આવી રચના લાવે અસંતોષ, બીમારી, આર્થિક ચિંતા અને અસંતુલન

દરેક વાતમાં ભૂલ દેખાતી હોય ત્યારે માણસે પોતાની અંદર જોવું જરૂરી છે કે ક્યાંક સ્વભાવ ભૂલો શોધવાવાળો તો નથી થઇ ગયો ને? આવા સમયે સાચી સમજણ માટેની હકારાત્મક ઊર્જા મળે છે વાસ્તુ નિયમો થકી.

આજે આપણે જે મકાનનો અભ્યાસ કરીએ છીએ તેના પ્લોટનો આકાર લંબચોરસ છે. અને પ્લોટની એન્ટ્રી નૈરુત્ય દક્ષિણમાંથી છે. જેના કારણે ઘરના બીજા નંબરના પુત્રને તકલીફ પડી શકે. પૂર્વ કરતા પશ્ચિમમાં માર્જીન વધારે છે જે યોગ્ય ન ગણાય. દક્ષિણ કરતાં ઉત્તરમાં વધારે માર્જીન હોય તો તે સારું ગણાય. મકાનના આકારમાં લંબચોરસમાં નૈરુત્યનો ભાગ ઓછો હોય તેવો આકાર છે. જેના લીધે અકસ્માત, નકારાત્મક વિચારો અને ઉગ્રતા આવે. ઘરના ઓટલા પર જવા માટે નૈરુત્ય પશ્ચિમ અને પછી ઘરમાં જવા માટે નૈરુત્ય દક્ષિણનો ફલો છે. જે યોગ્ય નથી. અહીં ઘરમાં રહેવા કરતાં બહાર રહેવાની ઈચ્છા વધારે થાય અને ઘરનું વાતાવરણ ધૂંધવાયેલું રહે. પશ્ચિમમાં પ્રોજેક્સન છે જે માનસન્માન માટે યોગ્ય ન ગણાય. નૈરુત્ય કરતાં અગ્નિમાં લેવલ ઊંચું છે. તેથી ગર્ભાશયને લગતી તકલીફ આવી શકે યા તો લોહી વિકારની સમસ્યા આવી શકે. બેઠક રૂમ અગ્નિમાં છે અને બેઠક વ્યવસ્થા વાયવ્યમુખી છે જેના કારણે ઘરમાં એકબીજા માટેની આત્મીયતાની અભિવ્યક્તિ પારદર્શક ન રહે અને વખતોવખત સમસ્યાઓ આવતી રહે.  બેસીન અને દાદરાનો થોડો ભાગ બ્રહ્મમાં આવે છે તેથી આત્મવિશ્વાસ ઓછો થાય અને નવી પેઢીને લગતી સમસ્યા આવી શકે. ટોઇલેટ યોગ્ય છે. વાયવ્યના બેડ રૂમમાં ઉત્તર તરફ માથું રાખીને સૂવાની વ્યવસ્થા યોગ્ય  ન જ ગણાય. તેના કારણે હાયપરટેન્સનની સમસ્યા આવી શકે.  ઇશાનમાં રસોડું યોગ્ય ન ગણાય. નારીને અસંતોષ રહે. પગ દુઃખે અને સ્વભાવ ચીડચીડીઓ બની જાય. રસોઈની દિશા યોગ્ય છે તેથી આ સમસ્યાઓમાં થોડી રાહત રહે. સ્ટોરેજ ઉત્તરમાં છે તે યોગ્ય ન ગણાય. પુરુષનો આત્મવિશ્વાસ ઘટે. ઇશાનમાં ચોકડી હોય તો ત્યાં કોઈપણ વસ્તુ પર્મેનન્ટ ન રાખવાની સલાહ છે. ડાયનીંગ ટેબલ પૂર્વમાં હોઈ શકે. પરતું તે દીવાલથી થોડું દૂર હોય તો વધારે યોગ્ય ગણાય. દક્ષિણ કરતા ઉત્તરમાં ઓપનિંગ વધારે છે તે સારું ગણાય. પૂર્વ કરતા પશ્ચિમમાં વધારે ઓપનિંગ હોય તે સારું ન ગણાય.

આમ આ ઘરમાં આત્મવિશ્વાસનો અભાવ, નારીને અસંતોષ, બીમારી, આર્થિક ચિંતા, સંસારિક અસંતુલન જેવી સમસ્યાઓ આવી શકે. પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. ભારતીય વાસ્તુ  તેનું નિરાકરણ છે. આ જ ઘરમાં સુખી થવા માટે સર્વપ્રથમ તો સૂચન પછીના નકશા પ્રમાણેની રચના કરવી. ત્યાર બાદ ઇશાનમાં અગિયાર તુલસી, વાયવ્યમાં બે બીલી, અગ્નિમાં બે ફૂલ દાડમ અને એક ચંદન, નૈરુત્યમાં બે નારીયેળી અને એક સેવનનું વૃક્ષ વાવવું.

ઘરની મધ્યમાં સફેદ લેમ્પ લગાવી અને સંધ્યા સમયે ચાલુ કરી દેવો. લીવીંગ રૂમમાં કાચના વાસણમાં ગુલાબ અને મોગરા રાખવા. બેડરૂમમાં ચાંદીના વાસણમાં સફેદ ફૂલ રાખવા. ગુગલજસ્મીનનો ધૂપ સવા સાંજ ઘરમાં ફેરવવો.સૂર્યને અર્ઘ આપવો. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ગુલાબજળ, શેરડીનો તાજો રસ, કેવડાનું અત્તર, દહીંમાં કાળા તલ, પાણીથી અભિષેક કરી અને બીલીપત્ર ચડાવી દેવાં.

કુદરતની સાથે સંતુલનથી ઊર્જા પ્રાપ્ત કરવાના નિયમો એટલે વાસ્તુ નિયમો.