ઇશાનના ત્રણેય અક્ષ નકારાત્મક થતાં વિકૃત માનસિકતા ઉદભવી શકે

ધીરે રહીને પૂછીએ શેણે ખોયા નેણ? પંક્તિ તો ઘણા બધાને યાદ હશે. જરા વિચારો, કોઈ સામાન્ય અપશબ્દ બોલે તો પણ માણસને લાગી આવે છે તો જે કુદરતને આધીન ક્ષતિ છે તેના માટે કોઈ સંભળાવે તો વ્યક્તિને દુખ થાય. મધ્ય ગુજરાતમાં એક વ્યક્તિને નાની એવી શારીરિક ક્ષતિ હતી. કોઈને ભાગ્યે જ તેની જાણ થતી. તેમણે ઘર બદલ્યું અને નવી જગ્યાએ વિચિત્ર માનસિકતાનો તે શિકાર થયાં. નાની નાની વાતમાં તેમની શારીરિક તકલીફને અપશબ્દ ના સ્વરૂપે રજૂ કરવામાં આવતી. તેમનો આત્મવિશ્વાસ સાવ તળીએ જતો રહ્યો. એક વાર તેમણે જીવનનો અંત લાવવાનો વિચાર કર્યો.પણ એમ સમસ્યા પૂરી થોડી જ થઇ જાય છે? તેમની દીકરીએ સમજાવ્યું કે કેટલાક લોકોને શારીરિક તકલીફ હોય છે. જેમાં કાંઈજ ખોટું નથી. અને કેટલાક લોકોને માનસિક તકલીફ હોય છે જે અંતે તેમના માટે જ ઘાતક બને છે. વ્યક્તિની હિંમત વધી અને તપાસ કરતા ખબર પડી કે આવું તો તે લોકો અનેકની સાથે કરી રહ્યાં હતાં. આ સોસાયટીમાં નૈરુત્યમાં કચરાપેટી હતી. દક્ષિણ અને પૂર્વ માંથી રોડ જતો હતો અને ઈશાનમાં ઉપર પાણીની ટાંકી હતી. આ ઉપરાંત બરાબર ઉત્તરમાં ખુબ મોટું મશીન હતું અને મુખ્ય દ્વાર ત્રાંશુ હતું. આમ ઇશાનના ત્રણેય અક્ષ નકારાત્મક થતાં વિકૃત માનસિકતા ઉદભવી હતી. આવી જગ્યાએ સત્તાનો દુરુપયોગ પણ થઇ શકે. જે થઇ રહ્યો હતો. નૈરુત્ય ખૂણો માનસિકતા અને આર્થીક બાબતો સાથે જોડાયેલો છે. આ જગ્યા સમૃદ્ધ હોય તો તે વ્યક્તિનો પ્રભાવ પણ વધારી શકે છે.

જો સામાજિક સંસ્થા ટ્રસ્ટ કે સોસાયટીમાં ઉત્તર મુખી બેઠક વ્યવસ્થા હોય તો કાર્યકર્તાઓનો સ્વભાવ ભૌતિક્તાવાદી બને છે અને તેના લીધે આત્મીયતા ઘટે છે. તેમના વ્યવહારમાં અહં અને જરૂરિયાતનો વિચાર વધારે રહે. બ્રહ્મમાં વજન આવે તો પણ તણાવ વધે છે. બ્રહ્મમાં વજન ન રખાય તે વાત સાચી છે પણ બ્રહ્મ માટેની સાચી વ્યાખ્યા સમજવી જરૂરી છે. બ્રહ્મ એ કોઈ બિંદુ નથી. સમગ્ર જગ્યાના ઉભા અને આડા ત્રણ ત્રણ ભાગ કર્યા બાદ મધ્યનો એક નવમાંશ ભાગ મળે તેને બ્રહ્મ સ્થાન ગણાય. અહીં કોઈ વધારે વજન વાળી વસ્તુ કે ઊંચા વૃક્ષો ન રખાય.

જો બ્રહ્મમાંથી પસાર થતાં બધાજ અક્ષ નકારાત્મક હોય તો વ્યક્તિનો સ્વભાવ પરપીડન વૃત્તિથી રાજી થવા વાળો બની શકે. તેમાં પણ જો અગ્નિનો દોષ હોય તો આવી પ્રવૃત્તિમાં નારી પણ ક્યાંક જોવા મળે. જો અગ્નિમાં વાયુનું પ્રતિક આવતું હોય તો આવું કરવામાં નારીનો ટીખળી સ્વભાવ પણ કામ કરી શકે. કર્મના સિદ્ધાંતને પણ સમજવાની શક્તિ અમુક વખતે જતી રહે તેવું બને. આવી એક જગ્યાએ મુખ્ય કાર્યકર્તાને એવું કહેતા સાંભળ્યા હતાં કે મંદિરમાં ઘણું દાન આપીએ છીએ, તો એ ક્યારે કામ આવશે? આવી માનસિકતામાં તેઓ અંતે કર્મના ચક્રમાં આવેજ છે. વળી મંદિરમાં આપેલા પૈસા આપણે ખરેખર ઈશ્વરના હાથમાં મુકીએ છીએ ખરા? ઉદ્દંડ વ્યક્તિ ક્યારેય ઈશ્વરની નજીક ન હોઈ શકે.

એક ખુબજ સમૃદ્ધ પરિવારમાં ૧૩ મુખિયા હતાં. તેરે તેર ના પરિવાર સાથે રહેતા. અગ્નિ વાળા ભાઈ કાવાદાવા કરીને પોતાનું સામ્રાજ્ય સાચવવા પ્રયત્ન કરતા. તો ઉત્તરમાં રહેતા ભાઈના મનમાં હિસાબની ચિંતા રહેતી. ખાસ કરીને તેમાંથી પોતાનો ભાગ વધારે નીકળે તેવો પ્રયત્ન થતો. આમતો બહારથી રૂપાળા લાગતા પરિવારમાં બધા પોત પોતાના સ્વાર્થમાં રાચતા. આ ઘરમાં બરાબર ઇશાન અને પૂર્વ અગ્નિમાં દ્વાર હતાં. બ્રહ્મથી નજીક પોંડ બનાવવામાં આવેલું. માણસો નૈરુત્ય દક્ષિણમાં બેસતા તેથી તેમની મંથરા વૃત્તિ પણ કાર્યરત હતી. ઘરની ચારેય બાજુ ખુલ્લી હતી પણ દક્ષિણ અને પશ્ચિમ વળી જગ્યાઓ પર ગંદુ પાણી અને કચરો રહેતા. બહારથી સમૃદ્ધ લાગતા પરિવારમાં આંતરિક તકલીફોનો પાર ન હતો.

ઘણીવાર જેને લોકો આદર્શ સમજતા હોય તે પણ સુખની વ્યાખ્યામાં નથી આવતા. આ જગ્યાએ વધારે પડતા વાંસ વાવવામાં આવ્યાં હતાં. ઉત્તર અને ઈશાનમાં ઓવરહેડ ટાંકી હતી અને બોરની ઉપર કચરો ભેગો કરતો હતો. બ્રહ્મમાં નારીયેલીઓ વાવવામાં આવી હતી અને પૂર્વમાં કેક્ટસનો બગીચો હતો. સાવ સામાન્ય અને નાની લાગતી બાબતો માણસના સ્વભાવ પર મોટી અસર કરી શકે છે. કોઈ પણ પરિવારના સારા બંધારણમાં હકારાત્મક વિચારધારા ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. હકારાત્મક વિચારધારા માટે ઇશાનથી નૈરુત્યનો અક્ષ હકારાત્મક હોય તે ખુબજ જરૂરી છે. માણસનો સ્વભાવ જ તેની સાચી સુંદરતા છે. વળી કદાચ કોઈ એવી રચના થઇ હોય જે નકારાત્મક હોય તો ગભરાવાની જરૂર નથી. ભારતીય વાસ્તુમાં તેનું નિરાકરણ છે.