દેખાવને લઈને વાસ્તુ સમસ્યા અને નિરાકરણ

0
2418

“ અમે તો મોઢાં પર જ કહી દીધું કે , કોમ્પ્યુટરમાં ફોટો સુધારવાનો ઘણો ખર્ચો કર્યો તમે. સાચો ફોટો મોકલવો હતો ને.” એક ભાઈ એના મિત્રને પોતાના દીકરા માટે છોકરી જોવા ગયા બાદના અનુભવની ચર્ચા કરતાં હતાં. આમ જોવા જઈએ તો વાતની રજૂઆત ખોટી છે પણ મુદ્દો સાચો છે. જેની સાથે લગ્ન થવાના છે તેને ફેરફાર કરેલો ફોટો મોકલવાથી સામેવાળાને અન્ય ગુણ જાણવાની ઈચ્છા જ ન થાય.

એનાં કરતાં પોતે જેવાં છે તેવા દેખાવામાં જે મજા છે તે સમજવી જરૂરી છે.

પારદર્શકતા લગ્નજીવનને સરળ અને સફળ બનાવવામાં જરૂરથી મદદ કરે છે. ઈશ્વરે દરેક વ્યક્તિને પોતાની રીતે

પ્રતીકાત્મક તસવીર

સુંદર બનાવી જ છે. જે એ સુંદરતાને પારખી શકે છે તેવી આંખો મળવી જરૂરી છે. બ્રહ્મમાંથી પસાર થતા ઇશાનનો અક્ષ ઉત્તરના અક્ષ સાથે નકારાત્મક ત્રિકોણ બનાવે ત્યારે વ્યક્તિને પોતાની સુંદરતા માટે આત્મવિશ્વાસ ઓછો રહે છે.

જો દક્ષિણનો અક્ષ નકારાત્મક હોય તો વર્ણ ઘેરો બનતો જાય છે. ઘણીવાર સ્થળ પરિવર્તનથી પણ માણસનો વાન બદલાય છે અને મોટાભાગે માત્ર આબોહવાને તેના માટે જવાબદાર ગણવામાં આવે છે. પણ જે તે જગ્યાની ઊર્જા પણ તેમાં મદદરૂપ થાય છે. વળી માત્ર શ્વેતવર્ણવ્ યક્તિઓ જ સુંદર હોય તેવું જરૂરી નથી. વ્યક્તિની આંતરિક ઊર્જા તેને બાહ્ય સુંદરતા આપવામાં મદદરૂપ બને છે.વ્યક્તિની ચુંબકીય શક્તિ તેને આકર્ષક બનાવે છે. જયારે દક્ષિણનો અક્ષ પૂર્વના અક્ષ સાથે હકારાત્મક ત્રિકોણ બનાવે તો વ્યક્તિની ચુમ્બકીયતા વધે છે અને સામેવાળી વ્યક્તિ તેનાથી આકર્ષાય છે. જેમાં માત્ર તેનો રંગ કે આકાર કામ નથી કરતો.

અગ્નિ પ્રભાવિત વ્યક્તિની સુંદરતા મારક  હોય છે. તેથી જ અગ્નિની હકારાત્મકતા આવા વ્યક્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે. જો અગ્નિ અને નૈરુત્ય બંને નકારાત્મક હોય તો ગ્લેમરસ લાગતી વ્યક્તિની નજીક ગયા પછી તેની આંતરિક કુરુપતા સામે આવવા લાગે છે અને વ્યક્તિ સુંદર દેખાતી હોવા છતાં તેની નજીકની વ્યક્તિઓને તે આકર્ષક લાગતી નથી. અમુક કિસ્સાઓમાં આપણે જોઈએ છે કે ખૂબજ સુંદર લાગતી વ્યક્તિ લગ્ન બાદ તેના જીવનસાથીને નથી ગમતી. જો એમાં વાયવ્યનો દોષ ભળે તો વ્યક્તિ પોતાના આકર્ષક વ્યક્તિત્વનો લાભ લેવા પ્રયત્ન કરે તેવું પણ બને. અને સ્વાર્થની લાગણી હમેશા નકારાત્મક પરિણામો જ આપે છે. લાંબા સમય પછી આવી વ્યક્તિ સાચેજ અલગ દેખાવા લાગે છે.

પ્રતીકાત્મક તસવીર

મધ્ય ભારતના એક બહેનના લગ્ન એક ખૂબ જ સંસ્કારી પુરુષ સાથે થયાં હતાં. એમનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક હતું. ઘણા બધા લોકો તેમનાથી પ્રભાવિત થતાં. ધીમે ધીમે તેમને પોતાને પણ આ વાત સમજાવા લાગી. અને પોતાના પતિને ધંધાકીય ફાયદો થાય તેના માટે તે બધા સાથે મિત્રતા કેળવવા લાગ્યાં.તેમના ઘરમાં દક્ષિણના અક્ષ થી બનતો ત્રિકોણ નકારાત્મક હતો. શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું પણ ધીમેધીમે બધાને સમજાવા લાગ્યું. ડર ની માત્રા વધતી ચાલી અને ભય તેમની સુંદરતા ખાઈ ગયો. હવે અરીસો પણ દુશ્મન લાગતો. ગુસ્સો વધ્યો અને અવાજ પર પણ અસર આવવા લાગી. તેમના ઘરમાં હકારાત્મક ઊર્જાના નિયમો શરુ થયા અને તેમના સ્વભાવ સહિત બધું હકારાત્મક થવા લાગ્યું. ઉમર વધી હતી પણ સુંદરતા પણ વધતી હતી. હવે તેમનું વ્યક્તિત્વ આકર્ષક હતું પણ મારક નહીં. સુંદરતા સૌમ્ય પણ હોઈ શકે છે.

આવી નકારાત્મકતા ઉપરાંત બ્રહ્મનો મોટો દોષ હોય તો વ્યક્તિને પોતાનો દેખાવ ગમતો નથી અને તે જાતે કરીને પોતાની નબળાઈઓ શોધે છે. આવી વ્યક્તિઓ સુંદર હોવા છતાં તેને એવું લાગે છે કે બાકી સહુ તેના ખાલી ખાલી વખાણ કરી રહ્યાં છે. અમદાવાદમાં એક પરિવારમાં ખૂબ જ ચપળ અને હોશિયાર દીકરી હતી. સારા અભ્યાસક્રમમાં પ્રવેશપણ મળી ગયો પણ કોઈએ મજાકમાં તેની સુંદરતા પર ટકોર કરી અને તેણે મન પર લઇ લીધી. તેને હવે ઘરની બહાર જવામાં શરમ આવતી. ભણવાનું ખોરંભે ચડી ગયું. ઘરના સમજાવે તો તેમના પર ગુસ્સે થતી. આત્મવિશ્વાસ તળીએ બેસી ગયો.કોઈએ તેને ફોટો પાડીને આપ્યો તો પણ તેને વિશ્વાસ ન આવ્યો. જેવી ઘરની ઊર્જા બદલાઈ તેનો આત્મવિશ્વાસ વધ્યો અને તેને મોડેલીંગ કરવા સુધીનો વિચાર આવવા લાગ્યો.

આવા જ અન્ય એક કિસ્સામાં એક બહેનને પોતાના દેખાવ માટે શંકા હતી. લાંબા સમય સુધી લગ્ન ન કર્યા અને ઘરની હકારાત્મકતા વધતાં જ તે છોકરા જોવા તૈયાર થયાં અને શ્યામ વર્ણ હોવા છતાં પણ તેમને સારો વર અને ઘર મળી ગયાં. લગ્ન માટે માત્ર શ્વેત વર્ણ જરૂરી નથી તે સમજ પણ આવી. મારા રીસર્ચમાં મેં જોયું છે કે વાસ્તુની હકારાત્મક ઊર્જા વ્યક્તિને આંતરિક ઊર્જા આપે છે અને જેના કારણે તેની ત્વચાનું તેજ વધે છે, વાળ વધારે સારા થાય છે, આંખો નીચે કુંડાળા ઘટે છે અને પહેલાં કરતાં યુવાન દેખાઈ શકે છે.