શું તમારી એક સમસ્યા પૂરી થાય તે પહેલાં નવી સમસ્યા શરુ થઇ જાય છે?

0
2564

“સાહેબ એક સમસ્યા પૂરી ન થાય ત્યાં બીજી શરુ થઇ જાય છે.” આવું ઘણી વાર સંભાળવા મળે. માણસના જીવનમાં આવતી સમસ્યાઓનું સમાધાન એના પોતાના જ હાથમાં છે તેવું તે ક્યારેક માની શકે. મોટા ભાગે સમસ્યાઓ સામે નજર કરતા તે મોટી લાગતી હોય પણ તેને જીણવટથી વિચારવામાં આવે તો એટલી મોટી ન પણ લાગે. જયારે નૈરુત્ય અને દક્ષીણના બ્રહ્મ માંથી પસાર થતાં અક્ષ નકારાત્મક હોય ત્યારે સામાન્ય રીતે આવે ફરિયાદની અપેક્ષા રાખી શકાય. ઇશાન એટલે હૃદય સાથે જોડાયેલી દિશા. અને અગ્નિ એટલે નારી પ્રધાન દિશા. જો પૂર્વનો અક્ષ નકારાત્મક હોય તો માણસનો સ્વભાવ આળો થઇ જાય. તે દરેક સમસ્યાને બિલોરી કાચથી જોવા પ્રેરાય અને પોતેજ તેના લીધે દુખી થાય. એકંદરે આની અસર આખા પરિવાર પર પણ પડે. જો અગ્નિના ત્રણેય અક્ષ નકારાત્મક હોય તો ઘરમાં નારી ને એવું જ લાગે કે પોતાનાથી દુખી તો દુનિયામાં કોઈ પણ નથી.

મહારાષ્ટ્રમાં એક પરિવારમાં બધુજ સુખ હતું. ઘરના વાતાવરણ માટે સમાજમાં દાખલા દેવાતા કે જુઓ જરાય અવાજ આવે છે આ ઘર માંથી? દીકરાના લગ્ન થયાં. વહુ ઘરમાં આવી અને ઘરમાંથી વારે તહેવારે અવાજો બહાર જવા લાગ્યા. બધા માટે એ આશ્ચર્યનો વિષય હતો કે અચાનક આ શું થઇ ગયું? કોઈ એ કહ્યું કે નજર લાગી ગઈ તો કોઈએ તો ભૂત પ્રેતની પણ વાત કરી નાખી. કોઈએ વળી વહુના પગલા વખોડ્યા તો કોઈએ વડવાઓની પણ વાત કરી. હકીકતમાં આ ઘરમાં લગ્ન પહેલા કેટલાક ફેરફાર કર્યા તેની અસર હતી. દીકરાને અટેચ બાથરૂમ આપવા માટે તેને અગ્નિના બેડરૂમમાં જ્યાં પહેલા ગેસ્ટ રૂમ હતો ત્યાં શિફ્ટ કર્યો. અને બાજુના સ્ટોરરૂમને અગ્નિમાં નવી રૂમ બનાવીને શિફ્ટ કરી ત્યાં ટોઇલેટ બનાવ્યું. લગ્ન પછી અગ્નિના બેડરૂમના કારણે મત મતાન્તરો થવા લાગ્યા. નવી આવેલી વહુને અકળામણ થતી તેથી તે પતિની કોઈ વાત સંભાળવા તૈયાર ન હતી. વહુ બીમાર રહેવા લાગી. સાસુને પગનો દુખાવો થયો. સતત ઝગડાઓથી થાકી ને હજુતો વરસ પણ થયું ન હતું ત્યાં છુટા પડવા સુધીની વાત શરુ થઇ ગઈ. ઘરના ઇશાનમાં કોઈના કહેવાથી સેવનનું વૃક્ષ પણ વાવવામાં આવેલું હતું. ઇશાનમાં ઊંચા વૃક્ષ ક્યારેય પણ ન વવાય તે સમજવું જરૂરી છે. આમ એક સમસ્યા માંથી બહાર નીકળવા જતાં નવી સમસ્યાઓ ઉમેરાતી ગઈ.

ઉત્તર અથવા ઉત્તરી ઇશાનમાં ઊંચા વૃક્ષો વાવવામાં આવે ત્યારે તે માનસિક તણાવ વધારે છે. અને જો આ વ્યવસ્થા ઉત્તર અને પૂર્વ સુધી ફેલાયેલી હોય તો તે તણાવના વિવિધ કારણો ઉમેરી આપે છે. સતત તણાવમાં રહેતી વ્યક્તિના નિર્ણયો નકારાત્મક હોઈ શકે અને એકંદરે તે જીવનમાં વિવિધ સમસ્યાઓ ઉમેરાતી જાય છે. ઉત્તર ભારતમાં એક પરિવાર સુખેથી રહેતો હતો. સંતોષી જીવન અને પરિવારમાં સહુને એક બીજા માટે અનહદ લાગણી. સંયુક્ત ધંધામાંથી સરસ ગુજરાન ચાલે. ધંધાકીય જગ્યાએ સાવ બાજુની જગ્યા સસ્તામાં મળતી હોવાથી તેના વિષે પૂરી માહિતી લીધા વીના તે ખરીદી લીધી.  હજુ તો દસ્તાવેજ માંડ થયો હશે ને ખબર પડી કે તે જમીનમાં કેટલાક લોકોના નામ હતાં જે ખોટી રીતે કાઢી નાંખવામાં આવ્યા છે. પૈસા પડી ગયાની લાગણી થઇ. પણ હવે કોઈ ઉપાય ન હતો દેખાતો. આ જમીન મુખ્ય જગ્યાથી દક્ષીણ તરફ હતી અને તેનો નૈરુત્યનો ભાગ ત્રાંસો હતો. વળી પૂર્વ અને દક્ષીણ તરફથી રોડ જતાં હતાં. મેં મારા રીસર્ચમાં જોયું છે કે અગ્નિના ખૂણા પર રોડ જંકસન બનતું હોય ત્યારે જમીન નકારાત્મક બને છે. ઘણી વાર આવા પ્લોટ વરસો સુધી ખાલી પણ જોવા મળે છે. આ જગ્યાએ વનસ્પતિ પણ નકારાત્મક હતી. આવા સંજોગોમાં વ્યક્તિ એક પછી એક સમસ્યાઓમાં ફસાતો જાય છે. પશ્ચિમ મુખી બેઠક વ્યવસ્થા હોય ત્યારે ધંધામાં બરકત આવવાની શક્યતા ઘટે છે, અને તેના તણાવમાં અન્ય સમસ્યાઓ વધતી જાય છે. તો શું કોઈ પણ સમસ્યાને સ્વીકારી લેવાની? બસ તકલીફો ભોગવ્યા કરવાની? ના.ભારતીય વાસ્તુના નિયમોમાં ઘણી બધી સમસ્યાઓના નિરાકરણની અદભુત વાત કરવામાં આવેલી છે. જેમ દરેક વ્યક્તિ બહારથી સમાન દેખાતી હોય પણ તેના માટેના વસ્ત્રો અલગ હોય કે પછી સમાન રોગ ધરાવનાર બે વ્યક્તિની દવાઓ અલગ અલગ હોઈ શકે, તેમજ બે અલગ અલગ મકાનો માટેના વાસ્તુ નિયમો અલગ હોઈ શકે. તેથીજ જે તે ઘરનો અભ્યાસ કરી અને તેને અનુરૂપ સોલ્યુશન આપવાની વાત બનેલી છે. બે સમાન દેખાતા મકાનોમાં પણ અલગ ઉર્જા હોઈ શકે. કારણકે તેમની જમીન, રસ્તાની સ્થિતિ અને લેવલ. વનસ્પતિ, રંગો અને આંતરીક વ્યવસ્થા આવી અનેક બાબતો વાસ્તુની ઉર્જા પર અસર કરે છે.મકાનમાં અલગ અલગ જગ્યાએ કેટલી ઉંચાઈ હોવી જોઈએ તેની પણ અદભુત વાત થયેલી છે. જો મકાનને તેના ગણિત પ્રમાણે અને વૈજ્ઞાનિક રીતે સમજવામાં આવે તો આવક કરતા જાવક ન વધે અને વિવિધ સમસ્યાઓ ન ઉદભવે તેવી વ્યવસ્થા ઉભી કરી શકાય છે.