Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ વિશે ફિલ્મ બનાવનાર નિર્માતાઓએ ડો. સિંહ પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) મેળવવું પડશે, પણ દિગ્દર્શક મધુર ભંડારકરને રાહત છે કારણ કે એમણે એમની નવી ફિલ્મ ‘ઈંદુ સરકાર’ માટે ગાંધી પરિવાર પાસેથી એનઓસી લેવું નહીં પડે એવું સેન્સર બોર્ડના ચેરમેન પહલાજ નિહલાનીએ કહ્યું છે.

‘ઈંદુ સરકાર’ ભૂતપૂર્વ વડાંપ્રધાન સ્વ. ઈંદિરા ગાંધીએ એમનાં શાસન દરમિયાન ઘોષિત કરેલી ઈમરજન્સી (કટોકટી)ના સમયગાળા વિશેની છે.

સેન્સર બોર્ડના ચેરમેન પહલાજ નિહલાનીએ કહ્યું છે કે ‘ઈંદુ સરકાર’ માટે કોંગ્રેસ પાર્ટી કે ગાંધી પરિવારમાંથી કોઈની પણ પાસેથી એનઓસી મેળવવાની જરૂર નથી.

નિહલાનીએ એવી ખુશી વ્યક્ત કરી છે કે ‘ઈંદુ સરકાર’માં ઈમરજન્સી કાળની આકરી ટીકા કરવામાં આવી છે.

નિહલાનીએ કહ્યું કે મેં મધુરની ‘ઈંદુ સરકાર’નું ટ્રેલર જોયું છે અને હું એમને અભિનંદન આપવા માગું છું કે એમણે ભારતીય રાજકારણનાં સૌથી શરમજનક પ્રકરણોમાંના એકને ઉઘાડું પાડવાની હિંમત બતાવી છે. ઈમરજન્સીનો એ સમયગાળો એવો હતો જ્યારે આપણાં ઘણાં મોટાં નેતાઓને જેલમાં જવું પડ્યું હતું. ભારતનાં લોકોનો નૈતિક જુસ્સો એ વખતે તળિયે પહોંચી ગયો હતો.

નિહલાનીએ કહ્યું કે, ‘ઈંદુ સરકાર’માં ક્યાંય કોઈનું નામ ઉચ્ચારવામાં આવ્યું નથી. ક્યાંય શ્રીમતી ઈંદિરા ગાંધી કે એમનાં પુત્ર સંજય ગાંધી કે અન્ય કોઈ પણ નેતાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. માત્ર તમારે જ ધારણા કરી લેવાની.

આ ઐતિહાસિક ડ્રામા ફિલ્મમાં 1975 અને 1977 વચ્ચેના ઈમરજન્સી કાળ વખતે આચરવામાં આવેલા અત્યાચારોની વાત છે.

ફિલ્મમાં કીર્તી કુલ્હારી, નીલ નીતિન મુકેશ, અનુપમ ખેર, તોતા રોય ચૌધરી, પ્રવીણ દબાસ, શીબા ચઢ્ઢા, સુપ્રિયા વિનોદ છે. નીલ નીતિન મુકેશે સંજય ગાંધીનો રોલ કર્યો છે સુપ્રિયા વિનોદ ઈંદિરા ગાંધી બની છે.

ફિલ્મ આવતી 28 જુલાઈએ રિલીઝ થવાની છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS