Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગર- સમગ્ર દેશમાં અને રાજ્યોમાં પહેલી જુલાઇથી ગુડ્સ અને સર્વિસ ટેક્સ-જીએસટીનો અમલ શરૂ થઇ ગયો છે. ત્યારે નેચરલ ગેસએ રાજ્યના અધિકારવાળા વેટ અંતર્ગત આવ્યો છે અને અત્યાર સુધી નેચરલ ગેસ ઉપર ૧૫ % ના દરે ટેક્સ લાગતો હતો અને તેમાંથી ૧૧ % ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે રીફંડ મળતું હતું,

પરંતુ હવે જીએસટીના આવવાથી આ ઇનપુટ ટેક્સ ક્રેડ્ટ મળવાપાત્ર રહેતી નથી, જેના કારણે રાજ્યમાં નેચરલ ગેસનો ઉપયોગ કરી જે ઉદ્યોગો ચાલે છે તેના ખર્ચમાં ઘણો મોટો વધારો થતો હતો તેમની ઉત્પાદનની કિંમતમાં પણ વધારો થતો હતો. જેથી રાજ્યના ઉદ્યોગોને અન્ય રાજ્યના ઉદ્યોગો સાથે હરીફાઇ કરવી પડતી હતી.

ગુજરાતમાં ગેસ વાપરતાં ઉદ્યોગ એસોસિએશનો, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ગેસના વિવિધ ઉદ્યોગકારો દ્વારા નાણાંપ્રધાન નિતીનભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી, તેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ગેસ વાપરતાં ઉદ્યોગોના હિતમાં નેચરલ ગેસ ઉપર ૧૫ % ના દરે ભરવામાં આવેલ વેટ પૈકી ૯ % વેટ રીફંડ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

ડેપ્યૂટી સીએમ નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલમાં ખાતર અને વીજળીના ઉત્પાદનમાં વેટની ટેક્સ ક્રેડિટ મળવાપાત્ર થતી નથી. આથી આ રાહત આ બે ઉદ્યોગોને મળવાપાત્ર થશે નહીં. ટેક્સ ક્રેડિટ ની તથા રીફંડની વેટ હેઠળની અન્ય શરતો યથાવત રહેશે. હાલમાં પેટ્રોલ-ડીઝલ, નેચરલ ગેસ, ક્રૂડ, એવીએશન ટર્બાઇન ફ્યુઅલ અને માનવ વપરાશ માટેના આલ્કોહોલીક લીકરને ગુડ્સ અને સર્વિસ ટેક્ષની બહાર રાખવામાં આવ્યાં છે. જેના ઉપર વેટ (મૂલ્યવર્ધિત વેરો) લાગુ પડે છે, અને તેના પર લાગુ પડતાં દરે વેટ ભરવાનો રહેશે.

તેમણે ઉમેર્યુ કે, વેટ અને જીએસટી બંનેનો અમલ સાથે-સાથે થવાથી કેટલીક ચીજવસ્તુઓમાં એવી પરિસ્થિતિ ઉદભવી છે કે, વેટ કર પ્રણાલી હેઠળ જે ચીજવસ્તુઓની ખરીદી કરીને તેના ઉપર વેટ અન્વયે વેરો ભરેલ હોય અને જો આવી ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરીને કે પ્રોસેસ કરીને ઉત્પાદિત થયેલ ચીજવસ્તુઓ ગુડ્સ અને સર્વિસ ટેક્ષમાં આવરી લેવામાં આવી હોય તો આવી ઉત્પાદિત ચીજ-વસ્તુઓ ઉપર વેચાણ અને સપ્લાય બાજુએ જીએસટી લાગુ પડશે, અને ખરીદી બાજુએ વેટ લાગુ પડશે. આથી વેટ હેઠળ ભરેલ વેરાની ટેક્સ ક્રેડિટ જી.એસ.ટી. હેઠળ મળવાપાત્ર થશે નહીં. આમ થવાથી આવી ચીજવસ્તુઓમાં ટેક્સ ક્રેડિટ ન મળવાના કારણે તેટલા અંશે તેના ઉપરનો વેરાકીય ભારણ વધ્યું છે.

જે ચીજવસ્તુઓ જીએસટીની બહાર રાખવામાં આવેલ છે, તે પૈકી નેચરલ ગેસનો બળતણ તરીકે ઔદ્યોગિક ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. નેચરલ ગેસ ઉપર હાલ ૧૫ % ના દરે વેટ લાગુ પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નેચરલ ગેસનો બળતણ તરીકે ઉપયોગ કરતાં રાજ્યના ઉદ્યોગો ઉપર વેરાકીય ભારણ વધે નહીં અને તેમની સ્પર્ધાત્મકતા જળવાઇ રહે તે હેતુથી નેચરલ ગેસ ઉપર ૧૫ % ના દરે ભરવામાં આવેલ વેટ પૈકી ૯ % વેટ રીફંડ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ રીફંડ આપવાની વિગતવાર વ્યવસ્થા ગોઠવીને ટૂંકસમયમાં તેનું અમલીકરણ કરવામાં આવશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS