ઘરમાં બ્રહ્મ અને અગ્નિનો દોષ હોય તો સંતાનો સાથે થાય છે વારંવાર ઝઘડા

“નાહો. મારા બાળકો ખાલી મારી સાથે વાદ વિવાદ કરે એટલુ જ. બાકી મને ખુબ જ પ્રેમ કરે. હા, નાની નાની બાબતોમાં એમને ,મારાથી મત ભેદ રહે. પણ એ તો આજ ના જમાનામાં કોના ઘરે નથી હોતું?” મધ્ય પ્રદેશના એક પરિવારમાં બાળકોને જાણે મા-બાપ સાથે કોઈ પણ સહેમતી ન જ દર્શાવવી એવો નિયમ હોય તેવું થઇ ગયું હતું. છતાં પણ લોકો શું કહેશે તેવા ડરથી જાહેરમાં તો તેઓ પોતાના બાળકોના વખાણ જ કર્યા કરતા. તેમના ઘરમાં પ્લોટની એન્ટ્રી વાયવ્ય પશ્ચિમની હતી. અગ્નિના ત્રણેય અક્ષ પર નકારાત્મક અસર હતી. અને બ્રહ્મનો દોષ હતો. આવા સંજોગોમાં કોઈ પણ રીતે માં-બાપ સુખી રહી શકે ખરા? અન્ય એક જગ્યાએ બાળકો નૈરુત્યમાં રહેતા. નૈરુત્યમાં બાળકો રહેતા હોય ત્યારે તેમને એવું લાગ્યા કરે કે તેઓ ઘરના વડીલ છે. ક્યારેક તેઓ ઘરની અમુક બાબતોની છાની ચિંતા પણ કરતા જોવા મળે. પણ શું આ સારી અને સાચી સ્થિતિ છે? બાળકો પોતાનું બાળપણ છોડીને ઘરની સમસ્યાઓ પર વિચારવા લાગે તે પણ નકારાત્મક બાબત જ કહેવાય.

અમુક જગ્યાએ બાળકો વડીલો જેવા હોય છે અને વડીલોમાં સમજણ શક્તિ ઓછી હોય છે. આવા સંજોગોમાં અમુક ઉમર પછી વડીલો પ્રત્યેનું માન ઓછુ થતું જોવા મળે છે. હકીકતમાં તો વડીલોએ પોતાની જીદ છોડી અને નિર્ણયો લેવા જોઈએ. વડીલો નાની નાની બાબતોમાં બાળકોની માફક રીસાતા હોય તો કેવું લાગે? પણ એવું થતું હોય છે. એક પરિવારમાં ચાર પરિણીત સંતાનના પિતાજીને રીસાવાની ટેવ હતી. ઘરમાં એક માણસનો વાંક હોય તો પણ જ્યાં સુધી બધાજ સમજાવવા અને મનાવવા ન આવે ત્યાં સુધી તે રિસાયેલા રહેતા. ધીમે ધીમે પરિવાર વિખરાવા લાગ્યો. વહુઓ છાનામાના નિર્ણયો લેવા લાગી. થોડા સમય સુધી સબ સલામત હે જેવું ચાલ્યું અને અચાનક બે ભાઈઓ ઘરમાંથી અલગ થઇ ગયા. આ ઘરનું દ્વાર ઉત્તરી વાયવ્યનું હતું. વળી પ્લોટમાં વાયવ્યમાં જ મકાન બનેલું હતું.  વડીલો નીચેના માળે રહેતા અને બાળકો ઉપરના માળે. રસોઈ ઘરનું પ્લેટફોર્મ કાળા રંગનું હતું તેથી ઘરમાં સ્ત્રીઓનો સ્વભાવ ગુસ્સા વાળો થઇ ગયો હતો. સસરા રિસાય એટલે વહુઓ તેમના પતિઓ પર ગુસ્સે થાય. વારંવાર વારસાઈ ન આપવાની ધમકીઓ આપવાથી ધંધામાંથી છાનામાના પોતપોતાનું કરી લેવાની વૃત્તિએ પણ જન્મ લીધો. ધંધાની જગ્યાએ અગ્નિનો અક્ષ નકારાત્મક હતો. સમય જતા એક દીકરાએ તો જાહેરમાં જ કહેવાનું શરુ કરી દીધું કે અમરા બાપુજીને ખબર ન પડે. હવે તેમને ઘરની નકારાત્મકતા વિષે વિચાર આવ્યો.ભારતીય વાસ્તુ નિયમોમાં આવી સમસ્યાઓનું નિરાકરણ છે. પણ તેના માટે સાચા નિયમોનું જ્ઞાન જરૂરી છે.

અન્ય એક જગ્યાએ બાળકો અગ્નિમાં રહેતા અને વડીલો ઇશાનમાં. દરેક વાતમાં બાળકોને વાંધો જ પડે. અને વડીલો કોઈ પણ ભોગે પોતાની જીદ છોડવા તૈયાર જ ન થાય. ક્યારેક તો પોતે સાચા છે તે સાબિત કરવા ખોટું પણ બોલે. હવે એ ઘરનો નિયમ થઇ ગયો હતો કે જ્યાં સુધી ચર્ચાઓ ન થાય ત્યાં સુધી કોઈ ને ઊંઘ ન આવે. શાંતિ શબ્દ તો જાણે તેમના શબ્દકોશ માંથી બહાર નીકળી ગયો. બાળકોને કોઈ પૂછે કે તમારા મા-બાપ શું કરે છે? તો જવાબ મળે કે લડ્યા કરે છે. એ સિવાય એમને આવડે છે શું? વડીલોને લાગે કે આટ આટલું કરવા છતાં બાળકો અમારું માનતા નથી. આમ જોવા જઈએ તો આ સમસ્યા અનેક પરિવારની છે. એક વ્યક્તિ કઈ પણ કહે એટલે તેનો વિરોધ શરુ થઇ જાય. વાત ખરેખર કયા પરીપેક્સમાં થઇ રહી છે તે સમજવાની તૈયારી જ જોવા ન મળે. વાદ વિવાદ, ચડભડ, નકારાત્મક વલણ જેવીઘણી બધી બાબતો પછી આ સમસ્યા ની સાથે જોડાઈ જાય. ક્યારેક એવું પણ લાગે કે, શું આજ છે જિંદગી? તો ક્યારેક જીવન પ્રત્યેની રૂચી પણ ઓછી થવા લાગે. જયારે બ્રહ્મમાંથી પસાર થતાં બધાજ અક્ષ નકારાત્મક હોય ત્યારે આવું થવાની સંભાવના વધી જાય છે.ઇન્દોરમાં એક પરિવાર સુખેથી રહેતો હતો. સંપતિ વધતા નવું ઘર લીધું. ઘરના માલિકને અકસ્માતોની હારમાળા સર્જાઈ. ખબર જોવા આવનારાઓને આ સુંદર દેખાવ વાળી વ્યક્તિ માટે સહાનુભુતી થતાં નારી મિત્રો વધવા લાગી. પરિણામ સ્વરૂપ તેમના ઘરના બધા અલગ રહેવા લાગ્યા. પત્નીનું મૃત્યુ થતાં બાળકો પાછા આવ્યા. પુનર્લગ્ન થયાં. ઘરમાં સમસ્યાઓ વધી અને તેના તણાવમાં ઘરના માલિકનું પણ મૃત્યુ થયું. આ મકાનનું મુખ્ય દ્વાર ઉત્તરી વાયવ્યનું હતું. પ્લોટનું દ્વાર વાયવ્ય પશ્ચિમનું હતું. બ્રહ્મમાં મોટું માછલી ઘર અને ફુવારો હતાં. નૈરુત્યનો ભાગ કપાયેલો હતો અને ઇશાનમાં પક્ષીઓને રાખવાના પિજરા હતાં. અગ્નિમાં દેવસ્થાન અને તેમની સુવાની વ્યવસ્થા પણ અગ્નિમાં હતી. અગ્નિનો દોષ માણસને ક્યારેક વધારે પડતો મહત્વાકાંક્ષી પણ બનાવી દે છે. જે અંતે તો માનસિક શાંતિને હણવાનું જ કાર્ય કરે છે. ઘરમાં સતત અસહમતી હોય તો તેને નકારાત્મક્તાની નિશાની ગણી શકાય. આવા સંજોગોમાં ઘરમાં હકારાત્મક ઉર્જાની ખુબજ જરૂર હોય છે. જે ભારતીય વાસ્તુના સાચા નિયમો થકી મળી શકે છે.