અગ્નિના એક ચોક્કસ પદમાં દ્વાર આપે ઘરમાં નારીનું પ્રભુત્વ

મારા ઘરમાં તો દરરોજ વુમન્સ ડે હોય છે. પહેલા મમ્મીનું ચાલતું અને હવે પત્ની નું. મારા પપ્પા ગામમાં સિંહ જેવા પણ ઘરમાં મમ્મી કહે કે બેસી જાવ એટલે બેસી જવાનું. મારેય જાણે આ ટેવ વારસામાં આવી હોય તેવું લાગે છે. સાવ આવું થોડું હોય? ઘરમાં આપણો કોઈ મત જ નહિ? પાછુ બે સિંહણ ભેગી થાય એટલે પતી ગયું. આખી સોસાયટીને ખબર પડે. જોકે આમ પાછા બંને પ્રેમાળ પણ એટલા જ હોકે. મને જરાક છીંક આવે ને તોય એમને તકલીફ પડે. એમાં પાછુ લોકો પેલો કાર્યેષુ મંત્રી વાળો શ્લોક સંભળાવે તો કેવું લાગી આવે? નારીના પ્રભુત્વની વાત આવે એટલે અગ્નિના દ્વારનો વિચાર ચોક્કસ આવે. અગ્નિના એક ચોક્કસ પદમાં દ્વાર આવતું હોય ત્યારે ઘરમાં નારીનું પ્રભુત્વ રહે છે. અમુક કિસ્સાઓમાં તો એવું પણ બને કે ઘર નારીના નામથી જ લેવામાં આવ્યું હોય. આમ પણ અગ્નિ એટલે નારી સાથે સંલગ્ન દિશા ગણાય. અગ્નિ દિશા નારીને અસર કરે જ.આ દિશા હકારાત્મક હોય તો તેની સારી અસર આવે અને જો આ દિશા નકારાત્મક હોય તો તેની ખરાબ અસર પણ નારીને વ્યાકુળ કરી શકે.

અગ્નિમાં પૂર્વ તરફના દ્વાર નકારાત્મક છે. તેના સ્થાન ના આધારે તેની અસરો જોવા મળે છે. આમાંથી એક દ્વાર લાંબી બીમારી આપી શકે છે. તો એક આત્મવિશ્વાસ માટે યોગ્ય નથી. દક્ષીણ અગ્નિનું એક દ્વાર નારીનો પ્રભાવ વધારવામાં મદદ કરે છે. અહી નારીને સારા મેનેજરની માફક કામ કરતી જોઈ શકાય. પણ જો બરાબર ખૂણામાં દ્વાર આવતું હોય તો તેની નકારાત્મકતા નારીને વધારે પડતી મહત્વકાંક્ષી બનાવી દે છે. જેના લીધે તેના વિચારો સ્વલક્ષી બની જાય તેવું પણ બને. એમાં જો અન્ય મોટા દોષ ભળે તો તેને આત્મશ્લાઘા કરવાની ટેવ પડી જાય છે. ખાસ કરીને ઉત્તરી ઇશાનમાં વજન આવતું હોત તો તેનો સ્વભાવ ભૌતિક્તાવાદી બને છે અને તે ભૌતિકતાના મદમાં અન્યની લાગણી ભૂલી જાય તેવું બને. જેના કારણે તેને નજર સામે હોય તે લોકો મન આપે પણ પીઠ પાછળ લોકોની લાગણી બદલાય તેવું બને. વળી જો દેવસ્થાન પણ અગ્નિના પદમાં હોય તો નારીનો સ્વભાવ સ્વાર્થી હોય તેવી લાગણી થાય. કેટલા બધા લોકો એવી ગેરમાન્યતામાં જીવે છે કે કોઈ પણ જગ્યાએ પૂર્વ તરફ મુખ રાખીને પૂજા કરવાથી એક સરખી ઉર્જા મળે છે.

અગ્નિમાં રસોઈઘર હોવુ જ જોઈએ તે પણ એક ગેર માન્યતા છે. જયારે અગ્નિમાં રસોઈઘર આવે ત્યારે નારીને પોતાની રસોઈ પર ગર્વ થાય તેવી રસોઈ બને છે. જો રસોઈઘરની આંતરિક વ્યવસ્થા વાસ્તુ નિયમો મુજબ હોય તો. અહીં જો દક્ષીણ તરફ મુખ રાખીને રસોઈ થતી હોત તો નારીને અકળામણ થાય છે અને તેના સ્વભાવની અસર સમગ્ર પરિવાર પર જોવા મળે છે. તે નાની નાની વાતમાં અકળાઈ જાય છે. એમાં પણ જો રસોડાના પ્લેટફોર્મનો રંગ કાળો હોય તો તેને ગુસ્સો ખુબજ આવે છે. નારીને ઘરનો મોભ ગણવામાં આવે છે અને જો મોભ બરાબર સ્થિતિમાં ન હોય તો? રસોડાના ઈશાનમાં નકારાત્મકતા હોય તો નારીને જલ્દી માંઠું લાગી જાય છે. આ બધાજ પરિબળો કાર્યરત થાય તો અંતે તબિયત પર અસર પડે. તન અને મનનું સુખ ન હોય તો અન્ય સુખ શું કામના? પૂર્વમાં રસોઈઘર આવતું હોય તો ઘરમાં સાત્વિક રસોઈ બને છે. નારીને કોઈ ખોટી અપેક્ષા હોતી નથી.

જો સાત્વિક રસોઈ ભાવતી હોય તો આ જગ્યા પસંદ કરી શકાય. પણ જો ઉત્તરમાં રસોડું હોય તો નારીનો સ્વભાવ અપેક્ષાઓથી ભરપુર બની જાય છે. તે સતત પોતાની વાતને સાબિત કરવા પ્રયત્ન કરે છે અને અપેક્ષાઓ વધતા દુખી થાય છે. વાયવ્યમાં યોગ્ય રીતે રસોઈઘર બનેલું હોય તો ઘરના મહત્વના અને ખાસ કરીને આર્થિક નિર્ણયોમાં નારીનું પ્રદાન જોવા મળે છે. પશ્ચિમમાં પશ્ચિમ મુખી રસોઈ હોય તો સમયાંતરે નારીના સ્વભાવના કારણે ઘરમાં કંકાશ થયા કરે તેવું બની શકે. નૈરુત્યમાં રસોઈ હોય તો નારીને તન અને મન બંનેનો સંતોષ મળતો નથી. બ્રહ્મમાં રસોઈ ક્યારેય પણ ન થાય.

જો એકાકી નારી અગ્નિમાં યોગ્ય વ્યવસ્થા સાથે રહેતી હોય તો તેનો પ્રભાવ વધે છે. વાયવ્યમાં રહેતી નારીના વિચારો એડવાન્સ હોય છે પણ તેની પાછળ પૃથ્થકરણ દેખાતું નથી. ક્રાંતિકારી વિચારો જો યોગ્ય દિશામાં વપરાય તો સફળતા મળે. પણ જો તેને સમજવા વાળો વર્ગ ન મળે તો વિવિધ વાતોનો સામનો પણ કરવો પડે છે. ઘરની વ્યવસ્થામાં નારીનું ખુબજ મોટું પ્રદાન હોય છે અને તેથીજ ભારતીય વાસ્તુમાં નારીને સુખી કરવા માટેના ખાસ નિયમો આપવામાં આવેલા છે.