Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા દિગ્દર્શક મધુર ભંડારકરે પોતાની આગામી હિન્દી ફિલ્મ ‘ઈંદુ સરકાર’ની સિરીઝના સંબંધમાં પોતાને ધમકી આપનાર સ્થાનિક કોંગ્રેસ કાર્યકર્તાઓ સામે પગલાં લેવાની આજે કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીને વિનંતી કરી છે.

કોંગ્રેસી કાર્યકર્તાઓ તરફથી ધમકી મળતાં ભંડારકરને એમની આ ફિલ્મના પ્રચારને લગતા કાર્યક્રમોને ગયા અઠવાડિયે પુણે અને નાગપુરમાં રદ કરવાની ફરજ પડી હતી.

ભંડારકરે એક મુલાકાતમાં કહ્યું છે કે મેં, રાહુલ ગાંધીને વિનંતી કરી છે કે તેઓ મારી ફિલ્મ સામે વિરોધ કરી રહેલા એમની પાર્ટીના કાર્યકર્તાઓને અંકુશમાં રાખે. ઘણા લોકોએ કોંગ્રેસના શાસન વખતે દેશભરમાં લાદવામાં આવેલી ઈમરજન્સી (કટોકટી) અંગે દસ્તાવેજી ફિલ્મો બનાવી છે. કોંગ્રેસ પાર્ટી મારી ફિલ્મનું ટ્રેલર જોઈને જ હચમચી ગઈ છે.

ભંડારકરે વધુમાં કહ્યું છે કે, કોંગ્રેસના ઉચ્ચસ્તરના સત્તાવાળાઓએ આ બાબતમાં આગળ આવવું જોઈએ અને મને ધમકી આપવાની ઘટનાઓને પત્રકાર પરિષદ બોલાવીને વખોડી કાઢવી જોઈએ. શું તમે સમાંતર સેન્સર બોર્ડ ચલાવો છો? મારી ‘ઈંદુ સરકાર’ ફિલ્મનું ટ્રેલર રજૂ થયા બાદ કેટલાક કોંગ્રેસી નેતાઓએ મારાથી અંતર કરી લીધું છે.

‘ઈંદુ સરકાર’ ફિલ્મમાં 1975-77ના ઈમરજન્સી સમયગાળાની વાર્તા છે. એમાં બે પાત્રને સ્વ. વડાંપ્રધાન ઈંદિરા ગાંધી અને એમનાં સ્વ. પુત્ર સંજય ગાંધી જેવા બતાવવામાં આવ્યાં છે.

ભંડારકરે એવી આશા વ્યક્ત કરી છે કે પોતે તમામ અડચણોને પાર કરીને આવતી 28 જુલાઈએ ‘ઈંદુ સરકાર’ને રિલીઝ કરશે.

આ ફિલ્મમાં નીલ નિતિન મુકેશ, કિર્તી કુલ્હારી, અનુપમ ખેર, તોતા રોય ચૌધરી મુખ્ય ભૂમિકાઓમાં છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS