Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ઉત્તરપ્રદેશ- પશ્ચિમ ઉત્તરપ્રદેશના બાગપતમાં યમુના નદીમાં ખેડૂતો અને મજૂરો ભરેલી હોડી ડૂબી  જવાથી આશરે 22 લોકોના મોત થયાનો પ્રાથમિક આંકડો સામે આવ્યો છે.

જિલ્લા અધિકારીના જણાવ્યા મુજબ લગભગ એક ડઝન લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.  હોડીમાં 60થી વધુ લોકો સવાર હતા. દુર્ઘટનાની માહિતી મળતા સ્થાનિક પોલીસ અને અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવકાર્ય શરુ કરી દીધું  હતું.

દુર્ઘટના બાદ રાહત અને બચાવકાર્યમાં થયેલા વિલંબથી ગુસ્સે થયેલા સ્થાનિક લોકોએ દિલ્હી હાઈવે પર ચક્કાજામ કર્યો હતો.  જેથી ટ્રાફિક વ્યવસ્થામાં અડચણ ઉભી થઈ હતી. ઘટના સ્થળે હાજર રહેલા જિલ્લાઅધિકારી ભવાનીસિંહે જણાવ્યું કે, હોડીમાં તેની ક્ષમતા કરતાં વધારે લોકો ભરેલા હતા. જેમાં મોટાભાગે મહિલાઓ હતી. હોડી યમુના નદીની વચ્ચે પહોંચી ત્યારે અચાનક જ તેનું નિયંત્રણ ગયું અને હોડી ડૂબી ગઈ.

પોલીસ અને રાહત ટીમે અત્યાર સુધી 22 મૃતદેહ બહાર કાઢ્યા છે. ઉપરાંત અનેક લોકોને બચાવી લેવાયા છે. હોડીમાં સવાર મોટાભાગના લોકો બાગપતથી હરિયાણા મજૂરી કરવા જઈ રહ્યા હતા.

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર હોડીની ક્ષમતા 15 લોકોની હતી. જેની સામે તેમાં 60 યાત્રીઓ બેસાડવામાં આવ્યા હતા. બીજી તરફ દુર્ઘટના બાદ મૃતકોના પરિજનોએ પોતાનો વિરોધ વ્યક્ત કરતા દેખાવો કર્યા છે. પોલીસે ગુસ્સે થયેલા લોકોને મહામહેનતે કાબૂમાં લીધાં છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS