Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વારાણસી – વોટ્સએપ કે ફેસબુક પર એડમીન બનતાં પહેલાં બે વાર વિચાર કરજો, કારણ કે જો તેની પર કોઈ અફવા ફેલાવનાર કે બનાવટી સમાચાર સર્ક્યૂલેટ કરવામાં આવશે તો એડમીન જવાબદાર ગણાશે અને એની સામે પોલીસ કાર્યવાહી થઈ શકશે.

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કોઈ પણ વ્યક્તિને એક ગ્રુપ બનાવવાની પરવાનગી આપે છે જેની પર સભ્યો એમનાં મંતવ્યો, તસવીરો કે વિડિયો શેર કરી શકે છે.

પરંતુ, બનાવટી સમાચારો, ચેડાં કરેલી તસવીરો અને વાંધાજનક વિડિયો આસાનીથી સર્ક્યૂલેટ કરીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ વધી રહ્યો હોવાની ફરિયાદો મળી છે. આવી પ્રવૃત્તિઓને કારણે જે તે વિસ્તારમાં કોમી તંગદિલી પણ ઊભી થઈ શકે છે.

વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ યોગેશ્વરરામ મિશ્રા અને સિનિયર પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ નીતિન તિવારીએ સંયુક્ત રીતે એક ઓર્ડર ઈસ્યૂ કર્યો છે જેમાં સ્પષ્ટ કરાયું છે કે જો કોઈ અવાસ્તવિક, ખોટી, અફવાજનક કે ગેરમાર્ગે દોરતી માહિતી સોશિયલ મીડિયા ગ્રુપ પર પોસ્ટ કરવામાં આવશે તો ગ્રુપના એડમિનિસ્ટ્રેટર સામે પોલીસ એફઆઈઆર નોંધશે. સોશિયલ મિડિયા પર એક યા જુદા જુદા નામોથી અનેક ગ્રુપ બનાવવામાં આવ્યા છે જેમાંના ઘણાં બનાવટી સમાચારો અને માહિતીનો ફેલાવો કરે છે જે સાચા હોતા નથી. આ સમાચાર તથા માહિતીને બાદમાં ચકાસ્યા વગર ફોરવર્ડ કરવામાં આવતા હોય છે. આ મુદ્દે વિચારણા કર્યા બાદ સોશિયલ મીડિયા ગ્રુપ્સ, વોટ્સએપ અને ફેસબુક ગ્રુપ એડમીન્સ તથા સભ્યોજોગ આ ઓર્ડર ઈસ્યૂ કરવામાં આવ્યો છે.

ભારતમાં 20 કરોડથી વધુ વોટ્સએપ યૂઝર્સ છે.

ઓર્ડરમાં જણાવાયું છે કે બનાવટી સમાચાર, વાંધાજનક વિડિયો કે ચેડાં કરેલી તસવીરો પોસ્ટ કરવા બદલ સોશિયલ મીડિયા ગ્રુપના એડમિનિસ્ટ્રેટરોએ જવાબદારી લેવાની રહેશે. એડમીને માત્ર એવા લોકોને જ સભ્ય બનાવવા જોઈએ જેને તે ઓળખતો હોય છે.

વારાણસી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંસદીય વિસ્તાર છે.

ઓર્ડરમાં વધુમાં જણાવાયું છે કે સોશિયલ મિડિયા પર અભિવ્યક્તિની આઝાદી મહત્વની છે, પરંતુ સાથોસાથ એમાં જવાબદારી પણ હોય છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS