Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

દિગ્દર્શક મધુર ભંડારકરની ફિલ્મોમાં સામાન્ય રીતે કોઈક ફોર્મ્યૂલા રહેતી હોય છે, પણ ‘ઈંદુ સરકાર’ એમનું અલગ પ્રકારનું સર્જન છે. તેઓ એમની અગાઉની ફિલ્મોમાં કોઈ એક ઉદ્યોગક્ષેત્રને ટાર્ગેટ બનાવતા હતા અને એમાંની સચ્ચાઈનો પર્દાફાશ કરતા હતા, પણ ‘ઈંદુ સરકાર’માં એમણે 1975-77ના સમયગાળાને આધાર બનાવીને ઈંદુનાં એક કાલ્પનિક પાત્રને ફિટ કર્યું છે.

‘ઈંદુ સરકાર’ એવી અમુક ફિલ્મોમાંની એક છે જેને થિયેટર સુધી પહોંચવામાં ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો છે. ‘ઈંદુ સરકારે’ રિલીઝ પૂર્વેથી જ દર્શકોમાં એક આતુરતા જગાવી હતી, પણ ફિલ્મ જોયા પછી નિરાશા ઉપજે છે કે વાર્તા ચારેય બાજુ ઘૂમી રહી છે એટલે વિષયને ગંભીરતાથી લેવાનું મન થતું નથી.

વળી, ઈંદુનું પાત્ર એટલે ઈંદિરા ગાંધી નથી. ફિલ્મમાં અભિનેત્રી કીર્તિ કુલહરીનાં પાત્રને આ નામ આપવામાં આવ્યું છે.

ફિલ્મની વાર્તા શરૂ થાય છે, 27 જુલાઈ, 1975થી. એક પોલીસ જીપ દિલ્હી-હરિયાણા સરહદ પાસે એક વસ્તીમાં આવીને ઊભી રહે છે. એક પોલીસવાળો (ઝાકીર હુસેન) વસ્તીમાં તમામ પુરુષોને એક વેનમાં ભરીને બળજબરીથી નસબંધી કરાવવા માટે લઈ જવાનો ઓર્ડર કરે છે. એને કારણે સમગ્ર વસ્તીમાં અરેરાટી વ્યાપી જાય છે. એ દ્રશ્યોમાં તમામ પાત્રોએ ઓવરએક્ટિંગ કરી છે. ત્યારબાદ તુર્કમાન ગેટની ઘટના બતાવવામાં આવે છે. ત્યાં આખી વસ્તીને સળગાવી દેવામાં આવે છે અને અનેક જણની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવે છે. અસંખ્ય લોકો બેઘર થઈ જાય છે. ઈંદુનાં લગ્ન એક મહત્વાકાંક્ષી સરકારી નોકરી કરનાર નવીન સરકાર (તોતા રોય ચૌધરી) સાથે થયા હોય છે. એ નેતાઓની સાથે મળીને ઈમરજન્સી (કટોકટી)નો દરેક પ્રકારનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે. ઈંદુ બોલવામાં અચકાતી હતી એટલે કોઈ એને અપનાવવા તૈયાર થતું નહોતું. એની એકલતા અને દુઃખ એણે લખેલી કવિતાઓમાં સામેલ હતાં. ફિલ્મમાં ઈંદુ એક સારી પત્નીનું પાત્ર છે. પોતાનાં પતિનાં બોસની પાર્ટીમાં પણ અચકાતી-શરમાતી ઈંદુ પોતાની કવિતા દ્વારા લોકોને પ્રભાવિત કરે છે. એ દરમિયાન, ઈંદુ બે અનાથ બાળકોને મળે છે. એ વખતે ઈમરજન્સીની કડવી અને ડરામણી હકીકત સામે આવે છે. એ વખતનાં વડાંપ્રધાન ઈંદિરા ગાંધીનાં આદેશ મુજબ દેશભરમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવેલી હોય છે. એ આદેશે સામાન્ય માનવીથી લઈને અખબારી ઉદ્યોગની આઝાદી છીનવી લીધી છે. એ કાળા ઈતિહાસનો સમયગાળો ખૂબ જ ભયાનક હતો, પણ ફિલ્મમાં એવું કંઈ ખાસ બતાવવામાં આવ્યું નથી.

કીર્તિ કુલહરીએ ‘પિન્ક’ની જેમ આ ફિલ્મમાં પણ જબરદસ્ત એક્ટિંગ કરી છે.

નીલ નીતિન મુકેશે સંજય ગાંધીનાં પાત્રને ખૂબ સરસ રીતે અદા કર્યું છે.

નવીન સરકારનું પાત્ર તોતા રોય ચૌધરીએ સરસ રીતે નિભાવ્યું છે.

ફિલ્મનો ક્લાઈમેક્સ સીન એક લાંબાલચક ભાષણ સાથે સમાપ્ત થાય છે.

‘ઈંદુ સરકાર’ એક કાલ્પનિક બ્લેક એન્ડ વ્હાઈટ ડ્રામા છે. કીર્તિ કુલહરી અને નીલ નીતિન મુકેશની એક્ટિંગ સિવાય ફિલ્મમાં ખાસ કંઈ નથી.

અનેક ઉત્કૃષ્ટ ફિલ્મો આપનાર ભંડારકરે ‘ઈંદુ સરકાર’ દ્વારા દર્શકોને જિંદગીને એક અલગ રૂપમાં દેખાડવાનો પ્રયાસ કર્યો છે.

નિરાશા એ ઉપજે છે કે ફિલ્મમાં ઈમરજન્સીના પ્રભાવને દર્શાવવામાં મધુર ભંડારકર નિષ્ફળ ગયા છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS