ઓફિસનું વાસ્તુ યોગ્ય હોવું જરુરી છે, નહીં તો…

“તમે આજે જ મને ચેકની કોપી મોકલી આપો બાકી હું કનેક્શન કપાવી નાખીશ.” સામેથી સૌમ્ય અવાજ આવ્યો ,” બહેન, તમારા બોસ સાથે મારે વાત થઇ ગઈ છે. તમારા ડેટામાં ભૂલ છે. અને હું અત્યારે બહારગામ છું હું આવું પછી વાત કરીએ તો?”

“ના, તો આજે કનેક્શન કપાઈ જશે. હું બહુ ખરાબ છુ.”

“ તો તમને યોગ્ય લાગે તેમ કરો પણ વૈભવભાઈ સાથે વાત કરી લેજો.”

“ તમે મને કોઈની સાથે વાત કરવા કહો છો? અમે ઓછી સંખ્યામાં છીએ એટલે?” ફોન મુકાઈ ગયો પછી જે બહેને ફોન કર્યો હતો તેને વિચાર આવ્યો કે મારે તો માત્ર કનેક્શન ચાલુ રાખવા માટેની વાત કરવાની હતી અને મેં તે કાપવાની વાત કરી નાખી. ઘણીવાર સહજ વાત વારંવાર વણસી જતી હોય તેવું લાગે. આવા સંજોગોમાં નકારાત્મક ઊર્જાનો વિચાર પણ આવે. એકબાજુ સતત ટાર્ગેટ પૂરાં કરવાની સમસ્યા. બીજી બાજુ ઘરમાં પણ પૈસાની ખેંચ,અને જવાબદારીનું ભારણ આ બધું જ સ્વભાવને નકારાત્મક બનાવે અને અંતે જે વિચાર્યું છે તેનાથી વિરુદ્ધ કાર્ય થવા લાગે.

આ આખી વાત વાસ્તુના પરિપેક્ષમાં વિચારીએ તો ઓફિસની જગ્યાની એન્ટ્રી પશ્ચિમ મધ્યની હતી. મુખ્ય ત્યાંની વ્યક્તિ અગ્નિમાં બેસતી હતી અને મોટા ભાગનો સ્ટાફ દક્ષિણ અને પશ્ચિમ તરફ મુખ રાખીને બેસતો હતો.બ્રહ્મમાંથી પસાર થતાં  બંને ત્રાંસા અક્ષ નકારાત્મક હતાં અને સ્ત્રીઓની બેઠક વ્યવસ્થા પર વાયુતત્વનો પ્રભાવ વધારે હતો. નક્કી કર્યું હોય કૈંક અને થઇ જાય કૈંક. ગ્રાહકોને સારી વ્યવસ્થા આપવાના બદલે જો કોઈ જરાક અસહમતિ દર્શાવે તો

ગુસ્સો અનેક સીમાઓ પાર કરવા લાગે. આવા સંજોગોમાં હકારાત્મક ઊર્જાની જરુરિયાત વધી જાય છે.

ટાર્ગેટ આપીને કામ કરાવવાની પ્રથા ભારતમાં ન હતી. અને ટાર્ગેટ આપવામાં પણ આવે તો તેમાં માનવતા હોવી જરૂરી છે. પુરુષ જયારે અગ્નિમાં બેસતો હોય ત્યારે તેની અપેક્ષાઓ વધારે રહે છે. અને વધારે પડતી અપેક્ષાઓ પણ નકારાત્મક હોઈ શકે છે. કેટલીક જગ્યાએ સંબંધોનો આધાર જ જરુરિયાત હોય છે. પહેલેથી ગણતરી રાખીને સંબંધો બાંધવામાં આવ્યાં હોય એટલે સમય જતાં તેમાં કડવાસ આવવાની શક્યતાઓ વધી જાય. અમુક જગ્યાએ ઘરની અંદર પણ એક બીજા સાથેના સંબંધોમાં ગણતરી આવે. આવું એક જગ્યાએ રીનોવેશન કર્યા બાદ જોવા મળ્યું. આખી ઘટનાને વાસ્તુના પરિપેક્ષમાં જોતા સમજાય કે પૂર્વનું યોગ્ય દ્વાર બંધ કરી અને ત્યાં બેડરૂમ બનાવવા જતાં અન્ય ફેરફારોથી આવી વિચારધારા આવી શકે. વળી પૂર્વમાં યુગલનો બેડરૂમ પણ નકારાત્મક ગણાય. આમ શાંત પાણીમાં પથરા નાખવા જેવી સ્થિતિ પણ ઉદભવે. એ જ રીતે પશ્ચિમમુખી બેઠક વ્યવસ્થા પણ સ્વભાવમાં નકારાત્મકતા આપે છે. વિચારો વધારે આવે ત્યારે પણ કાર્યશૈલી પર અસર પડે જ.

એકકંપનીમાં વરસ પૂરું થાય તે પહેલાં જેમના ટાર્ગેટ પુરા ન થયાં હોય તેમને છૂટા કરી દેવાની પ્રથા હતી. અને તેમાં દક્ષિણ મધ્યનું દ્વાર હતું. બ્રહ્મમાંથી પસાર થતાં ત્રણ અક્ષ નકારાત્મક હતાં. અગ્નિમાં પશ્ચિમમુખી બેઠક સાથે મેનેજર બેસતાં હતાં અને સ્ટાફ દક્ષિણમુખી બેઠક વ્યવસ્થા ધરાવતો હતો. અગ્નિમાં દાદરો અને ટોઇલેટ પણ હતાં. જેના કારણે સ્ત્રીઓને તકલીફ જેવું વધારે લાગતું. નકારાત્મક ઊર્જાના કારણે સ્વભાવ ચીડચીડીઓ થવા લાગ્યો. માત્ર કાર્ય સ્થળ પર જ નહી પણ ઘરમાં પણ તેનો પ્રભાવ વધવા લાગ્યો. ઘરેથી નોકરી બદલવા માટે દબાણ આવવા લાગ્યું અને કંપની ખાલી થવા લાગી. ઘણીવાર બધું જ બરાબર ચાલતું હોય પણ અચાનક માણસની મનોદશા બદલાતા અપેક્ષાઓ વધવા લાગે અને પછી સમસ્યાઓ વધતી જાય તેવું બને.

કોઈ પણ સંસ્થા તેના કાર્યકરો અને ગ્રાહકોને આધાર સ્તંભ પર તો ઉભી જ રહે છે પરંતુ તેની યોગ્ય પ્રણાલી અને મૂલ્યો તેને ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે. ઉત્તર અને દક્ષિણના અક્ષ નકારાત્મક બને ત્યારે ભૌતિક્તાવાદી વ્યવસ્થાની શરૂઆત થાય છે અને તેમાં પણ નૈરુત્યનો બ્રહ્મમાંથી પસાર થતો અક્ષ નકારાત્મક હોય તો નિયમો ઘડનાર વ્યક્તિના વિચારો અમાનવીય બનવાની શક્યતા ઉદભવે છે. તેમની અપેક્ષાઓ ખૂબ જ વધારે હોય તેવું બની શકે. જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને કોઈ પણ માણસ અહીંથી કઈ પણ લઇ જઈ શકતો નથી. તે સહુ જાણતા હોવા છતાં અમુક વખતે આત્મસંતોષના અભાવના કારણે પણ માનસિક તણાવ ઉદભવે તેવું બને. વધારે પડતી અપેક્ષાઓ નકારાત્મક જ પરિણામો આપે છે. ઘણીવાર આવી નકારાત્મકતાના કારણે જગ્યા વેચી દેવાના પણ વિચારો આવે. ક્યારેક બિનજરૂરી તોડફોડની પણ ઈચ્છા થઇ જાય. પણ ભારતીય વાસ્તુને નકારાત્મક રીતે જોવાને બદલે મિત્રભાવે જોવામાં આવે તો તેના નિયમોથી આ પ્રકારની સમસ્યાઓમાંથી બહાર નિકળવા માટેનો સરળ માર્ગ દેખાય છે. વળી ભારતીય વિચારધારા ખંડનીય નથી તેથી સકારાત્મક ઊર્જાના હકારાત્મક નિયમો તેમાંથી મળી રહે છે.