જો અગ્નિનું દ્વાર હોય તો તે ઘર નારીપ્રધાન હોઈ શકે

“આતો સારું છે કે એમના માબાપે મારી સાથે લગ્ન કરાવ્યાં. આખો દિવસ બસ પોતાની જ દુનિયામાં. સાવ મોળા. દેવ જાણે હું ન હોઉં તો એમનું શું થાય? અને સાચા અર્થમાં પુરુષ એકદમ શાંત જ દેખાય અને પત્ની બસ પોતાના વખાણ જ કર્યા કરે તેવું જોવા પણ મળે. આવા વખતે ઈશ્વર કજોડાં જ બનાવે છે એ વાત પર વિશ્વાસ પણ આવી જાય. આ વાતને સમસ્યા તો ગણી જ શકાય કારણ કે પત્ની વધારે પડતું બોલતી હોય એ વાત પતિદેવે સ્વીકારી લીધી હોય તેથી તે પોતાની સાચી લાગણીઓ ધરબીને બેઠો હોય. એક વાત યાદ આવે છે કે એક બહેન પોતાના પતિને ડોક્ટર પાસે લઇ ગયાં અને કહ્યું કે રાત્રે ઊંઘમાં બહુ બોલે છે.એટલું બોલે કે ઊંઘ જ ન આવે. કૈક દવા કરો આમની. અને ડોકટરે કહ્યું કે આ ભાઈને દિવસે બોલવા દો પછી ઊંઘમાં બોલવાની સમસ્યા નહીં રહે. પૂર્વ અને પશ્ચિમ બંને દિશાના અક્ષ નકારાત્મક હોય ત્યારે આવી સમસ્યા ઉદ્ભવે છે. વ્યક્તિનું શાંત હોવું અને કોઈનાથી દબાયેલા હોવું એમાં ભેદ છે. દબાયેલી વ્યક્તિને હૃદયને લગતી તકલીફ વધારે ઝડપથી થઇ શકે છે. અચાનક હૃદયની સમસ્યા આવવાથી ઘરનું તંત્ર પણ ખોરવાઈ જાય તેવું ઘણીવાર થતું જોવા મળે છે. આવા સમયે જે અવ્યવસ્થા ઉભી થાય તે પરિવાર માટે અસહ્ય બની શકે.

આ ઉપરાંત અગ્નિનો ત્રિકોણ પણ જો નકારાત્મક હોય તો નારીને આત્મશ્લાઘા કરવી બહુજ પ્રિય હોય. “ આજે તો સવારે ઉઠીને કપડા ધોઈ નાખ્યાં,ઘર ચકાચક કરી નાખ્યું.વાસણ અમારે ત્યાં બહુ થાય. અને પાછું બધાને ઉઠે એવો નાસ્તો તૈયાર જ જોઈએ. અમારા ઘરમાં તમને લાગે, પણ કામ બહુ જ પહોંચે. આતો હું મોટા કુટુંબમાં રહેલી એટલે બાકી બીજાનું કામ નહીં હો? બીજા હોય તો ના પાડી દે” પછી ખબર પડે કે ઘરમાં વોશિંગ મશીન છે, રસોઈ માટે મહારાજ આવે છે ને ત્રણ તો હેલ્પર છે.

ત્રણ મુખ્ય અક્ષ નકારાત્મક હોય ત્યારે નારીને એવું લાગે છે કે જાણે એના થકી જ બધું જ ચાલે છે. એમાં પણ અગ્નિ નો બ્રહ્મમાંથી પસાર થતો અક્ષ નકારાત્મક હોય તો નારીને વાતો કરવી બહુ જ ગમે અને એ પણ પછી સ્વકેન્દ્રિત વાતો. આવા ઘરમાં નારીને સલાહ આપવાનું ક્યારેક જોખમી પુરવાર થઇ શકે કારણ કે પોતાની ભૂલ વિષે વાત કરવાની તેને ઈચ્છા ઓછી હોય છે. આ ઉપરાંત પિયરના ઘરે અને સાસરીમાં જો વાયવ્યનો દોષ હોય તો નારીને જીવનને સમજવાની ઈચ્છા ઓછી રહે છે. તે વાતને મજાકમાં લઇ શકે છે. તે ક્યારેક નાનું નાનું ખોટું પણ બોલે. જેમાં મજાક કરવો તે મુખ્ય આશય હોઈ શકે. જો વાયવ્યનો ત્રિકોણ નકારાત્મક હોય તો નારીનો સ્વભાવ ટીખળી બને તેવું કહી શકાય. જેના કારણે ક્યારેક તેનું પરિવારમાં માન ઓછું થાય તેવું બને. અને ક્યારેક તેની સાચી વાત પણ મજાક માં લેવાય. આ ઉપરાંત જો અગ્નિ ખૂણામાં દ્વાર હોય તો નારીનો આત્મસંતોષ ઓછો થતા તેના પ્રતિભાવો પડે.

ઘરના બે આધાર સ્તંભ સમા નર અને નારી જો એક બીજાના સંતુલનથી ચાલી શકે તો તે આદર્શ સ્થિતિ છે. પણ જો આ સંતુલન નથી રહેતું તો ઘરનું વાતાવરણ ડહોળાય છે. અને ઘર જેવું સંતુલન ગુમાવે બાળકોના સ્વભાવ. આત્મવિશ્વાસ અને વિચારોની અભિવ્યક્તિ પર તેનો પ્રભાવ પડે છે. જો અગ્નિનું દ્વાર હોય તો તે ઘર નારીપ્રધાન હોઈ શકે છે. નારીના થકી નિર્ણય લેવાય તેવું પણ બને. પણ જો તે યોગ્ય પદમાં ન હોય તો તેની નકારાત્મક અસરો પણ જોવા મળે છે. અગ્નિનો દોષ મુખ્યત્વે નારીને અસર કરે છે. પણ કોઈ પણ સમસ્યા થી ગભરાવાની જરૂર નથી. ભારતીય વાસ્તુમાં તેનું નિરાકરણ છે.ઘરમાં ગુગળ ચંદનનો ધૂપ ફેરવવામાં આવે તો આવી સ્થિતિમાં રાહત મળે છે. જોકે દરેક સમસ્યાની તીવ્રતાને જાણવા જે તે ઘર ન અભ્યાસ જરૂરી છે. ત્યાર બાદ ચોક્કસ પરિણામો વિચારી શકાય.