. 28,500 કરોડની તુલનાએ વધીને રૂા. 31,400 કરોડ સુધી પહોંચી ગઈ હતી. અને પહેલી વખત થાપણોનો આંક રૂા. 3000 કરોડને પાર કરી ગયો. આ સાથે જ બેંકોએ રૂા. 12,100 કરોડનું ધિરાણ આપ્યું છે. આમ ક્રેડિટ ડિપોઝિટ રેશિયો (સીડીઆર) 38.53 ટકા નોંધાયો છે. જે ધીમેધીમે વધી રહ્યોં છે.

એક વર્ષ પહેલાં કચ્છની બેંકોમાં એન.આર.આઇ. ડિપોઝિટ રૂા. 10,339 કરોડ હતી, પણ 31 ડિસેમ્બરની સ્થિતિએ તે ઘટીને રૂા. 9400 કરોડ થઇ ગઇ. સમગ્ર ગુજરાતમાં વર્ષો સુધી એન.આર.આઇ. થાપણોના મામલે કચ્છ પહેલા નંબરે હતું. પણ હવે અમદાવાદ જેવા જિલ્લા કચ્છને ઓવરટેક કરી ગયા છે.

આફ્રિકા, યુરોપમાં રહેતા હજારો એન.આર.આઇ. કચ્છીઓ ડિસેમ્બરની આસપાસ વતનમાં આવતા હોય છે. આ સંદર્ભમાં કચ્છના એનઆરઆઈ એસોસીએશનના પ્રમુખ નવીન કંસારાએ જણાવ્યું હતું કે, 30 જૂન સુધી જૂની નોટ બદલવાની છૂટ માત્ર ભારતીય પાસપોર્ટ ધરાવતા એનઆરઆઈઓ માટે છે. જે તે દેશોમાં વસતા અને એ દેશનો જ પાસપોર્ટ ધરાવતા મૂળ ભારતીયો માટે નથી. જેને લીધે ગૂંચવાડો થાય છે. એક તો નોટો મહાનગરોના આરબીઆઈ કેન્દ્રોમાં જ બદલતી હતી, વળી વ્યક્તિદીઠ 25000 રૂપિયાની મર્યાદા હતી, ઉપરાંત એ દરેક  રકમનું ડિકલેરેશન કરવાનું હતું જેને લીધે બધા બિનનિવાસી ભારતીયો નોટો બદલવા માટે ગયા ન હતાં. વિદેશી પાસપોર્ટ ધરાવતા લોકો પાસે પણ થોડી ઘણી ભારતીય ચલણની નોટો પડી હશે જે એકંદરે મોટી રકમ થઇ જાય. સરકાર એમના માટે કંઇ કાયદો લાવવો જોઈએ.

તેવી જ રીતે વિમુદ્રીકરણના મોદી સરકારના નિર્ણય બાદ કચ્છમાં કેશલેસ અર્થતંત્રમાં વધારો નોંધાયો છે. એચ.ડી.એફ.સી. બેંકના પ્રસાદ પંચોલી કહે છે કે, લોકોની માનસિકતામાં પણ બદલાવ આવતો જોઇ શકાય છે. બેંકના ખાતેદારોનો મોટો વર્ગ નેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ કરતો થઇ ગયો છે. ઉપરાંત હવે મોટા કોર્પોરેટ ગૃહોમાં પણ તેના સ્ટાફ માટેની અલાયદી દુકાનોમાં સંપૂર્ણ કેશલેસની સિસ્ટમ જોવા મળે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS