ધંધાના સ્થળ પર ખાસ રાખો આ ધ્યાન, થશે મોટો ફાયદો…

0
2393

“ છેલ્લા છ મહિનાથી ધંધો ઠપ છે. લોકો માલ લેવા આવે અને પૈસા ન આપે. પૂછીએ તો કહે કે આખા માર્કેટમાં આવું જ છે.” “ ખાલી શાંતિભાઈનો ધંધો ચાલે છે. બાકી તો ખબર નથી કે દિવાળી સુધીમાં રંગોળી પુરાશે કે પછી ફટાકડાં ફૂટી જશે?” જયારે અચાનક ધંધો ઓછો થઇ જાય ત્યારે જાત જાતની વાતો સાંભળવા મળે. કોઈ હવન કરે તો કોઈ પૂજા. કોઈ વળી દોરાધાગા પણ કરે. અને કોઈ નસીબને દોષ દે. હિમાચલના એક ભાઈને ત્યાં ઘરની બધીજ પૂજા વિધિ નિયમ પ્રમાણે થતી. ધંધો પણ સરસ ચાલે.

પણ પૈસા આવે તે પહેલાં તો તેના વપરાઈ જવાના કારણો ઉભા થઇ જતા. કંટાળીને તેમણે ધંધો બંધ કરવાનો નિર્ણય પણ લઇ લીધો. પણ પછી સમજાયું કે એમ કરવાથી તો આવક સાવ બંધ થઇ જશે. તેમના શોરૂમમાં એક નાનું દ્વાર ઇશાન પૂર્વનું હતું.વાયવ્ય પશ્ચિમનું મુખ્ય દ્વાર હતું અને વાયવ્ય પશ્ચિમમાં જ કેશ કાઉન્ટર હતું. જેના પર બેસનાર વ્યક્તિનું મુખ પૂર્વ તરફ રહેતું. તિજોરી દક્ષિણમાં ખુલતી હતી. આ ઉપરાંત બે મુખ્ય અક્ષ પણ બરાબર ન હતાં. મોટી જગ્યા, સારી આવક પણ બરકત ન મળે. આવો જ બીજો એક કેસ હૈદરાબાદમાં પણ હતો.

ચાર માળની જગ્યા પણ પૈસા ટકે નહીં.વેચાણ થાય પણ સાથોસાથ ઉઘરાણી પણ વધતી જાય. જોકોઈને ઉધાર માલ ન આપે તો ગરાગ પાછો જાય અને ઉધાર આપે તો પૈસાની ઉઘરાણી વધતી જાય. અહી તિજોરી વાયવ્યમાં પૂર્વ તરફ ખુલતી હતી અને નૈરુત્ય પશ્ચિમમાં મુખ્ય દ્વાર હતું.ચોફેર વધારે પડતા અરીસાઓ હતાં. અને અગ્નિના ત્રણેય અક્ષ નકારાત્મક હતા. ઇન્ટીરીયર અદભૂત. પણક્યારેક ડીઝાઇનમાં સારી લાગતી બાબતો વાસ્તુની રીતે નકારાત્મક હોઈ શકે છે.અને ક્યારેક સામાન્ય દેખાતા ઇન્ટીરીયર પણ ખૂબ જ હકારાત્મક ઊર્જા ધરાવતાં હોય છે.

કોઈ પણ જગ્યાએ સારો દેખાવ જરૂરી છે પણ ધંધાકીય બાબતો માટે દ્વાર, બેઠક વ્યવસ્થા, તિજોરીની સ્થિતિ અને વ્યવસ્થા, દેવસ્થાન, કલર સ્કીમ અને ડિસ્પ્લે આ બધું જ યોગ્ય હોય તે જરૂરી છે. સર્વ પ્રથમ તો ધંધાનો પ્રકાર સમજીને તેના માટેના નિયમો સમજવા પડે.ઓફિસમાં મુખ્ય વ્યક્તિ માટેનું ટેબલ એવી રીતે હોવું જોઈએ કે જેથી બેસનાર વ્યક્તિ નૈરુત્યના યોગ્ય પદમાં ઉત્તર તરફ મુખ રાખીને બેસે.

નૈરુત્યમાં રીસેપ્સનીસ્ટને ક્યારેય ન બેસાડાય. ભાવનગરમાં એક જગ્યાએ આવી સ્થિતિ હતી. ધંધાકીય નિર્ણયો રીસેપ્સન ટેબલ પરથી લેવાતાં. અને સ્ટાફ પણ માલિક કરતાં અહીં બેઠેલી વ્યક્તિના વિચારો અને નિર્ણયોને વધારે માન આપતો. જેની અસર એકંદરે ધંધા પર પડી.જેનું જે કામ છે તે જ તે કામ સફળતાપૂર્વક કરે તે ધંધાકીય વિકાસ માટે અત્યંત જરૂરી હોય છે.આવી જ રીતે જો ઓફીસનું ટેબલ બહારની તરફ ગોળાઈ ધરાવતું હોય તો તે જગ્યાએ ચર્ચાઓ વધારે થાય. જો ટેબલ અંદરની તરફ ગોળાઈ ધરાવતું હોય તો સામેવાળી વ્યક્તિ મુખ્ય વ્યક્તિને પોતાની વાત મનાવી દે તેવું પણ બને.જેથી યોગ્ય રીતે ધંધાનો લાભ ન મળે.

ટેબલની સપાટી એટલી પણ ચમકતી ન હોવી જોઈએ કે આંખો અંજાઈ જાય. તેથી જ ટેબલ પર અરીસાનો નિષેધ છે. જો કાચનું ટેબલ બનાવવું જ હોય તો તેના નિયમો યોગ્ય વ્યક્તિ પાસેથી સમજવા જરુરી છે. કોઈ પણ ટેબલ પર કોઈ પણ ઈશ્વરના ચિત્રો ન રાખવા જોઈએ. કારણકે ત્યાં તેમને સન્માનનીય સ્થિતિમાં રાખી શકતા નથી. તેની ઉપર ગમે તેવા હાથ કે ગમે તેવી વસ્તુઓ ન મુકાય. ખાવાપીવાની પ્રક્રિયા પણ આ ટેબલ પર ન જ કરી શકાય.

ચોરસ ટેબલ કરતાં પણ લંબચોરસ ટેબલ સારું ગણાય, પણ તેની લંબાઈ પહોળાઈનો ગુણોત્તર ૧;૨ થી વધવો ન જોઈએ તે જરૂરી છે. વધારે ઊંચું ટેબલ પણ ન રખાય.વધારે નીચું ટેબલ પણ ન રખાય. ધંધાકીય જગ્યાએ વિચિત્ર આકારનું ટેબલ પણ યોગ્ય ન ગણાય.તેનાથી ઉદભવતી સ્થિતિ યોગ્ય નથી ગણાતી. પ્લાસ્ટિક, એલ્યુમીનીયમ, કાચ કે લોખંડના ટેબલની પોતપોતાની નકારાત્મકતા છે. તેથી તે ન રાખવા જોઈએ.યોગ્ય મટીરીયલ, યોગ્ય આકાર, યોગ્ય ઉંચાઈના ટેબલને યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ રાખવાથી યોગ્ય પરિણામો ચોક્કસ મળે છે.