જો કર્મની અસર હોય તો વાસ્તુ નિયમો કેવી રીતે કાર્ય કરે?

યારે ધર્મનો નાશ થાય છે ત્યારે ઈશ્વર પૃથ્વી પર આવે છે. આવું સહુ માને છે. અને જયારે કઈ પણ ખોટું થાય ત્યારે વ્યક્તિને વિચાર આવે કે,” ઈશ્વર હવે ક્યારે આવેશે?” અમુક જગ્યાએ લોકો એવી ભ્રમણામાં પણ દેખાય છે કે દેવસ્થાન માં પૈસા આપી દીધા એટલે ઈશ્વર પોતાના બધા કર્મો માફ કરી દેશે. પોતાની પાસે જે છે તેનો દુર ઉપયોગ કરવાનો વિચાર પણ નકારાત્મક છે. દરેકને અંતે તો પોતાના કર્મ ભોગવવા જ પડે છે. એવું કહે છે કે કુદરતની લાઠીમાં અવાજ નથી હોતો. હવે ચોક્કસ વિચાર આવે કે કર્મ અને વાસ્તુને શું લેવે દેવા? વળી જો કર્મની અસર હોય તો પછી વાસ્તુ નિયમો કેવી રીતે કાર્ય કરે? એક સોસાયટીમાં કમિટી બધુ જ ખોટું કરતી. કોઈ માણસ સાચી વાત કરેતો ફસાવી દેવાની ધમકીઓ પણ આપતી. બધાજ ત્રાહિમામ પોકારી ગયા હતા પણ બોલે કોણ? એ સોસાયટીની જમીન અને બાંધકામ નકારાત્મક હતા. કંકાસના લીધે બગીચામાં પણ કોઈ ભાગ્યેજ દેખાતું. જાણે કંસની નગરી. બધા રિબાય પણ બોલે કોઈ નહિ.

આ જગ્યાએ ઉત્તરમાં વજન હતું તેથી પુરુષનો આત્મવિશ્વાસ ઘટે. બરાબર ઇશાન પૂર્વમાં દ્વાર તણાવ વધારવા સક્ષમ હતો. વળી ઈશાનને નૈરુત્યમાં કચરાપેટી હતા. જેનાકારણે કમિટી વાળા નકારાત્મક વિચારો ધરાવતા હતા. આ જગાએ મેનેજરને હથિયાર બનાવીને કામ ચાલતું. નકારાત્મક ઉર્જા અને ખરાબ કર્મ. એની સર્વ પ્રથમ અસર મેનેજરની જિંદગી પર પડી. જયારે પશ્ચિમ નો અક્ષ નકારાત્મક હોય ત્યારે કોર્ટ કચેરી પણ થાય. એની શરૂઆત પણ થઇ. પોતાના પદના આધારે અન્યને રંજાડનાર એક વ્યક્તિના જીવનમાં તકલીફોની શરૂઆત થઇ. એણે વાસ્તુ આધારિત ફેરફાર કરાવ્યા પણ અહી કર્મની અસર આવી. મટીરીયલ ની પસંદગી ખોટી થઇ ગઈ કારણકે રંગ અને મટીરીયલ પણ વાસ્તુનો અગત્યનો ભાગ છે તે તેમને ખબર જ ન હતી.જયારે કર્મ ખરાબ હોય ત્યારે નિર્ણયો નકારાત્મક લેવાય છે.

મારા મત પ્રમાણે વાસ્તુ અને કર્મ એ એકબીજા સાથે સંકળાયેલા છે. જો કર્મ સારા હોય અને વાસ્તુ પરફેક્ટ જગ્યામાં વ્યક્તિ રહેતી હોય તો તેને શ્રેષ્ઠ જીવન મળે છે. પણ જો કર્મ નકારાત્મક હોય તો વાસ્તુની સંપૂર્ણ હકારત્મક્તાનો લાભ નથી મળતો. એવીજ રીતે જો વ્યક્તિ નકારાત્મક ઉર્જામાં રહેતી હોય તો પણ કર્મનું ફળ ભોગવવાનું તો થાય જ.ઉદાહરણ તરીકે કર્મ એ રસ્તો છે તો વાસ્તુની ઉર્જા એ ગાડી છે. સરસ રસ્તો હોય અને જૂની સર્વીસ કર્યા વિનાની ગાડી હોય તો ધાર્યું પરિણામ ન મળે. એવીજ રીતે જો નવી નકોર ગાડી હોય અને ખાડાખડિયા વાળો રસ્તો હોય તો પણ યોગ્ય સ્પીડ થી ગાડી ન ચલાવી શકાય. ક્યારેક એવું લાગે કે કર્મનો સિદ્ધાંત વિસરાઈ રહ્યો છે. તેથી આ વાતની સમજણ ખુબ જ જરૂરી છે.કોઈ પૈસા લઈને ભાગી જાય અને લોકોના માટે રોલમોડેલ બની જાય તો તે

નકારાત્મકતાની નિશાની ગણી શકાય. મારા એક સેમિનારમાં એક ભાઈએ પ્રશ્ન કર્યો હતો કે કોઈ માણસ ખૂન કરીને વાસ્તુ પરફેક્ટ જગ્યામાં જતો રહે તો તેની સજા માફ થઇ જાય? અને મારો જવાબ હતો કે જો તે હકારાત્મક ઉર્જામાં હશે તો તેને પોતાના કાર્ય માટે પસ્તાવો થશે અને તે એની માફી માંગી લેશે. હકારાત્મક ઉર્જા હકારાત્મક નિર્ણય લેવાની પ્રેરણા આપે છે. એની સામે નકારત્મક જગ્યામાં હકારાત્મક વ્યક્તિ જાય ત્યારે તેને મન પર ભાર લાગે છે અને તે વહેલી તકે ત્યાંથી બહાર નિકળવા પ્રયત્ન કરે છે.

કેટલીક જગ્યાની નકારાત્મકતા વધારે હોય અને વ્યક્તિના કર્મ પણ યોગ્ય ન હોય ત્યારે તેમના પરિવારમાં નવી પેઢી ને માનસિક કે શારીરિક તકલીફો દેખાય છે. આવા સંજોગોમાં કર્મ અથવાતો ઉર્જા વિષે વિચાર કરવો જરૂરી છે. બ્રહ્મ નો મોટો દોષ હોય અને ઇશાન થી નૈરુત્યનો અક્ષ નકારત્મક હોય ત્યારે વ્યક્તિને અસત્યના માર્ગે જવાની ઈચ્છા વધારે થાય છે. અને અંતે તે કર્મનું ફળ પણ ભોગવે જ છે. આજકાલ કેટલીક નકારાત્મક ટેવો ફેશન ગણાય છે પણ તે અન્તેતો સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. જો સુખમય જીવનની કામના હોય તો વાસ્તુ આધારિત મકાન બનાવવા ઉપરાંત સત્કર્મ કરવાનો વિચાર પણ કરવો જોઈએ.કોઈને તકલીફ આપીને વ્યક્તિ ક્યારેય હકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ નથી કરી શકતો. આવા સમયે તે એવું મને છે કે વાસ્તુ આધારિત મકાન પણ સંપૂર્ણ સુખ નથી આપી શકતું. પણ હા જો કર્મ સારા હશે તો વાસ્તુની ઉર્જાની શ્રેષ્ઠ અસર મળશે.