Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – વીતેલા વર્ષોનાં બોલીવૂડ અભિનેત્રી આશા પારેખનું કહેવું છે કે સદ્દગત નિર્માતા નાસીર હુસેન જ એકમાત્ર વ્યક્તિ હતા જેમને મેં પ્યાર કર્યો હતો.

નિર્માતા નાસીર હુસેને 1959ની સાલમાં ‘દિલ દેકે દેખો’ ફિલ્મમાં આશા પારેખને ચમકાવ્યાં હતાં, જે આશાની કારકિર્દીની પહેલી ફિલ્મ હતી. ત્યારબાદ નાસીરે બીજી સાત ફિલ્મોમાં આશા પારેખને ચમકાવ્યાં હતાં અને એ બધી જ સુપરહિટ થઈ હતી. એમાંની બે હતી – ‘તીસરી મંઝિલ’ અને ‘કારવાં’.

નાસીર હુસેન અને આશા પારેખ વચ્ચેના રોમેન્ટિક સંબંધ લાંબો સમય સુધી ચાલ્યા હતા અને ફિલ્મ ઉદ્યોગમાં એ જાણીતી વાત હતી.

નાસીર હુસેન સાથેના અંગત સંબંધ વિશે આશા પારેખે હાલમાં જ રિલીઝ કરેલા એમનાં આત્મકથા પુસ્તક ‘ધ હિટ ગર્લ’માં ઉલ્લેખ કર્યો છે.

પોતાનાં ‘પ્રિયતમ’ વિશે આશા પારેખે કહ્યું કે, ‘હા, નાસીર સાબ જ એકમાત્ર એવા પુરુષ હતા જેમને મેં પ્રેમ કર્યો હતો. એમના વિશે જો હું ન લખું તો મારી આત્મકથાનો કોઈ અર્થ જ ન રહે.’

આશા પારેખે એમ પણ કહ્યું કે, નાસીર હુસેન પરિણીત હતા અને એમનું લગ્નજીવન ભાંગવાનો મારો કોઈ ઈરાદો નહોતો એટલે મેં ક્યારેય લગ્ન નથી કર્યાં. હું ક્યારેય કોઈનું ઘર ભાંગવામાં માનતી નહોતી. મારી અને નાસીર સાબનાં પરિવાર વચ્ચે ક્યારેય કોઈ અણબનાવ થયો નહોતો. વાસ્તવમાં, મારાં આત્મકથા પુસ્તકના વિમોચન પ્રસંગે નુસરત (નાસીર હુસેનના પુત્રી) અને ઈમરાન ખાન (પૌત્ર)ને હાજર રહેલા જોઈને મને ખૂબ જ આનંદ થયો હતો. મારું માનવું છે કે હું મારું જીવન કોઈને પણ દુઃખ પહોંચાડ્યા વિના સરસ રીતે જીવી છું.

નાસીર હુસેન હાલના સુપરસ્ટાર આમિર ખાનના કાકા હતા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS