Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – સંજય દત્તની જેલમાંથી મુક્તિ થઈ છે ત્યારથી એવી વાતોએ જોર પકડ્યું છે કે એની ખૂબ લોકપ્રિય બનેલી ‘મુન્નાભાઈ’ સિરીઝની ત્રીજી ફિલ્મ પણ બનશે.

રાજકુમાર હિરાની અગાઉ આ સિરીઝની બે ફિલ્મ બનાવી ચૂક્યા છે – ‘મુન્નાભાઈ એમબીબીએસ’ અને ‘લગે રહો મુન્નાભાઈ’.

‘મુન્નાભાઈ’ સિરીઝની ત્રીજી ફિલ્મ શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ હિરાનીએ એ આઈડિયાને કામચલાઉ પડતો મૂકી દીધો હતો.

હાલમાં જ્યારે સંજય દત્ત એની ‘ભૂમિ’ ફિલ્મના પ્રચાર કરી રહ્યો હતો ત્યારે એને પૂછવામાં આવ્યું હતું કે શું નિર્માતાઓ ‘મુન્નાભાઈ ચલે અમેરિકા’ની સ્ક્રિપ્ટમાં કોઈ ફેરફાર કરશે? ત્યારે સંજયે જવાબમાં જણાવ્યું હતું કે ‘મુન્નાભાઈ 3’ની સ્ક્રિપ્ટ અલગ હશે અને એ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ કરવામાં આવે એવી ધારણા છે.

સંજયે કહ્યું હતું કે, ત્રીજી સિરીઝની ફિલ્મનું નામ ‘મુન્નાભાઈ ચલે અમેરિકા’ નહીં હોય, કારણ કે મને અમેરિકાના વિઝા મળી શકે એમ નથી. તેથી દિગ્દર્શક રાજુ હિરાની અને નિર્માતા વિધુ વિનોદ ચોપરા પાસેથી મને જાણવા મળ્યું છે કે તેઓ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. હિરાની જેવા મારી બાયોપિક ફિલ્મ પરનું શૂટિંગ પૂરું કરશે કે તરત ‘મુન્નાભાઈ 3’નું શૂટિંગ શરૂ કરાવશે. એવી આશા છે કે દરેકની શુભેચ્છા અને ઈશ્વરની દયાથી એ ફિલ્મ આવતા વર્ષે જ પૂરી થઈ જશે.

‘મુન્નાભાઈ 3’માં સંજય દત્ત અને અર્શદ વારસી ફરી જોવા મળશે. તેઓ આગલી બંને ફિલ્મમાં અનુક્રમે મુન્ના અને સર્કિટની ભૂમિકામાં ચમક્યા હતા.

નવી ફિલ્મની પટકથા અભિજાત જોશી અને હિરાની લખશે.

‘મુન્નાભાઈ 3’નું શૂટિંગ શરૂ કરતા પહેલા સંજય દત્ત એની બે ફિલ્મનું શૂટિંગ પૂરું કરશે – ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર 3’ અને ‘ધ ગૂડ મહારાજા’.

સંજય દત્તના જીવન પરથી હિરાની જે બાયોપિક ફિલ્મ બનાવી રહ્યા છે તે આવતા વર્ષના માર્ચમાં રિલીઝ થશે. એમાં રણબીર કપૂરે સંજય દત્તની ભૂમિકા કરી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS