Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – અભિનેત્રી શ્રીદેવીએ 1989માં આવેલી ‘ચાંદની’ ફિલ્મમાં વિનોદ ખન્ના સાથે અભિનય કર્યું હતું. એ વખતે અને ત્યારબાદ પણ એણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી કે પોતે વિનોદ ખન્નાના પુત્ર અક્ષય ખન્ના સાથે કોઈ ફિલ્મમાં કામ કરશે. ઉલ્લેખનીય છે કે શ્રીદેવીની આગામી હિન્દી ફિલ્મ ‘મોમ’માં એમની સાથે અક્ષય ખન્ના મહત્વની ભૂમિકામાં છે.

શ્રીદેવીનું કહેવું છે કે હું જ્યારે ‘ચાંદની’ના સેટ પર વિનોદ ખન્ના સાથે કામ કરતી હતી ત્યારે અક્ષયને અવારનવાર મળવાનું થતું હતું, પણ મેં ક્યારેય કલ્પના પણ કરી નહોતી કે હું ભવિષ્યમાં એની સાથે કોઈક ફિલ્મમાં કામ કરીશ.

‘અક્ષય નિષ્ઠાવાન અભિનેતા છે. એના જેવા કલાકારો મેં બહુ ઓછા જોયા છે. એની સાથે કામ કરવામાં મને ઘણો સરસ અનુભવ થયો,’ એમ શ્રીદેવીએ કહ્યું છે.

53 વર્ષીય શ્રીદેવી પાંચ વર્ષના ગાળા બાદ બોલીવૂડમાં પાછાં ફર્યાં છે. છેલ્લે, 2012માં ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ ફિલ્મમાં એ માતાનાં રોલમાં જોવા મળ્યાં હતાં. એમણે કહ્યું કે, ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ની સફળતાનો મેં બે વર્ષ સુધી આનંદ માણ્યો હતો. ત્યારબાદ મને ઘણી સ્ક્રિપ્ટ્સ મળી હતા, પણ મને ‘હા’ કહેવાનું મન થતું નહોતું. પરંતુ ‘મોમ’ ફિલ્મની સ્ક્રિપ્ટ મને ખૂબ જ સ્પર્શી ગઈ હતી અને મેં એમાં કામ કરવાની હા પાડી હતી.

રવિ ઉદયાવર દ્વારા દિગ્દર્શિત ‘મોમ’માં એક એવી માતાની વાર્તા છે જે એનાં સંતાનોને ખાતર કોઈ પણ હદે જવા તૈયાર થાય છે.

આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દિકી પણ મહત્વની ભૂમિકામાં છે.

બે પુત્રી – જાન્વી અને ખુશીનાં માતા શ્રીદેવીની ‘મોમ’ ફિલ્મને એમનાં પતિ બોની કપૂરે પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ આવતા શુક્રવારથી રિલીઝ થવાની છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS